આગ, પાણી, કરંટ અને મોત... દિલ્હીમાં IAS બનવા જતાં વિદ્યાર્થીઓની આ કેવી 'પરીક્ષા'?
Image: IANS |
UPSC Students Face challenges In New Delhi: આગ, પાણી, ઈલેક્ટ્રિક કરંટ અને મૃત્યુ... દિલ્હીમાં સિવિલ સર્વિસિઝ (IAS)ના સપના માટે પરીક્ષા પહેલા આ કેવા પ્રકારની પરીક્ષા છે, જેમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. નવી દિલ્હીમાં શનિવારે સાંજે વરસાદને કારણે રાજેન્દ્ર નગર વિસ્તારમાં સ્થિત કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા. ભોંયરામાં પાણી ભરાવાને કારણે યુપીએસસીની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. મૃતકોમાં બે વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે. આ પહેલીવાર નથી કે જ્યારે વિદ્યાર્થીઓએ બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો હોય. થોડા સમય પહેલા મુખર્જી નગરમાં કોચિંગ સેન્ટરમાં આગ ફાટી નીકળ્યા બાદ વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બાયોમેટ્રિક્સ ફેલ અને વિદ્યાર્થીઓ અંદર અટવાયા...
દિલ્હીના રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી જતાં મોતને ભેટ્યા છે. પોલીસે ફોજદારી કેસ હેઠળ એફઆઈઆર નોંધી માલિક અને કો-ઓર્ડિનેટર એમ 2 લોકોની અટકાયત કરી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઝમેન્ટમાં એન્ટ્રી-એક્ઝિટ બાયોમેટ્રિક્સ સિસ્ટમ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ પાણી ભરાઈ જતાં લાઈટો બંધ થઈ ગઈ હતી, જેના કારણે બાયોમેટ્રિક્સ બગડી ગયા હતા અને વિદ્યાર્થીઓ અંદર ફસાઈ ગયા હતા. ભોંયરામાં ઇમરજન્સી એક્ઝિટ નહોતી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ બહાર નીકળવા અસમર્થ બન્યા હતા.
વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
કોચિંગ સેન્ટરના ત્રણ વિદ્યાર્થીઓના મોત બાદ અન્ય વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારે ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં વિદ્યાર્થીઓએ મૃતકોને ન્યાય મળે તે માટે દેખાવો કર્યા હતા. દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે MCD કમિશનરને આદેશ આપ્યા છે કે, જો રાજેન્દ્ર નગર કેસમાં કોર્પોરેશનનો કોઈ અધિકારી દોષિત હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. MCD હેઠળ, કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં કોમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી હોય, તો તે બિલ્ડિંગ પેટા કાયદાની વિરુદ્ધ છે, તેના વિરૂદ્ધ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ભોંયરામાં ચાલતા ગેરકાયદેસર કોચિંગ સેન્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આગમાં 300 વિદ્યાર્થીઓ ફસાયા હતા
કોચિંગ સેન્ટરમાં બેદરકારી અને નિયમોની અવગણનાનો આવો જ કિસ્સો ગયા વર્ષે જૂન મહિનામાં બન્યો હતો. મુખર્જી નગર સ્થિત જ્ઞાન બિલ્ડિંગમાં 15 જૂન, 2023ના રોજ આગ લાગતાં 300થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. જ્યારે આગ લાગી ત્યારે આ બિલ્ડિંગના અલગ-અલગ કોચિંગ સેન્ટરમાં 300થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા. જો કે, આ આગને કારણે કોઈનું મોત થયું ન હતું. 60થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
દુર્ઘટના બાદ અન્ય કોચિંગ સેન્ટર્સ પણ રડાર પર
આગ લાગવાની દુર્ઘટના બાદ સ્થાનિક પ્રશાસન થોડું જાગૃત્ત થયુ હોવાનું જણાઈ રહ્યું હતું. ઘણા કોચિંગ સેન્ટર્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં સ્થિતિ જૈસે થૈ રહેતાં 27 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીના મુખર્જી નગરમાં ગર્લ્સ પીજીમાં આગ લાગી હતી. અહીં 35 યુવતીઓ ફસાઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ આ યુવતીઓને જીવના જોખમે બચાવી હતી.
વીજ કરંટથી IAS વિદ્યાર્થીનું મોત
દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં આ અઠવાડિયે ઇલેક્ટ્રીક શોકને કારણે સિવિલ સર્વિસ પરીક્ષાના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. 26 વર્ષીય ગાઝીપુર નિવાસી નિલેશ રાયના મૃત્યુના બે દિવસ પછી, ટાટા પાવર ડિસ્કોમ (વીજળી વિતરણ કંપની)ના અધિકારીએ આ ઘટનાને "દુર્ભાગ્યપૂર્ણ" ગણાવી જણાવ્યું હતું કે ગ્રાહકની ક્ષતિગ્રસ્ત મોટર વાયરિંગમાં ઇલેક્ટ્રિક કરંટને કારણે આ અકસ્માત થયો હતો.
આ મોટર લોખંડના ગેટના સંપર્કમાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે, પોલીસે જણાવ્યું હતું કે રાય નજીકની લાઇબ્રેરીમાંથી તેના પીજી આવાસ તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે તે પાણી ભરાયેલા રસ્તા પર લપસી ગયો હતો અને બેલેન્સ કરવા માટે લોખંડનો ગેટ પકડી લીધો હતો, જેના કારણે તે વીજ કરંટ લાગ્યો હતો.
કોચિંગ સેન્ટર્સ કારખાનાની જેમ ધમધમી રહ્યા છે
યુપીએસસીની તૈયારી કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, કેવી રીતે રાજેન્દ્ર નગર વિસ્તાર સિવિલ સર્વિસિઝની તૈયારી પૂરી પાડતાં કોચિંગ સેન્ટર્સ કારખાનાની જેમ રાત-દિવસ વિદ્યાર્થીઓના ટોળાંઓ સાથે ધમધમી રહ્યા છે. દરેક કોચિંગ સેન્ટર્સમાં બેઝમેન્ટમાં પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે, લાઈબ્રેરીની સુવિધા અપાઈ રહી છે. ક્ષમતા કરતાં ત્રણથી પાંચ ગણા વિદ્યાર્થીઓને એકસાથે ભણાવવામાં આવી રહ્યા છે. રાઉ કોચિંગ સેન્ટર સૌથી જૂનુ સેન્ટર છે. તેણે પૈસાની લાલચમાં બેઝમેન્ટમાં લાઈબ્રેરી બનાવી, બાયોમેટ્રિક ગેટ લગાવ્યા. ઈમરજન્સી એક્ઝિટની સુવિધા ન હોય તેમ છતાં બાંધકામમાં ક્લાસિસ ચાલી રહ્યા છે. મકાન માલિકોએ ભાડા પણ વધાર્યા છે.