પ્રસાદમાં ચરબીનો દાવો: રાજકીય લડાઈ હવે ધર્મયુદ્ધમાં ફેરવાઈ, રિપોર્ટની ટાઈમિંગ પર ઊઠ્યાં સવાલ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
પ્રસાદમાં ચરબીનો દાવો: રાજકીય લડાઈ હવે ધર્મયુદ્ધમાં ફેરવાઈ, રિપોર્ટની ટાઈમિંગ પર ઊઠ્યાં સવાલ 1 - image


Tirumala Prasadam Controversy: આંધ્રપ્રદેશમાં સ્થિત ભારતનું સૌથી ધનિક મંદિર મનાતા તિરૂપતી મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુનો વિવાદ અચાનક ફૂટી નિકળ્યો છે અને રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે.  આંધ્ર પ્રદેશમાં અત્યારે ચંદ્રાબાબુ નાયડુની સરકાર છે. નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ ધડાકો કર્યો છે કે, તિરૂપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે ચરબીયુક્ત ઘી ઉપરાંત ગૌમાંસ, સુવરની ચરબી અને માછલીનું તેલ વપરાય છે.

તિરૂપતિ મંદિરના લાડુમાં શુધ્ધ ચણાનો લોટ, બૂંદી, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી હોય છે એવું કહેવાતું હતું પણ ટીડીપીનો દાવો છે કે, આંધ્ર પ્રદેશની અગાઉની જગન મોહન રેડ્ડી સરકારે તિરૂપતિ મંદિરના પ્રસાદને ધંધો બનાવીને કરોડો હિંદુઓની લાગણી સાથે રમત કરી છે.

 YSR કોંગ્રેસના અધ્યક્ષ અને આંધ્રના પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીએ નાયડુ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ચંદ્રબાબુ નાયડુ છેલ્લા 100 દિવસમાં તેમની સરકારની નિષ્ફળતાને છુપાવવા માટે ભગવાનના નામ પર રાજકારણ રમી રહ્યાં છે કારણ કે તેમના તમામ આરોપો પાયાવિહોણા છે. ચંદ્રાબાબુની સરકાર રાજકીય ફાયદા માટે ગંદું રાજકારણ રમી રહી છે અને તિરૂપતિ મંદિરને બદનામ કરીને રાજકીય રોટલો શેકી રહી છે.

સીએમ નાયડુએ કહ્યું કે, જગનમોહન સરકારે કરોડો હિન્દુઓની આસ્થા સાથે રમત રમી છે. મારી સરકાર સત્તામાં આવ્યા બાદ આ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાલમાં જ જે રિપોર્ટ આવ્યો છે, તે જુલાઈમાં લીધેલા પ્રસાદના સેમ્પલનો છે.

હવે આ મામલે દેશભરના સંતોમાં નારાજગી જોવા મળી રહી છે. સંતો કહી રહ્યા છે કે તેઓ આસ્થા સાથે ખેલ સહન નહીં કરે. 

પ્રસાદમાં ચરબીનો દાવો: રાજકીય લડાઈ હવે ધર્મયુદ્ધમાં ફેરવાઈ, રિપોર્ટની ટાઈમિંગ પર ઊઠ્યાં સવાલ 2 - image

12 જૂને સેમ્પલ લેવામાં આવ્યા હતા

આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાતાની સાથે જ 12 જૂને જ તિરુપતિ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસ રિપોર્ટ 23 જૂન સુધીમાં તૈયાર થઈ ગયો હતો, પરંતુ નાયડુ સરકારે 100 દિવસ પૂરા કર્યા ત્યારે સપ્ટેમ્બરમાં ખુલાસો થયો હતો. જે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં જે ચીજવસ્તુઓનો ઉપયોગ થયો છે તેમાં ગાયના ઘીની જગ્યાએ અન્ય તેલીબિયાં અને શાકભાજી તેમજ ફિસ ઓઇલ અને અન્ય પ્રાણીઓની ચરબી હોઈ શકે છે. 

આવી સ્થિતિમાં સવાલ થાય છે કે ભક્તોની આસ્થા સાથે રમવા માટે જવાબદાર કોણ? સવાલ એ છે કે તિરુપતિ બાલાજી મંદિરના પવિત્ર પ્રસાદમાં કોણે અને શા માટે ભેળસેળ કરી? હાલમાં પ્રસાદના ઘોર પાપના સમાચારે દેશની રાજનીતિમાં ધાર્મિક યુદ્ધ છેડ્યું છે. આવી સ્થિતિમાં એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું પ્રસાદમાં ચરબીનો દાવો સાચો છે કે ખોટો?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી અને પ્રસાદનો રિપોર્ટ માંગ્યો છે. તેમજ જેપી નડ્ડાએ તપાસ બાદ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. પરંતુ આ ઘટસ્ફોટ બાદ દેશભરના સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી અરજીઓ થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તો ગુનેગારોને ફાંસીની સજાની માંગ પણ કરી છે. કોંગ્રેસે સીએમ નાયડુ પર સવાલ ઉઠાવ્યા છે કે, કેમ ત્રણ મહિના સુધી સીએમએ ખુલાસો ન કર્યો. હવે કોંગ્રેસે CBI તપાસની માંગ કરી છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમુક સંજોગોમાં ટેસ્ટના પરિણામો ખોટા પોઝીટીવ પણ હોઈ શકે છે. આ એવા સંજોગો છે-

  • જો નમુનાઓમાં ખૂબ જ નબળી ગાયોનું દૂધ લેવામાં આવ્યું હોય 
  • જો હમણાં જ વાછરડાંવાળી ગાયોના દૂધના નમૂના લેવામાં આવ્યા હોય 
  • જો ગાયના દૂધમાં અન્ય પશુઓનું દૂધ ભેળવવામાં આવ્યું હોય 
  • ગાય બીમાર હોય અને ગાયને કોઇ પ્રકારના કેમિકલ આપવામાં આવ્યા હોય

