Get The App

અનેક દેશોમાં જુદા જુદા ટાઈમ ઝોન, તો ભારતમાં માત્ર એક જ ટાઈમ ઝોન કેમ? જાણો તેનું કારણ

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
અનેક દેશોમાં જુદા જુદા ટાઈમ ઝોન, તો ભારતમાં માત્ર એક જ ટાઈમ ઝોન કેમ? જાણો તેનું કારણ 1 - image


Time Zones in India: પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી ભારત લગભગ 3000 કિલોમીટરમાં ફેલાયેલું છે, જેથી દેશના પૂર્વોત્તર છેડા અને પશ્ચિમ છેડા વચ્ચે બે કલાકના સૌર-સમયનો ફરક પડી જાય છે. એટલે કે પૂર્વમાં જ્યારે સવારના છ વાગ્યા હોય છે ત્યારે સૂર્ય-ગતિ મુજબ પશ્ચિમમાં તો સવારના ચાર જ વાગ્યા હોય છે. છતાં આખો દેશ એક જ કાંટે હંકારાય છે. શું છે એનું કારણ? 

ભારત એકલું નથી

ભારતની જેમ ચીન પણ પૂર્વથી પશ્ચિમ સુધીમાં 5000 કિલોમીટરનો વિશાળ પથારો ધરાવતું હોવા છતાં ત્યાં પણ એક જ ટાઈમ ઝોન છે. બંને પડોશી દેશો વિશ્વના અન્ય વિશાળ દેશોથી આ બાબતે અલગ સિસ્ટમને અનુસરે છે એનું કારણ સમજવા સૌથી પહેલાં ટાઈમ ઝોન શું છે એ સમજીએ. 

શું છે ટાઈમ ઝોન?

પૃથ્વી 24 ટાઈમ ઝોનમાં વિભાજિત છે. દરેક ઝોન અંદાજે 15 ડિગ્રી રેખાંશથી અલગ પડે છે. આ વિભાજન પૃથ્વીના 24-કલાકના પરિભ્રમણના એક કલાકને અનુરૂપ છે. પ્રાઈમ મેરિડીયન કહેવાતું 0° રેખાંશ ઇંગ્લેન્ડના ગ્રીનિચ નગરમાંથી પસાર થાય છે. તે પ્રારંભિક બિંદુ ગણાય છે, જેને 'ગ્રીનિચ મીન ટાઈમ' (GMT) અથવા 'યુનિવર્સલ કોઓર્ડિનેટેડ ટાઈમ' (UTC) એવું નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: બ્રહ્માંડમાં ફરતા 138 નવા - ડેકામીટર પ્રકારના લઘુગ્રહો શોધ્યા : 6 લઘુગ્રહોનો આકાશી માર્ગ પૃથ્વી ભણીનો છે

ભારતનો ટાઈમ ઝોન શું છે?

ભારતના ટાઈમ ઝોનને 'ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ' (ભારતીય માનક સમય - IST) નામ આપવામાં આવ્યું છે. IST એ GMT +5:30 પર સેટ છે, એટલે કે ભારતનો IST ટાઈમ ઝોન ગ્રીનિચ મીન ટાઈમ કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે. તેથી ભારતમાં સાંજના છ વાગ્યા હશે તો ગ્રીનિચમાં બપોરના સાડા બાર વાગ્યા હશે. IST 82.5° પૂર્વ રેખાંશ પર આધારિત છે, જે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. દેશમાં એક જ ટાઈમ ઝોન હોવાથી આપણે એમ કહી શકીએ કે આખો દેશ મિર્ઝાપુરના સમયને અનુસરે છે. 

IST કોણે અને ક્યારે અમલમાં મૂક્યો?

ભારતમાં IST અંગ્રેજોએ અમલમાં મૂક્યો હતો. બ્રિટિશ યુગ દરમિયાન 1 જાન્યુઆરી, 1906ના રોજ ભારતીય માનક સમય અપનાવવામાં આવ્યો હતો, જે આઝાદી પછી પણ યથાવત રહ્યો હતો. ઐતિહાસિક, રાજકીય અને વ્યવહારુ વિચારણાઓને આધારે દેશમાં 'સિંગલ ટાઈમ ઝોન' (એક જ ટાઇમ ઝોન)નો નિર્ણય લેવામાં આવ્યો હતો. આઝાદી અગાઉ પાકિસ્તાન પણ ભારતનો જ હિસ્સો હતું એટલે ત્યારે તો દેશનો ભૌગોલિક ફેલાવો આજે છે એના કરતાંય વધારે હતો. 

જેટલો લાંબો-ચૌડો પથારો એટલા વધુ ટાઈમ ઝોન

મોટેભાગે તો એવી જ માન્યતા છે કે દેશ જેટલો પહોળાઈમાં ફેલાયેલો હોય એટલા એના ટાઈમ ઝોન વધારે. પણ આ માન્યતા શત પ્રતિશત સાચી નથી. દુનિયામાં સૌથી વિશાળ દેશ છે રશિયા જે 11 ટાઈમ ઝોનમાં વહેંચાયેલો છે, અમેરિકા અને કેનેડા બંનેમાં 6 ટાઈમ ઝોન છે. પણ, એક દેશ એવો છે જે આ ત્રણે દેશ કરતાં કદમાં ખાસ્સો નાનો હોવા છતાં સૌથી વધુ ટાઈમ ઝોન ધરાવે છે. અને એ દેશ છે ફ્રાન્સ, જેના ૧૨ ટાઈમ ઝોન છે! કારણ એ કે ફ્રાન્સ હજુ જે ટાપુઓ પર રાજ કરે છે એ સંસ્થાનો દુનિયાના અલગ-અલગ વિસ્તારમાં છૂટાછવાયા ફેલાયેલા છે. અન્ય કોઈ દેશના સંસ્થાનો ન ફેલાયેલા હોય એટલે દૂર-દૂર સુધી ફ્રાન્સના સંસ્થાનો ફેલાયેલા છે. 

