ગેંગરેપ બાદ સગીરાને ભઠ્ઠીમાં ફેંકી : 7 મહિનામાં ફાંસીની સજા
- રાજસ્થાનના ચકચારી કોટડી ભઠ્ઠીકાંડમાં પોક્સો કોર્ટનો ચુકાદો
- સગીરા બકરીઓ ચરાવવા ગઇ પછી પરત ના આવી, તપાસ કરતા ભઠ્ઠીમાં માત્ર અમુક અંગો મળ્યા હતા
ભીલવાડા : રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કોટડી ભઠ્ઠી કાંડમાં કોર્ટે દોષી ઠેરવેલા કાલૂ અને કાન્હાને ફાંસીની સજા ફટકારી છે. બન્ને અપરાધીઓએ બકરી ચરાવતી એક સગીરા પર ગેંગ રેપ કર્યો હતો બાદમાં તેને કોલસાની સળગતી ભઠ્ઠીમાં ફેંકી દીધી હતી. જેને કારણે સગીરાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રાજસ્થાનના ભીલવાડાના કોટડી વિસ્તારમાં સગીરા બકરી ચરાવી રહી હતી, તે સમયે બન્ને અપરાધીઓએ તેના પર રેપ કર્યો હતો. બાદમાં સળગતી ભઠ્ઠીમાં તેને ફેંકી દીધી હતી, આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સગીરા જ્યારે બકરીઓ ચરાવવા ગઇ પછી ઘરે પરત ના ફરી તેને કારણે પરિવારજનો અને ગામનો લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
સગીરાનો મૃતદેહ ભઠ્ઠીમાં સળગેલી અવસ્થામાં મળી આવ્યો હતો. સગીરાના શરીરના અમુક જ અંગો બચ્યા હતા. આ ઘટનાને કારણે સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ માટે અપરાધીઓેને પકડવા બહુ મુશ્કેલી ભર્યું હતું, જોકે ડોક સ્ક્વોડ અને મોબાઇલ ઓપરેશન બ્યૂરો (એમઓબી)ની મદદથી અંતે અપરાધીઓને પકડી લેવામાં આવ્યા હતા. સ્થાનિક પોક્સો કોર્ટે આ કેસમાં સાત મહિનાની અંદર જ ચુકાદો આપી દીધો અને બન્ને અપરાધીઓને દોષી ઠેરવીને ફાંસીની સજા ફટકારી હતી.