તિરુપતિ પ્રસાદ વિવાદ: ભાજપ પર હિન્દુઓને ઉશ્કેરવાની ગંદી રમતનો આરોપ, 6 સવાલથી શંકા ઘેરાઈ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
તિરુપતિ પ્રસાદ વિવાદ: ભાજપ પર હિન્દુઓને ઉશ્કેરવાની ગંદી રમતનો આરોપ, 6 સવાલથી શંકા ઘેરાઈ 1 - image


Tirupati Laddu Controversy: આંધ્રના જગવિખ્યાત તિરુપતિ મંદિરના પ્રસાદમના લાડુમાં ઘીની જગ્યાએ માછલીનું તેલ, ગૌમાંસ અને પ્રાણીઓની ચરબીના તેલનો ઉપયોગ કરાતો હોવાના આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના દાવાએ ખળભળાટ મચાવ્યો છે. ત્યારે ચંદ્રાબાબુ આ દાવા દ્વારા હિન્દુઓમાં ઉશ્કેરાટ પેદા કરીને રાજકીય રોટલો શેકી રહ્યા હોવાની ટીકાઓ થઈ રહી છે. કોઈ પણ પ્રકારના પુરાવા વિના લાડુમાં ગૌમાંસ વપરાય છે એવો દાવો કરીને ચંદ્રાબાબુ તથા ભાજપે હિન્દુઓની ધાર્મિક આસ્થાનું અપમાન કરી નાંખ્યું છે. 

મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુનો દાવો શંકાસ્પદ

રાજકીય વિશ્લેષકોના મતે, ચંદ્રાબાબુનો દાવો ઘણી બધી રીતે શંકાસ્પદ છે. ભાજપ સાથે મળીને ચંદ્રાબાબુ હિંદુઓમાં ઉશ્કેરાટ ઉભી કરવાની ગંદી રમત રમી રહ્યા છે. ભાજપ અને ચંદ્રાબાબુ પોતાના રાજકીય ફાયદા માટે ગંદી રમત રમી રહ્યા છે અને હિંદુઓની ધાર્મિક લાગણીનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઝેરી સાપ, રાવણ, મદારી, ચોકીદાર, ચોર... એક દાયકામાં PM મોદીને 100થી વધુ વખત અપશબ્દો કહેવાયા


ચંદ્રાબાબુ નાયડુ અને તેમની પાર્ટી ટીડીપીએ આંધ્રની અગાઉની જગન મોહન સરકાર પર પ્રસાદના લાડુમાં ભેળસેળ કરવાના આરોપ લગાવ્યા છે. જગન મોહન રેડ્ડી ખ્રિસ્તી હોવાથી હિન્દુઓની ધાર્મિક લાગણીઓની તેમને પરવા નથી એવું ચિત્ર ઊભું કરવા માટે ચંદ્રાબાબુ નાયડુ અને ભાજપ મચી પડ્યાં છે.

જગનને હિન્દુ વિરોધી ચિતરવાના પ્રયાસ!

ભાજપના ઈશારે જગન મોહન રેડ્ડીની ઈફ્તાર પાટીની તસવીરો વાયરલ કરીને જગનને હિન્દુ વિરોધી ચિતરવાના પ્રયાસ શરૂ કરી દેવાયા છે. જગન મોહનની મુસ્લિમો જેવી ટોપી સાથેની તસવીરો વાયરલ કરી ગંદી કોમેન્ટ્સ કરાઈ રહી છે. તિરૂપતિ મંદિરના લાડુના પ્રસાદના વિવાદ સાથે જગન મોહનની ઈફ્તાર પાર્ટીઓની મુસ્લિમ ટોપી સાથેની તસવીરોને કોઈ લેવા દેવા ન છતાં આ તસવીરો વાયરલ કરીને એવું સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જગન મુસ્લિમોની સોબતના કારણે હિન્દુઓની ધાર્મિક આસ્થા પર પ્રહાર કરી રહ્યો છે.

ભાજપે આ પહેલાં જગનના શાસનકાળ દરમિયાન તિરૂપતિ તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટના ચેરમેન વાય. વી. સુબ્બા રેડ્ડી ખ્રિસ્તી હોવાનો દાવો કરેલો રક્ષા પણ આ દાવો જૂઠાણું સાબિત થયો હતો. હવે જગનને બહાને ભાજપ ફરી એ જ ગંદી રમત રમી રહ્યો છે. લોકસભામાં બહુમતી ના મળતાં ભાજપ ફરી એકવાર દેશમાં હિંદુઓને ઉશ્કેરવામાં લાગી ગયો છે. તેના માટે તેણે મુસ્લિમવિરોધી માહોલ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે અને તેના આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે જ ભાજપે તિરુપતિ મંદિરના પ્રસાદનો વિવાદ ઊભો કર્યો છે.