તિરુપતિ બાલાજી મંદિર એ ભારતનું સૌથી ધનિક મંદિર છે અને વિશ્વના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે. તિરુપતિ મંદિરમાં દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. મંદિરમાં દર વરસે લગભગ ૩૦૦૦ ટન ઘીનો ઉપયોગ થાય છે એ જોતાં દર વરસે લગભગ 300 કરોડ રૂપિયાનું ઘી લાડુ બનાવવામાં વપરાય છે. બાલાજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે પ્રસાદમાંથી 500 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ મંદિરમાં દરરોજ 50 હજારથી વધુ ભક્તો દર્શન કરવા આવે છે. મંદિરની કુલ સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયાની છે. જે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓની સંપત્તિ કરતાં પણ વધુ છે. 

પ્રસાદમાં ચરબીનો દાવો: રાજકીય લડાઈ હવે ધર્મયુદ્ધમાં ફેરવાઈ, રિપોર્ટની ટાઈમિંગ પર ઊઠ્યાં સવાલ 3 - image

બેંકોમાં મંદિરના 18 હજાર કરોડ રૂપિયા 

માત્ર વર્ષ 2023માં ભગવાન વેંકટેશને 773 કરોડ રૂપિયાનું એક હજાર 31 કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાલાજી મંદિરમાં 11 હજાર 329 કિલો સોનું બેંકોમાં જમા છે. મંદિરના નામે 13 હજાર 287 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી છે. એપ્રિલ 2024 સુધીમાં મંદિરના નામે 18 હજાર 817 કરોડ રૂપિયા બેંકમાં જમા થયા છે. TTD ટ્રસ્ટ બોર્ડે 2024-2025 માટે કુલ રૂ. 5 હજાર 141.74 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. આ પહેલીવાર છે જ્યારે મંદિરનું વાર્ષિક બજેટ 5,000 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

ઘી સપ્લાયરની પસંદગી કેવી રીતે થાય છે? 

પ્રસાદમાં ચરબીનો દાવો: રાજકીય લડાઈ હવે ધર્મયુદ્ધમાં ફેરવાઈ, રિપોર્ટની ટાઈમિંગ પર ઊઠ્યાં સવાલ 4 - image

મંદિરમાં ઘી પુરવઠા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ભૂતપૂર્વ TTD એક્ઝિક્યુટિવ ઓફિસર દાવો કરે છે કે, કોન્ટ્રાક્ટ સૌથી ઓછી બોલી લગાવનારને આપવામાં આવે છે. 

જો કે, મંદિર પ્રશાસનના જૂના અધિકારીઓનો દાવો છે કે, શુદ્ધ દેશી ઘીના સપ્લાય માટે ટ્રસ્ટના પ્લાન્ટમાં જ 550 દેશી ગાયો છે. એટલું જ નહીં મંદિરમાં આવતા ઘીનું ટેસ્ટિંગ કરવાની પણ વ્યવસ્થા છે. મંદિર ટ્રસ્ટ મૈસુરની CFTRI લેબની મદદથી ઘીની ક્વોલિટી ચેક કરે છે. 

આ પણ વાંચો: તિરુપતિના ગળ્યા લાડુનો કડવો વિવાદ સુપ્રીમમાં પહોંચ્યો


ઘી સપ્લાય કરતી કંપનીએ કરી સ્પષ્ટતા

શુધ્ધ ઘી સપ્લાય કરતી કર્ણાટક મિલ્ક ફેડરેશને સ્પષ્ટતા કરી છે કે, તે જુલાઈથી ઘી સપ્લાય કરી રહી છે. આવી સ્થિતિમાં, જે સપ્લાયર પર નિર્દેશ કરવામાં આવ્યો છે તેનું નામ એઆર ડેરી પ્રોડક્ટ્સ લિમિટેડ છે. આ કંપનીનું કહેવું છે કે, તે તપાસ માટે તૈયાર છે. તેના ચાર ટ્રક ઘી અંગે કોઈ ફરિયાદ ન હતી. પાંચમી ટ્રક રોકાઈ હતી. મંદિર પ્રશાસને કહ્યું છે કે, હવે કંપનીને બ્લેકલિસ્ટ કરીને દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મંદિરના પ્રસાદમાં કોણે ચરબી ભેળવી? વિવાદ વધતાં આરોપી મુખ્યમંત્રીની પાર્ટી પહોંચી હાઈકોર્ટ

મંદિરમાં ઘી પુરવઠા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ભૂતપૂર્વ TTD એક્ઝિક્યુટિવ ઓફિસર દાવો કરે છે કે, કોન્ટ્રાક્ટ સૌથી ઓછી બોલી લગાવનારને આપવામાં આવે છે. જૂના મંદિર પ્રશાસનના અધિકારીઓનો દાવો છે કે, શુદ્ધ દેશી ઘીના સપ્લાય માટે ટ્રસ્ટના પ્લાન્ટમાં જ 550 દેશી ગાયો રાખવામાં આવી છે. એટલું જ નહીં મંદિરમાં આવતા ઘીનું ટેસ્ટિંગ કરવાની પણ વ્યવસ્થા છે. TTD મૈસુરની CFTRI લેબની મદદથી ઘીની ક્વોલિટી તપાસી રહી છે.

આ પણ વાંચો: તિરુપતિ બાલાજીનો પ્રસાદ વિવાદઃ સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ મુદ્દે અમૂલની પોલીસ ફરિયાદ


Google NewsGoogle News