આ પણ વાંચો: 22 ડિસેમ્બર-રવિવારથી રાત્રિ ક્રમશઃ ટૂંકી જ્યારે દિવસ ક્રમશઃ લાંબો થતો જશે

સિંગલ ટાઈમ ઝોનના ફાયદા

1) સિંગલ ટાઈમ ઝોન એટલે કે એક જ ટાઈમ ઝોન હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એના લીધે વહીવટી કામગીરીમાં સરળતા રહે છે. જે સમય આસામમાં હોય એ જ સમય ગુજરાતમાં પણ હોય તો કામ બાબતે સમયની સરખામણી કે વ્યવસ્થાપન કરવાની જહેમત લેવી પડતી નથી. આપણે આપણા અમેરિકા કે યુરોપમાં રહેતા સગાં સાથે ફોન પર વાત કરવી હોય તો સૌથી પહેલાં બંને પક્ષે સમયની અનુકૂળતા જોવી પડે, એનું કારણ અલગ ટાઈમ ઝોન છે. આપણા દેશમાં એક જ ટાઈમ ઝોન હોવાથી પરિવહન, તમામ પ્રકારના વ્યવસાયો અને સરકારી કામગીરીમાં સમયપત્રકને અનુસરવું પણ સરળ બની જાય છે. 

2) સિંગલ ટાઈમ ઝોનને લીધે રાષ્ટ્રીય એકતા મજબૂત બને છે. અલગ-અલગ પ્રાંતોમાં રહેતા નાગરિકો વચ્ચે સમાનતાનો ભાવ કેળવાય છે. આ બંને કારણોસર ભારતમાં સિંગલ ટાઇમ ઝોન જાળવી રખાયો છે.

સિંગલ ટાઈમ ઝોનના ગેરફાયદા

1) સિંગલ ટાઈમ ઝોનનો સૌથી મોટો ગેરફાયદો એ કે એના લીધે દૂર-સુદૂરના પ્રદેશો માટે પડકાર સર્જાય છે. દેશના મધ્યભાગને તો મોટેભાગે વાંધો નથી આવતો, પણ છેવાડાના પ્રદેશોમાં ઘડિયાળનો સમય સૂર્યની ગતિને અનુરૂપ નથી રહેતો. જેમ કે, મિર્ઝાપુરના હિસાબે આખા દેશમાં સવારના નવ વાગ્યાનો સમય ઓફિસના કામની શરૂઆતનો ગણીએ તો ત્યારે ઉત્તરપૂર્વના રાજ્યોમાં સવારના દસ વાગી ચૂક્યા હોય છે, જેથી તેમણે ઑફિસ જવાનું દસ વાગે થતાં તેમનો સવારનો એક કલાક બગડે છે. એ જ રીતે સાંજે તેમણે અંધારું થઈ જાય પછી પણ કામ કરવું પડે છે, કેમ કે દેશનો સિંગલ ટાઈમ ઝોન એમને એમ કરવાની ફરજ પાડે છે. ખાનગી નોકરીમાં તો ઓફિસનો સમય એક કલાક આગળ-પાછળ કરવું શક્ય છે, પણ સરકારી કાર્યક્ષેત્રે આખા દેશને એક સમય-લાકડીએ હાંકવાનો થતો હોવાથી દૂરના પ્રાંતના નાગરિકોને અગવડ પડે છે.

2) ઉપરોક્ત અસમાનતાને કારણે દૂરના પ્રાંતોમાં સાંજે મોડે સુધી કામ કરવું પડતું હોવાથી વીજળીનો વ્યય પણ ખાસ્સોએવો થાય છે.

3) સૂર્યની ગતિને બદલે ઘડિયાળના કાંટે જાગવા અને ઊંઘવાની ફરજ પડતાં લોકોના આરોગ્ય પર વિપરિત અસર પડે છે અને એમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પર પણ નકારાત્મક અસર થાય છે.

બે ટાઈમ ઝોનની માંગ

ભારતમાં દાયકાઓથી બે અલગ ટાઈમ ઝોનની માંગ કરાઈ રહી છે. વર્ષ 2018 માં 'નેશનલ ફિઝિકલ લેબોરેટરી'એ પણ દિવસના પ્રકાશનો મહત્ત્મ ઉપયોગ કરવા અને નાગરિકોની કાર્યક્ષમતા વધારવા માટે દેશમાં બે ટાઈમ ઝોન અપનાવવાનું સૂચન કર્યું હતું. ચીનમાં પણ આવી માંગ ઘણા સમયથી ઊઠતી રહી છે.


Google NewsGoogle News