આ પણ વાંચો: મણિપુરમાં હિંસા ભડક્યા બાદથી PM મોદીએ 22 દેશોનો પ્રવાસ કર્યો પણ અહીં ધરાર ના ગયા


ચંદ્રાબાબુને પણ આ વિવાદમાં બે કારણોસર રસ છે. એક તો ચંદ્રાબાબુની ઇમેજ મુસ્લિમ તુષ્ટિકરણના ચેમ્પિયન તરીકેની પડી ગઈ છે. તે આ ઈમેજને બદલવા માગે છે અને આંધ્રમાં હિન્દુવાદી તરીકેથી ઇમેજ બનાવવા માગે છે. આ કારણે તેમણે હિન્દુઓમાં સૌથી પવિત્ર યાત્રાધામોમાં એક તિરુપતિ મંદિરના પ્રસાદનો વિવાદ ઊભો કરી દીધો. બીજું કારણ ચંદ્રાબાબુનો તેમાં આર્થિક ફાયદો છે. ચંદ્રાબાબુને તેમની કંપની હેરિટેજ ફૂડનું ઘી તિરુપતિ મંદિરમાં આપીને કરોડોની કમાણી કરવામાં રહસ છે. મંદિરમાં બનતા પ્રસાદ માટે દર વર્ષે 5000 કિલો ઘી વપરાય છે. ચંદ્રાબાબુ હેરિટેજ ફૂડનું ઘી વાપરીને કંપનીને ફાયદો કરાવવા મથી રહ્યા છે. 

ભાજપ-ચંદ્રાબાબુને શંકાના દાયરામાં મૂકતાં 6 સવાલ 

સવાલ-1: લાડુ માટેના ઘીમાં ગાયના માંસની મિલાવટ અંગેનો લેબ રિપોર્ટ ખોટો હોવાનો દાવો કરાય છે. જો આવો રિપોર્ટ આવ્યો હોત તો ચંદ્રાબાબુ નાયડુએ ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરતી કંપનીનું નામ કેમ નથી લીધું?

સવાલ-2: ઘીમાં ભેળવવામાં આવતી બહારની ચરબીને પ્રાણીની ચરબી કેમ માની લેવામાં આવી અને પશુ ચરબીનો અર્થ ગૌમાંસ જ હોવાનો કેમ કરવામાં આવ્યો?

સવાલ-3: હૈદરાબાદમાં એફએસએલ જેવી રાષ્ટ્રીય કક્ષાની વિશ્વસનીય સંસ્થા છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ ઓર્ડની ઓફિસ હૈદરાબાદમાં છે, ત્યારે લાડુના નમૂના ગુજરાતની લેબોરેટરીમાં પરીક્ષણ માટે કેમ મોકલવામાં આવ્યા?

સવાલ-4: ગુજરાતની કઈ લેબોરેટરીમાં લાડુના નમૂના મોકલવામાં આવ્યા? તેનું નામ કેમ આંધ્ર સરકાર જાહેર નથી કરતી? ટીડીપી દ્વારા ભેળસેળ અંગેનો જે કથિત રિપોર્ટ અપાયો તે પણ લેબોરેટરીના લેટરહેડ પર કેમ નથી?

સવાલ-5: લાડુની પવિત્રતા અંગે ટીડીપી સરકાર આક્ષેપો કરે છે પણ તિરૂપતિ તિરૂમાલા દેવસ્થાનમ (ટીટીડી) તરફથી કેમ કોઈ નિવેદન આવ્યું નથી?"

સવાલ-6: ઘીમાં ગૌમાંસ હોવાનો રિપોર્ટ જુલાઇમાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પાસે આવી ગયો હતો તો આખો ઓગસ્ટ કેમ મૌન રહ્યા? અડધો સપ્ટેમ્બર પસાર થઇ ગયા પછી આ મુદ્દો કેમ ઊઠાવ્યો?     

રસોડામાં જતાં પહેલાં ઘીનું ટેસ્ટિંગ થાય છે, ગૌમાંસવાળા ઘીની વાત સાવ ખોટી

વાયએસઆર કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન રેડ્ડીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રસાદ બનાવવા માટે કેવી રીતે મંદિરમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે તેની સંપૂર્ણ વિગતો આપી છે. આ વિગતો પ્રમાણે, લાડુ બનાવવા માટેની વસ્તુઓ ખરીદવા દર છ મહિને નવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને આ નિયમ દાયકાઓથી ચાલી રહ્યો છે. 

