તિરૂમલા તિરૂપતિ દેવ સ્થાને અન્ય ધર્મીઓને પાછા સનાતન ધર્મમાં સ્વીકારવા ભૂમિકા તૈયાર કરી
- ધર્મ પરિવર્તિત, ખ્રિસ્તી, મુસ્લિમોને હિન્દુ ધર્મમાં આવકારાયા
- ટીટીડી બોર્ડના અધ્યક્ષ બી.કે. રેડ્ડીના જણાવ્યા પ્રમાણે આ પ્રકારનો મંચ દેશમાં સૌથી પહેલો બની રહેશે
તિરૂપતિબાલાજી : આંધ્રપ્રદેશ સ્થિત દેશનાં સૌથી સમૃદ્ધ દેવસ્થાન તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ્ (ટીટીડી) મૂળ હિન્દૂ ધર્મી પરંતુ પછીથી એક કે બીજા કારણોસર હિન્દૂ ધર્મ છોડી ખ્રિસ્તી કે ઈસ્લામ ધર્મ સ્વીકારનારાઓને પાછા હિન્દૂ ધર્મમાં લાવવા માટે ભૂમિકા તૈયાર કરી છે જે દ્વારા તેઓ 'સનાતન ધર્મ'માં પાછા આવી શકશે.
ટીટીડી બોર્ડના અધ્યક્ષ ભૂમન કરૂણાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો મંચ દેશમાં સૌથી પહેલો મંચ બની રહેશે. આ મંચનો હેતુ હિન્દૂ ધર્મનાં મૂલ્યો પ્રસારવાનો તથા ધર્માંતરણ રોકવાનો છે.
આ સાથે તેઓએ 'રામ જન્મભૂમિ' મંદિરના વહીવટમાં પણ સહાયભૂત થવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે ત્યાં વિશાળ માનવ મેદની એકત્રિત થાય છે. અહીં પણ વિશાળ માનવમેદની એકત્રિત થાય છે તેથી અમોને વિશાળ માનવમેદનીની વ્યવસ્થા ગોઠવવાનો દાયકાઓથી અનુભવ છે. તેથી અમે ભગવાન શ્રીરામના મંદિરે થતી શ્રધ્ધાળુઓની ભીડની વ્યવસ્થા સારી રીતે ગોઠવી શકીએ તેમ છીએ.
અત્યારે આ વિખ્યાત મંદિરના પટાંગણમાં 'આસ્થાના મંડપમ્' રચવામાં આવ્યો છે, જ્યાં 'ધાર્મિક સંસદ' ચાલે છે. આજે આ સંસદનો બીજો દિવસ છે.
રેડ્ડીએ વધુમાં આ સાથે જણાવ્યું હતું કે, 'ટીટીડીએ એવી ભૂમિકા રચી છે કે જેથી જે કોઈ સનાતન ધર્મમાં પોતાની શ્રધ્ધા ધરાવતા હોય તે સર્વેને અમારા ધર્મમાં પાછા ફરવાની ભૂમિકા તૈયાર કરાઈ છે.'
આ ધર્મ સંસદ દરમિયાન રચાયેલા વિરામ સમયે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં આ વિદ્વાને જણાવ્યું હતું કે આ પ્રકારની દેશમાં રચનારી સર્વપ્રથમ વ્યવસ્થા હશે જેમાં ભગવાન મહાવિષ્ણુ વિરાજમાન છે અને ભગવાન શ્રીરામ તેઓનો એક અવતાર મનાય છે.
આ ધર્મ સંસદમાં વિવિધ પીઠોના આચાર્યો અને 'ગાદીપતિઓ'એ ભાગ લઈ રહ્યાં છે.
રેડ્ડીએ આ સાથે વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આ સંસ્થાએ દલિત ગોવિંદમ્ કલ્યાણવસુ અને કૈશિકા દ્વાદશી જેવા કાર્યક્રમો યોજી ધર્માંતરણો થતાં રોક્યા હતાં. વિશેષત: દૂર દૂરના વિસ્તારોમાં આ ગતિવિધિ વધુ પ્રમાણમાં ચાલતી હતી. જે અમે નિષ્ફળ બનાવી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પાછળનો મુખ્ય હેતુ તો હિન્દુ ધર્મના પ્રમાણભૂત ગ્રંથો, મહાકાવ્યો, વેદ-વેદાંતો અને શાસ્ત્રોમાં દર્શાવાયેલા ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, જનસામાન્યમાં, વિશેષત: યુવાનોમાં પ્રસારવાનો છે.
તેઓએ ફરી અયોધ્યા સ્થિત રામ મંદિરના વહીવટમાં સહાયભૂત થવાની તિરૂમલા, તિરૂપતિ દેવસ્થાનમના વહીવટકર્તાઓની તૈયારી દર્શાવતાં કહ્યું હતું કે, 'અમોને તો દાયકાઓથી વિશાળ માનવ મેદનીને સંભાળવાની ટેવ છે તેથી અમે ત્યાં વધુ ઉપયોગી બની શકશું તેમજ મોટા દેવસ્થાનોના અન્ય વહીવટ માટે પણ અમે ઘડાયેલા છીએ તેથી તેમાં પણ અમે સહાય કરવા તૈયાર છીએ.'