અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં વહેંચાયો હતો તિરુપતિ મંદિરનો પ્રસાદ, મુખ્ય પૂજારીનો દાવો
Tirupati Temple Prasadam: આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રસાદીમાં પશુઓની ચરબી અને માછલીનું તેલ વપરાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એવામાં હવે મીડિયા અહેવાલ અનુસાર અયોધ્યાના શ્રી રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે દાવો કર્યો છે કે આ વર્ષની શરુઆતમાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તિરુપતિ મંદિરનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. સત્યેન્દ્ર દાસે જણાવ્યું છે કે તિરુપતિ મંદિર તરફથી 300 કિગ્રા પ્રસાદ મોકલવામાં આવ્યો હતો જે ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. પ્રસાદમાં ભેળસેળ કરતાં લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
મુખ્ય પુજારી દાસે કહ્યું કે, વૈષ્ણવ સંતો અને ભક્તો લસણ અને પ્યાજનો પણ ઉપયોગ નથી કરતાં અને એવામાં પ્રસાદમાં એનિમલ ફેટનો ઉપયોગ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ હિન્દુઓની આસ્થા સાથે મઝાક છે. આ આરોપોની તપાસ કોઈ કેન્દ્રીય તપાસ એજન્સીએ કરવી જોઈએ અને આરોપ પુરવાર થતાં અપરાધીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
શું છે તિરુપતિ લાડવા વિવાદ?
લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ બાલાજી મંદિરની પ્રસાદીના રૂપમાં વહેંચાતા લાડવાઓમાં કથિત રીતે માછલીનું તેલ અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાતની એક ફૂડ ટેસ્ટિંગ લેબમાં આની પુષ્ટિ કરવામાં આવી હતી. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ માટે અગાઉની વાઇએસઆર કોંગ્રેસ સરકારને જવાબદાર ગણાવી છે. હવે કેન્દ્ર સરકારે તિરુપતિ મંદિરના લાડવામાં ભેળસેળ અંગે તેલંગાણા સરકાર પાસે જવાબ માંગ્યો છે.