તિરૂપતિ મંદિરના પ્રસાદમાં મળ્યા જીવડાં! ફરિયાદ કરી તો કહ્યું- આવું તો થાય ક્યારેક: ભક્તનો આરોપ
Tirupati Prasad Controversy: આંધ્રના જગવિખ્યાત તિરુપતિ મંદિરના પ્રસાદમના લાડુમાં ઘીની જગ્યાએ માછલીનું તેલ, ગૌમાંસ અને પ્રાણીઓની ચરબીના તેલનો ઉપયોગ કરાતો હોવાના આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના દાવાએ ખળભળાટ મચાવ્યો છે. આ દરમિયાન હવે એક ભક્તે દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના પ્રસાદમાં જીવડું નીકળ્યું છે. ભક્તના આ દાવાને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.
જાણો શું સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, તિરુપતિ મંદિરમાં બુધવારે (બીજી ઓક્ટોબર) બપોરે 1:30 વાગ્યે ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. ત્યારે એક ભક્તે ફરિયાદ કરી હતી કે તેને પીરસવામાં આવેલા પ્રસાદમાં જીવડું નીકળ્યું હતું. આ ભક્તનું નામ ચંદુ છે અને તે વારંગલથી તિરપતિ મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું, 'જ્યારે મેં કર્મચારીઓ સાથે આ મુદ્દો ઉઠાવ્યો તો તેમની પ્રતિક્રિયા ચોંકાવનારી હતી. તેઓએ કહ્યું કે ક્યારેક આવું થઈ જાય છે.'
આ પણ વાંચો: 'ભારત એક હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ સમાજના લોકો એકજૂટ થાય...' RSS પ્રમુખ ભાગવતનું મોટું નિવેદન
ટ્રસ્ટની બેદરકારી અંગે ચંદુએ જણાવ્યું હતું કે, 'મંદિરના કર્મચારીઓએ દાવો કર્યો હતો કે આ જીવડું પ્રસાદ આપવા માટે ઉપયોગમાં લેવાતા પાનમાંથી નીકળ્યં હશે. આ બેદરકારી અસ્વીકાર્ય છે, જો બાળકો અને અન્ય લોકોએ તે ખાધું હોત, તો તેના માટે કોણ જવાબદાર હોત?'
ટીટીડીએ આરોપોને નકારી કાઢ્યા!
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે આ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના જણાવ્યાનુસાર, મંદિરમાં દરરોજ હજારો લોકો માટે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રસાદમાં જીવડું નીકવું તે દાવો ખોટો છે.'
ટીટીડીએ એવો પણ દાવો કર્યો હતો કે પ્રસાદ અંગેની ફરિયાદ ભક્તોને ભગવાન વેંકટેશ્વરમાં તેમની આસ્થાથી દૂર કરવાનો પ્રયાસ હતો. આ સંસ્થાને બદનામ કરવાની રીત છે.