Get The App

બિહાર-ઉ. પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ: 32નાં મોત

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
બિહાર-ઉ. પ્રદેશમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ: 32નાં મોત 1 - image


- ઉ.ભારતમાં અનેક સ્થળે કાળઝાળ ગરમી: મહારાષ્ટ્રનું નંદુરબાર 46.5 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર

- દિલ્હીમાં પણ પવનની સાથે વરસાદ, ઝારખંડમાં કરા પડયા: જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની ચેતવણી

- બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની જાહેરાત કરી

- ઇન્દોરમાં તાપમાન 40 ડિગ્રીને પાર જતા મોર સહિતના અનેક પક્ષીનાં મોત

પટણા/લખનઉ : બિહારના કેટલાક જિલ્લાઓમાં વીજળી અને કરા પડવાને કારણે ૨૫નાં મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં વરસાદ આધારિત ઘટનાઓમાં સાતનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આજે દેશમાં સૌથી વધુ તાપમાન ૪૬.૫ ડિગ્રી સેલ્સિયસ મધ્ય મહારાષ્ટ્રના નંદુરબારમાં નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભ, મરાઠવાડા, અરૂણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૫.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. 

બિહારના મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર નાલંદામાં ૧૮નાં મોત, સિવાનમાં બેનાં મોત, કટિહાર, દરભંગા, બેગુસરાઇ, ભાગલપુર અને જેહાનાબાદમાં એક-એક વ્યકિતનું મોત થયું છે. 

મુખ્યપ્રધાન નીતીશકુમારે મોત અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ બિહારના ચાર જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે ૧૩ લોકોનાં મોત થયા હતાં.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ, સિદ્ધાર્થ નગર અને સિતાપુર જિલ્લાઓમાં વરસાદની સાથે કરા અને વીજળી પડવાને કારણે પાંચ લોકોનાં મોત થયા છે. રાજ્યની રાજધાની લખનઉમાં પણ વરસાદ પડયો હતો. 

ફિરોઝાબાદના એડિશનલ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ (એડીએમ) વિષ્ણુ રાજાના જણાવ્યા અનુસાર જિલ્લામાં વીજળી પડવાને કારણે બે લોકોનાં મોત થયા છે. નારખી વિસ્તારના દૌલતપુર ગામમાં વીજળી પડવાને કારણે ૩૦ વર્ષીય ગર્ભવતી મહિલા લલિતા દેવીનું મોત થયું હતું. 

એડીએમએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારજનોને નાણાકીય સહાય આપવામાં આવશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને તાત્કાલિક રિલીફ ઓપરેશન શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-એનસીઆરમાં લોકોને ગરમીથી રાહત મળી છે. દિલ્હી અને નોઇડામાં ગુરૂવારે ઝડપી પવનોની સાથે વરસાદ પડયો હતો. દિલ્હીમાં સાંજે ૫.૩૦ વાગ્યે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

જ્યારે લઘુતમ તાપમાન ૨૫.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ છે જે સામાન્યથી લગભગ છ ડિગ્રી વધારે અને આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન હતું. 

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી જારી કરી છે. પંજાબ અને હરિયાણામાં પણ કરા અને ઝડપી પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે  મધ્ય પ્રદેશ અને છત્તીસગઝમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એક નવા પશ્ચિમી વિક્ષેપને કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ બપોર પછી વરસાદ પડવાની સંભાવના છે. ઝારખંડમાં વરસાદની સાથે કરા પડવાને કારણે ચાર લોકો ઘાયલ થયા છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઝડપી પવનને કારણે કેટલાક વૃક્ષો ધરાશયી થતાં ટ્રાફિકને અસર થઇ હતી.

Tags :