ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધી બબાલ! પરિવારવાદ મુદ્દે ટિકિટ વહેંચણીમાં ફસાયો પેચ
Haryana Assembly Election: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 5 સપ્ટેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જો કે, આ યાદી જાહેર થયા પછી કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓના પુત્રોને ટિકિટ આપવા મામલે હોબાળો વધતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ ખડગે અને રાહુલ ગાંધીને વહેલી તકે આ અંગે નિર્ણય લેવા આગ્રહ કર્યું છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ દખલ કરી ટિકિટો માત્ર મેરિટના આધારે વહેંચવા જણાવ્યું છે.
મોટા નેતાઓએ પુત્રોને ટિકિટ આપવા માંગ કરી
હરિયાણામાં દિગ્ગજ નેતાઓએ તેમના પુત્રોને ટિકિટ આપવા માંગ કરી છે. જેમાં પહેલું નામ રણદીપ સિંહ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલનું છે, રણદિપ સુરજેવાલા પોતાને ટિકિટ ન મળતા પુત્ર માટે ટિકિટ ઈચ્છે છે. જો કે, તે પોતે પણ કૈથલથી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. બીજું નામ હિસારના સાંસદ જયપ્રકાશનું છે, જેઓ તેમના પુત્ર વિકાસ માટે કલાયત બેઠકની માંગ કરી રહ્યા છે.
આ યાદીમાં ત્રીજું મોટું નામ ચૌધરી વીરેન્દ્ર સિંહનું છે, જેઓ તાજેતરમાં બીજેડી છોડીને કોંગ્રેસમાં પાછા ફર્યા છે. તેમના સાંસદ પુત્ર ચૌધરી વિજેન્દ્ર સિંહ પણ કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ તેમને લોકસભાની ટિકિટ ન મળતા હવે તેઓ ઉચાના બેઠકથી ટિકિટ માંગી રહ્યા છે. ચોથું નામ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડાનું છે.
સુરજેવાલા અને સેલજાના માર્ગમાં હુડ્ડાની અડચણ
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર હાલમાં રાજ્યસભા સાંસદ છે. જો કે, તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડવા માંગે છે. કોંગ્રેસ નેતૃત્વ પર દબાણ વધારવાની આ તેમની રણનીતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ રણદીપ સિંહ સુરજેવાલા અને કુમારી સેલજાને ટિકિટ ન મળે તે માટે પણ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી રહ્યા છે. આવી સ્થિતિમાં આ મામલો હાલ વિદેશમાં રહેલા રાહુલ ગાંધી પાસે ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખડગે તેમની સાથે વાત કરીને આ અંગે નિર્ણય લેશે.
કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી
નોંધનીય છે કે, કોંગ્રેસે શુક્રવારે (5 સપ્ટેમ્બર) હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, તાજેતરમાં પાર્ટીમાં સામેલ થયેલી કુસ્તીબાજ વિનેશ ફોગાટ, હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાન અને પૂર્વ મંત્રી ગીતા ભુક્કલના નામ સામેલ છે. હુડ્ડા રોહતક જિલ્લાના ગઢી સાંપલા-કિલોઈથી ચૂંટણી લડશે, જ્યારે ફોગાટ જીંદ જિલ્લાના જુલાનાથી ચૂંટણી લડશે. ઉદય ભાન હોડલ (SC) અને ભુક્કલ ઝજ્જર (SC) બેઠક પરથી ચૂંટણી લડશે. હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે અને 8 ઓક્ટોબરે મતગણતરી થશે.