Get The App

તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ બાદ પવન કલ્યાણ ગુસ્સે ભરાયા, કરી દીધી મોટી માગ

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ બાદ પવન કલ્યાણ ગુસ્સે ભરાયા, કરી દીધી મોટી માગ 1 - image


Tirupati Balaji Temple Laddu Controversy : તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં મિલાવટની પુષ્ટિ થઈ ગઈ છે. પ્રસાદ બનાવવા વપરાતા ઘીમાં જાનવરોની ચરબી મળી આવી છે. સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)એ દાવો કર્યો છે કે, ગુજરાત સ્થિત પશુધન પ્રયોગશાળા તરફથી મિલાવટની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે હવે અભિનેતામાંથી નેતા બનેલા આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે શુક્રવારે સનાતન ધર્મ રક્ષા બોર્ડ બનાવવાની માંગ કરી છે.

પવન કલ્યાણે કરી 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ' બનાવવાની માંગ

બે દિવસ પહેલા મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે ગત YSRCP સરકારે શ્રી વેંકેટેશ્વર મંદિરને પણ ન છોડ્યું અને લાડુઓ બનાવવામાં ખરાબ સામગ્રી અને પશુ ચરબીનો ઉપયોગ થયો. ત્યારે હવે પવન કલ્યાણે કહ્યું કે, તેઓ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુ ચરબી (માછલીનું તેલ, ભૂંડની ચરબી અને બીફ ચરબી) મળી આવવાની વાતથી ખૂબ દુઃખી છે. YSRCP સરકાર દ્વારા બનાવાયેલા ટીટીડી બોર્ડને અનેક સવાલોના જવાબ આપવા પડશે. કલ્યાણની સલાહ છે કે મંદિરોથી સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવા માટે સનાતન રાષ્ટ્રીય બોર્ડની રચના કરવામાં આવે.

પવન કલ્યાણે કહ્યું કે, દેશમાં મંદિરો સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષણ બોર્ડ રચવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે તમામ નીતિ બનાવનારાઓ, ધાર્મિક પ્રમુખો, ન્યાયપાલિકાઓ, નાગરિકો અને સંબંધિત ક્ષેત્રોના અન્ય લોકો વચ્ચે ચર્ચા થાય. એક્ટરથી નેતા બનેલા કલ્યાણે કહ્યું કે, રાજ્ય સરકાર મિલાવટી લાડુઓ માટે જવાબદાર લોકો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને આ મામલો મંદિરો, તેમની જમીન અને અન્ય પારંપરિક અનુષ્ઠાનોને કથિત રીતે અપવિત્ર કરવાથી જોડાયેલા મુદ્દાઓને સામે લાવે છે. કલ્યાણે તમામને સનાતન ધર્મ (હિન્દુત્વ)ને કોઈ પણ રીતે અપવિત્ર કરવા પર પૂર્ણ વિરામ લગાવવા માટે સાથે આવવાની અપીલ કરી.

લેબ રિપોર્ટમાં શું મળ્યું?

ટીડીપીમાં મંદિરના પ્રસાદમાં જાનવરની ચરબીનો ઉપયોગ કરવા સંબંધિત કથિત પ્રયોગશાળા રિપોર્ટ બતાવ્યો છે. જેમાં અપાયેલા ઘીના નમૂનામાં ગૌમાંસની ચરબીની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. કથિત પ્રયોગશાળા રિપોર્ટમાં નમૂનાઓમાં "લાર્ડ" (ભૂંડની ચરબી સંબંધિત) અને માછલીના તેલની હાજરીનો પણ દાવો કરાયો છે. સેમ્પલ લેવાની તારીખ 9 જુલાઈ 2024 હતી અને પ્રયોગશાળા રિપોર્ટ તારીખ 16 જુલાઈ 2024 છે.


Google NewsGoogle News