કેરળમાં ઈતિહાસમાં પ્રથમ વખત કમળ ખીલ્યું, જાણો કોણ છે ભાજપના વિજેતા ઉમેદવાર સુરેશ ગોપી
Thrissur Lok Sabha Result: લોકસભા ચૂંટણી 2014 અને 2019માં મોદી લહેર છતાં ભાજપ દક્ષિણના રાજ્યો અને ખાસ કરીને કેરળમાં કોઈ સારૂં પ્રદર્શન નહોતી કરી શકતું પરંતુ હવે દક્ષિણમાં ભાજપ ધીરે-ધીરે પગપેસારો કરી રહ્યું છે. ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપે કેરળમાં ખાતું ખોલીને એક બેઠક પોતાના નામે કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અને અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીએ કેરળની થ્રિસુર લોકસભા બેઠક પર મોટી જીત મેળવી છે.
દેશના ઈતિહાસમાં પહેલીવાર કેરળમાં કમળનું ફૂલ ખીલ્યું છે. સુરેશ ગોપીનો 75,079 મતોના જંગી સરસાઈથી વિજય થયો છે. તેમને કુલ 409239 મત મળ્યા હતા. આ વખતે તેમના નજીકના હરીફ સીપીઆઈના વી. એસ. સુનિલ કુમાર હતા જેમને કુલ 331538 મત મળ્યા અને કોંગ્રેસના મુરલીધરન 322995 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.
મહત્ત્વની વાત એ છે કે સુરેશ ગોપી 2019ની લોકસભાની ચૂંટણી હારી ગયા હતા અને અને ફરીથી 2021 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ થ્રિસૂર બેઠક પરથી હાર્યા હતા. જોકે ફરી ભાજપે તેમના પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને તેઓ ભાજપ માટે આશાનું કિરણ બનીને ઉભર્યા છે. ઓક્ટોબર 2016માં ભાજપમાં જોડાયાના અમુક મહિનામાં પાર્ટીએ ગોપીને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા. ત્યારથી ગોપી કેરળમાં પાર્ટીના સ્ટાર પ્રચારકોમાંના એક છે.
સુરેશ ગોપીની રાજકીય સફર પર એક નજર
ગોપીને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલો બ્રેક 1965માં આવેલી ફિલ્મ 'ઓડેઈલ નિન્નુ'માં બાળ કલાકાર તરીકે મળ્યો હતો. યુવાનીમાં તેમણે 1986ની ફિલ્મ 'ટીપી બાલાગોપાલન એમ'માં એક નાનકડી ભૂમિકા ભજવીને ધ્યાન ખેંચ્યું અને છેવટે 1990ના દાયકામાં મલયાલમ ઉદ્યોગના એક્શન સ્ટાર્સમાંના એક બન્યા હતા અને હવે એક દિગ્ગજ એકટર કમ રાજકીય નેતા બનીને ઉભરી રહ્યાં છે.