વધુ એક આર્મી ઓફિસરની મંગેતર સાથે ક્રૂરતા, પોલીસ સ્ટેશનમાં હાથ-પગ બાંધીને મારી, રેપની ધમકી!
Sexual assault of Army Major's fiance: ઓડિશામાં આર્મી ઓફિસર અને તેની ફિયાન્સે સાથે પોલીસ સ્ટેશનમાં દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. આ ઘટના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની છે. આર્મી ઓફિસર અને તેની ફિયાન્સે રોડ રેજની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આર્મી ઓફિસરની ફિયાન્સે પોલીસ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
મહિલાએ વર્ણવેલી અત્યાચારની ઘટના ચોંકાવનારી છે. પોતાની સાથે બનેલી ઘટના અંગે મહિલાએ કહ્યું કે, 'હું રાતે લગભગ 1 વાગે રેસ્ટોરન્ટ બંધ કરીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે કેટલાક યુવાનોએ મારી સાથે ગેરવર્તણૂક કરી હતી. અમે પોલીસની મદદ લેવાનું વિચાર્યું અને સીધા ભરતપુર પોલીસ સ્ટેશન મદદ માટે ગયા હતા.’
લેડી કોન્સ્ટેબલે પણ ગેરવર્તન કર્યું હતું
આર્મી ઓફિસરની મંગેતરે વધુમાં કહ્યું, 'જ્યારે અમે ભરતપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ત્યાં સિવિલ ડ્રેસમાં એક લેડી કોન્સ્ટેબલ હાજર હતી. અમે કોન્સ્ટેબલને FIR નોંધવા અને બદમાશોને પકડવા માટે પેટ્રોલિંગ વાહન મોકલવા વિનંતી કરી હતી પરંતુ મહિલા કોન્સ્ટેબલે અમને મદદ કરવાને બદલે અમારી સાથે ગેરવર્તણૂક શરૂ કરી, થોડા સમય પછી કેટલાક વધુ પોલીસકર્મીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આર્મી ઓફિસરને ફરિયાદ નોંધાવવા કહ્યું હતુ.
આર્મી ઓફિસરને લોકઅપમાં પૂર્યો
વધુમાં મહિલાએ કહ્યું કે, 'પોલીસકર્મીઓને કોઈ વાત પર ગુસ્સો આવી ગયો અને મારા મંગેતરને લોકઅપમાં મૂક્યા. મેં પોલીસકર્મીઓને કહ્યું કે, આ ગેરકાયદેસર છે, પોલીસ આર્મી ઓફિસરને કસ્ટડીમાં રાખી શકે નહીં. જે બાદ મને બે મહિલા પોલીસકર્મીઓએ માર મારવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મહિલા પોલીસકર્મીએ મારી ગરદન પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેં તેના હાથ પર બટકું ભર્યું.
છાતી પર એક પછી એક લાત મારી
જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવતા મહિલાએ કહ્યું કે, 'મને માર્યા બાદ મહિલા પોલીસકર્મીઓએ મારા હાથ-પગ બાંધી દીધા અને મને એક રૂમમાં બંધ કરી દીધી. થોડી વાર પછી એક પુરુષ પોલીસવાળાએ દરવાજો ખોલ્યો, તેણે મારી છાતી પર એક પછી એક ઘણી વાર લાત મારી. ગંદા ઇશારા કરવા લાગ્યો અને મારી છેડતી કરી.
મહિલાએ પોલીસકર્મી પર રેપની ધમકી આપવાનો, ગંદા ઇશારા કરવા અને જાતીય શોષણ તેમજ છેડતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ જેવા આરોપ લગાવ્યા છે.
જોકે,પોલીસની નિર્દયતાનો સામનો કરનારા આર્મી ઓફિસર શીખ રેજિમેન્ટનો ભાગ છે. તેની મંગેતર ભુવનેશ્વરમાં પોતાની રેસ્ટોરન્ટ ચલાવે છે. આર્મી ઓફિસરની ફિયાન્સેના પિતા નિવૃત્ત બ્રિગેડિયર છે.
ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ શરૂ કરી
DSP નરેન્દ્ર કુમાર બહેરાના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાંચની 5 સભ્યોની ટીમે ઘટનાની તપાસ માટે ભરતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે. ટીમે ચાર કલાકથી વધુ સમય સુધી કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પોલીસ સ્ટેશનમાં કોઈ CCTV કેમેરા પણ નહોતા.
શું કાર્યવાહી થઇ?
ભરતપુર પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં આઈઆઈસી દિનકૃષ્ણ મિશ્રા, સબ ઈન્સ્પેક્ટર બેસ્લિની પાંડા, ASI સલીલામયી સાહુ, સાગરિકા રથ અને કોન્સ્ટેબલ બલરામ હાંડાનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે DGP પાસેથી કાર્યવાહીનો રિપોર્ટ પણ માંગ્યો છે. ડીજીપીને ઔપચારિક પત્ર મોકલીને 3 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઓડિશા પોલીસે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ મામલે CID તપાસ કરશે.
સેનાના ટોચના અધિકારીઓએ આ મામલે ઓડિશાના ડીજીપી અને વહીવટીતંત્ર સાથે વાત કરી છે. આર્મીના જણાવ્યા અનુસાર, સેવા આપતા આર્મી ઓફિસરને અટકાયતમાં રાખવું અને નજીકના આર્મી યુનિટને જાણ ન કરવી ગેરકાયદેસર છે.
આ પણ વાંચો: તમે આ રીતે ન્યાયપાલિકા પર આક્ષેપ ન લગાવી શકો: સુપ્રીમ કોર્ટે CBIને કેમ લગાવી ફટકાર