દાયકાઓથી ટેન્કર દ્વારા દરરોજ મંદિરમાં ઘી લવાય છે. તે નેશનલ ટેસ્ટિંગ એન્ડ પ્યુરિફિકેશન લેબોરેટરી બોર્ડ (NABL)નું સર્ટિફિકેટ લઈને આવે છે. ત્યારપછી તિરૂપતિ તિરુમાલા દેવસ્થાનમ દ્વારા દરેક ટેન્કરમાંથી પણ સેમ્પલ લેવાય છે અને એક સેમ્પલ ફેલ થાય તો ટેન્કર પરત કરવામાં આવે છે. ટીટીડીનું સર્ટિફિકેટ હોય ત્યારે જ ટ્રક મંદિરમાં પ્રવેશે છે.

નાયડુના કાર્યકાળ દરમિયાન 14થી 15 વખત ટેન્કર પાછા મોકલવામાં આવ્યા છે. સેમ્પલ પાસ ના થાય તો ઘીનો ઉપયોગ કરવામાં આવતો નથી એ જોતાં લાડુના સેમ્પલ મોકલાયા એ વાત જ વાહિયાત છે. જગન રેડ્ડીએ કહ્યું કે, મંદિરના બોર્ડમાં રાજ્ય સરકારની કોઈ દખલગીરી જ નથી.     તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના તમામ સભ્યોની નિમણૂક કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભલામણો પર કરવામાં આવે છે. અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તે અહેવાલ ટીડીપીના હોદ્દેદાર અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. મંદિરના બોર્ડે તો ભેળસેળની વાત જ કરી નથી.

તિરૂપતિ મંદિરમાં અત્યાધુનિક લેબ છતાં ગુજરાતની લેબમાં નમૂના મોકલાયા!

તિરૂપતિના લાડુના વિવાદમાં સૌથી મોટી શંકાસ્પદ બાબત એ છે કે, મંદિરની પોતાની લેબ હોવા છતાં ગુજરાતની લેબમાં ટેસ્ટિંગ કરાવાયું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં એક અત્યાધુનિક પ્રયોગશાશા છે જેમાં ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરવામાં આવે છે. આ લેબમાં દરેક બેચનું પરીક્ષણ કરવામાં આવે છે. 

દરેક લાડુમાં કાજુ, ખાંડ અને એલચીની ચોક્કસ માત્રા હોવી જોઈએ અને તેનું વજન માત્ર 175 ગ્રામ હોવું જોઈએ એ હદે ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ બધું ચોક્કસ માત્રામાં હોય તો જ લાડુને GI ટેગ આપવામાં આવે છે. આ લાડુ ફક્ત તિરૂપતિ મંદિર જ બનાવી શકે છે, બીજું કોઈ તેને બનાવતું કે વેચતું નથી એ જીબાઈ ટેગ દ્વારા સાબિત થાય છે.

મંદિરમાં પ્રસાદ માટે દર વરસે 5000 કિલો ઘી વપરાય છે. ચંદ્રાબાબુ હેરિટેજ ફૂડનું ઘી વાપરીને કંપનીને ફાયદો કરાવવા મથી રહ્યા છે.

કેજરીવાલને જેલમાં મોકલનારા રેડ્ડી, મહાકૌભાંડી કેતન દેસાઈ ટ્રસ્ટી

તિરૂપતિ તિરૂમાલા દેવસ્થાનમ ટ્રસ્ટમાં 24 ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટીઓમાં ભ્રષ્ટાચાર માટે વગોવાયેલા ડો. કેતન દેસાઈ અને અરબિંદો ફાર્માના ચેરમન ડો. શરતચંદ્ર રેડ્ડીનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ડો. કેતન દેસાઈએ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના ચેરમેનપદેથી રાજીનામું ધરી દેવું પડયું હતું. રેડ્ડી દિલ્હી લિકર કૌભાંડમાં આરોપી છે પણ સરકારી જામીન મળી ગયા હોવાથી જેલની બહાર છે. રેડ્ડીના નિવેદનના કારણે ઈડીએ અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા. કે. કવિતા સહિતના નેતાઓને જેલમાં ધકેલ્યા હતા. જગન મોહન રેડ્ડીના શાસનકાળમાં 2023ના ઓગસ્ટમાં તે ટ્રસ્ટી નિમાયા હતા પણ એ વખતે જગન અને ભાજપ એક હતાં. ભાજપના કહેવાથી જગને કેતન દેસાઈ અને રેડ્ડીને ટ્રસ્ટી બનાવ્યા હતા. કેજરીવાલને જેલમાં ધકેલવાનો તખ્તો ઘડી આપનારા રેડ્ડીને ભાજપે ટ્રસ્ટી બનાવીને બદલો આપ્યો હતો.

