કેજરીવાલનું વજન કેમ ઘટી રહ્યું છે? તિહાર જેલે કરી દીધો મોટો ખુલાસો, આપ નેતાઓનો દાવો ફગાવ્યો

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
કેજરીવાલનું વજન કેમ ઘટી રહ્યું છે? તિહાર જેલે કરી દીધો મોટો ખુલાસો, આપ નેતાઓનો દાવો ફગાવ્યો 1 - image


Image Source: Twitter

Arvind Kejriwal Weight Loss: તિહાર જેલે આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારના મંત્રીઓનો એ દાવો ફગાવી દીધો છે કે અરવિંદ કેજરીવાલનું વજન 8.5 કિલો ઘટી ગયુ છે. જેલ પ્રશાસને કહ્યું કે, અરવિંદ કેજરીવાલનું વજન હકીકતમાં માત્ર 2 કિલો જ ઘટ્યું છે અને તેમણે આ જાણી જોઈને કર્યું છે. રવિવારે તિહાર જેલ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, અરવિંદ કેજરીવાલ ખાવાનું ઓછું ખાઈ રહ્યા છે.

કેજરીવાલનું માત્ર 2 કિલો વજન ઘટ્યું 

તિહાર જેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે કેજરીવાલ 1 એપ્રિલે પહેલીવાર જેલમાં આવ્યા હતા ત્યારે તેમનું વજન 65 કિલો હતું. 8 અને 29 એપ્રિલે તેનું વજન 66 કિલો નોંધાયું હતું. વચગાળાના જામીન પર જે દિવસે તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમનું વજન 64 કિલો હતું. 21 દિવસ બહાર રહ્યા બાદ 2 જૂનના રોજ જ્યારે તેઓ પાછો આવ્યા ત્યારે તેમનું વજન 63.5 કિલો હતું. 14 જુલાઈના રોજ તેમનું વજન 61.5 કિલો નોંધાયું હતું. હકીકતમાં તેમનું વજન માત્ર 2 કિલો જ ઘટ્યું છે.

કેજરીવાલ જાણીજોઈને વજન ઘટાડી રહ્યા છે

જેલ પ્રશાસનના અધિકારીઓનું કહેવું છે કે, કેજરીવાલ જાણીજોઈને વજન ઘટાડી રહ્યા છે. જેલ પરત ફર્યાના બીજા દિવસે એટલે કે, 3 જૂનથી તેઓ ઘણીવાર ઘરેથી આવેલું ભોજન પરત કરી દે છે. સત્તાવાર રીતે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલનું માત્ર 2 કિલો વજન ઘટ્યું છે અને તેનું કારણ એ હોઈ શકે છે કે તેઓ ઓછો અને લો કેલરીવાળો આહાર લઈ રહ્યા છે. નિવેદનની સાથે જ કેજરીવાલને આપવામાં આવેલ અને તેમના દ્વારા પરત કરવામાં આવેલ ભોજનની વિગતો પણ આપવામાં આવી છે.

કેજરીવાલને દિવસમાં ત્રણ વખત ઘરે બનેલું ભોજન મળી રહ્યું છે

જેલ પ્રશાસને એમ પણ કહ્યું કે, આરોપી (અરવિંદ કેજરીવાલ) 24 કલાક સીનિયર મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ છે. દરરોજ તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. મેડિકલ બોર્ડની સલાહ પ્રમાણે કેજરીવાલના બ્લડ શુગર લેવલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. તેમને ડોક્ટરની સલાહ પ્રમાણે ડાયટ અને સારવાર આપવામાં આવી રહી છે અને તમામ શારીરિક તપાસ સામાન્ય છે. આમ આદમી પાર્ટી અને દિલ્હીના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા દાવાઓને ખોટા ગણાવતા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલના બ્લડ પ્રેશર, સુગર લેવલ અને વજનની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને પૂરતી સારવાર આપવામાં આવી રહી છે. તેમને દિવસમાં ત્રણ વખત ઘરે બનેલું ભોજન મળી રહ્યું છે. 

આ પહેલા આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે જેલમાં કેજરીવાલનું વજન 8.5 કિલો ઘટી ગયુ છે અને તેના કારણે કોઈ અપ્રિય ઘટના ઘટવાની પણ આશંકા છે. પાર્ટીએ કહ્યું કે સૂતી વખતે કેજરીવાલનું શુગર લેવલ પાંચ વખત 50થી નીચે ગયું છે અને જો આવું થાય તો કોમામાં જવાનું જોખમ છે. પાર્ટીનો આરોપ છે કે જેલમાં કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે.


Google NewsGoogle News