રામ મંદિર દર્શાવતી ટિકિટો અને રામ મંદિર અંગેની પુસ્તિકાનું વડાપ્રધાન મોદીના હસ્તે અનાવરણ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
રામ મંદિર દર્શાવતી ટિકિટો અને રામ મંદિર અંગેની પુસ્તિકાનું વડાપ્રધાન મોદીના હસ્તે અનાવરણ 1 - image


- વિશ્વના 20 દેશોએ અને યુનોએ પણ રામ મંદિરની ટિકિટો છાપી : ટિકિટો છાપનાર દેશોમાં અમેરિકા, કેનેડા, કમ્બોડિયા અને સિંગાપુર સમાવિષ્ટ છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ મંદિર દર્શાવતી સ્મરણરૂપ પોસ્ટેજ સ્ટેમ્પસનું અનાવરણ કર્યું હતું. આ સાથે રામ મંદિર દર્શાવતી ૪૮ પાનાની પુસ્તિકાનું પણ અનાવરણ કર્યું હતું. આ પુસ્તિકામાં વિવિધ દેશોમાં પણ શ્રી રામ મંદિર દર્શાવતી ટિકીટો પણ રહેલી છે.

પ્રત્યેક ભારતીયો માટે આનંદ સાથે આશ્ચર્યની વાત તે છે કે, યુનોએ પણ આ પ્રકારની વિશિષ્ટ ટિકીટો છાપી છે. ઉપરાંત અમેરિકા, કેનેડા અને સિંગાપુરે પણ આ પ્રકારની ટિકીટો છાપી છે. આશ્ચર્ય તે વાતનું પણ છે કે ચીનને નૌકા મથક સ્થાપવાની અનુમતિ આપનાર કમ્બોડિયાએ પણ ભગવાન શ્રીરામ રામ-મંદિર અને મંદિર સાથે સંકળાયેલા સ્થાનો જેવા વિવિધ છ સ્થળોને દર્શાવતી ટિકીટો પણ છાપી છે. આ છ પ્રકારની ટિકીટોમાં રામાયણ સાથે સંલગ્ન તેવા શ્રી હનુમાનજી, ભગવાન ગણેશજી, જટાયુ, કેવટરાજ અને મા શબરીને તે ટિકીટો દર્શાવે છે. સાથે રામ મંદિર તો હોય જ તે સહજ છે.

વડાપ્રધાન મોદીએ આ અંગે પ્રસિદ્ધ કરેલા એક વિડીયો નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે મને ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવાની તક પહેલા રામ મંદિર અંગેની એક વધુ તક પણ મળી છે. આજે ભગવાન શ્રી રામને સમર્પિત તેવી ટપાલ ટિકીટો અનાવૃત્ત કરવાની મને તક મળી છે. જેને હું એક અવસર માનું છું. આવી ટિકીટો દુનિયાના અનેક દેશોમાં પણ પ્રસિદ્ધ થઈ છે. જેને આવરી લેતી એક પુસ્તિકાનું પણ વિમોચન કરવાની મને તક સાંપડી છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે ભગવાન શ્રીરામ, માતા સીતા અને રામાયણની કથા દરેકને જ્ઞાતિ-જાતિ કે ધર્મના બંધનો સિવાય આવરી લે છે. રામાયણ આપણને મહાન પડકારો ઉપર પ્રેમ દ્વારા વિજય મેળવવા શીખવાડે છે. તે સમગ્ર માનવજાતને તેની સાથે એક સુત્રે બાંધે છે તેથી જ સમગ્ર વિશ્વનું તે તરફ ધ્યાન કેન્દ્રિત થાય છે.

આ ટિકીટો અંગે અધિકારીઓ જણાવે છે કે એકેએક ટિકીટમાં ગૌરવયુક્ત સૌંદર્ય છે. સૂર્યનાં સોનેરી કિરણો દર્શાવે છે (ભગવાન શ્રી રામ સૂર્યવંશી હતા) તેમજ તેમાં રામાયણની ચોપાઈ સૂક્ષ્મ અક્ષરે છપાયેલી છે. આ નાનકડી ટિકીટ પણ ભવ્યતા દર્શાવે છે.

ઉલ્લેખનીય તો તે છે કે આ સ્ટેમ્પસમાં પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, મદકણ (માટી) અને જળ તે સર્વે સમાવિષ્ટ છે. હિન્દુ તત્વજ્ઞાનમાં દર્શાવેલા આ પંચ મહાભૂત પ્રત્યેક જીવનનો આધાર છે. તેમ પણ વડાપ્રધાને આ વિડીયો નિવેદનમાં જણાવ્યું હતું.


Google NewsGoogle News