આ પણ વાંચો: ...અને દિવ્યાંગને મુક્ત કરી દીધો, સગીરા પર દુષ્કર્મ મામલે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચર્ચામાં આવ્યો


ચંદ્રાબાબુની સરકાર આવતાં જ ઘીમાં વાંધા શરૂ થયા 

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આક્ષેપ મૂક્યો છે કે, આંધ્ર પ્રદેશની અગાઉની જગન મોહન રેડ્ડીની સરકારના કાર્યકાઇમાં તિરૂપતિ મંદિરમાં લાડુ બનાવવામાં માછલીનું તેલ અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગુજરાતની લેબોરેટરીમાં કરાવેલા રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે ત્યારે આ પ્રકરણના ઘટનાક્રમ પર નજર નાંખીએ.

•તિરુમાલા મંદિરમાં છેલ્લાં 50 વર્ષથી સરકારી ડેરી કર્ણાટક મિલ્ક ફેડરેશન રાહત દરે ઘી આપતી હતી. 2023માં સરકારી ડેરી કર્ણાટક મિલ્ક ફેડરેશને 320 રૂપિયાના ભાવે ઘી આપવાનો ઈનકાર કર્યો હતો. જગન મોહન સરકારે ટેન્ડર દ્વારા નવા ભાવ મંગાવ્યા. કર્ણાટક મિલ્ક ડેરી ફેડરેશનને નવો ભાવ મોકલવા કહ્યું પણ કંપની ટેન્ડરમાંથી બહાર થઈ ગઈ હતી.

•જગન સરકાર દ્વારા 2023ના મે મહિનામાં પાંચ ખાનગી કંપનીઓને ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તે સમયે આક્ષેપો થયા હતા કે વાયએસઆર સરકાર અન્ય બ્રાન્ડ્સમાંથી ઘી ખરીદવા માટે મંદિર બોર્ડ પર દબાણ કરી રહી છે.

•5 કંપનીના કોન્ટ્રાક્ટ પુરા થતાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ 12મી માર્ચ 2024 ના રોજથી ઘીની ખરીદી માટે ટેન્ડર બહાર પાડયું હતું. 8 મેના રોજ ટેન્ડર ફાઈનલ કરવામાં આવ્યું હતું. 

•આ 5 કંપનીઓમાંથી એક તમિલનાડુની કંપની એ આર ડેરી અને એગ્રો ફૂડસે 320 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી આપવાનું ટેન્ડર ભર્યું હતું. તેમનું ટેન્ડર સ્વીકારવામાં આવ્યું હતું. કંપનીને 15 મેના રોજ સપ્લાય ઓર્ડર મળ્યો હતો. તમિલનાડુની એ આર ડેરીએ ગાય દીઠ શુદ્ધ ઘીની કિંમત 319 રૂપિયા પ્રતિ કિલો દર્શાવી હતી.

•એ.આર. ડેરી અને એગ્રો ફૂડસે જૂનમાં ઘી સપ્લાય શરૂ કર્યું પણ આંધ્રમાં સરકાર બદલાતાં જ ઘીની તપાસ શરૂ કરાઈ. ઘીમાં ભેળસેળ હોવાના દાવા કરીને દબાણ શરૂ કરાયું.

•એ.ચાર. ડેરીએ છઠ્ઠી જુલાઈ અને 12મી જુલાઈના રોજ ચાર ટેન્કર મોકલ્યા હતા. અગાઉ 15મી જૂનથી છઠ્ઠી જુલાઈ સુધીમાં આ કંપનીએ નવ ટેન્કર મોકલ્યા હતા. એક ટેન્કરમાં 15 હજાર લીટર ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું.

•છઠ્ઠી જુલાઇના રોજ મોકલવામાં આવેલા 2 ટેન્કરમાંથી અને 12મી જુલાઈના રોજ મોકલાયેલા 2 ટેન્કરના સેમ્પલમાં ગરબડ લાગતાં સેમ્પલ ગુજરાત મોકવામાં આવ્યા હતા અને બાકીના સપ્લાય પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

•આ પ્રતિબંધના પગલે આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા નંદિની બ્રાન્ડ ઘીના સપ્લાયને મંજૂરી આપવામાં આવી હતી. પહેલાં પ્રસાદ માટે લાડુ બનાવવા માટેનું ઘી કર્ણાટકની ડેરી બ્રાન્ડ નંદિની તરફથી આવતું હતું. આ બ્રાન્ડનું ઘી અત્યારે લાડુ બનાવવા માટે વપરાય છે.

તિરુપતિ પ્રસાદ વિવાદ: ભાજપ પર હિન્દુઓને ઉશ્કેરવાની ગંદી રમતનો આરોપ, 6 સવાલથી શંકા ઘેરાઈ 2 - image


Google NewsGoogle News