હવે MBBS ભણી શકાશે હિન્દીમાં, આ રાજ્યોમાં મળશે હિન્દીમાં ડૉક્ટર બનવાની સવલત

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
MBBS


Three States Teach MBBS In Hindi: હવે MBBS ભણી શકાશે હિન્દીમાં, આ રાજ્યોમાં મળશે હિન્દીમાં ડૉક્ટર બનવાની સવલતવર્ષ 2014 માં મોદી સરકારે પહેલીવાર દેશની ધૂરા સંભાળેલી ત્યારથી ભારતની શૈક્ષણિક પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન આણવાની વાતો સંભળાતી હતી. આ દિશામાં તાજેતરમાં એક મોટી પહેલ કરવામાં આવી છે અને તે એ કે દેશના અમુક રાજ્યોમાં ડૉક્ટર બનવા માટેનો MBBS કોર્સ હવે હિન્દી ભાષામાં ઑફર કરવામાં આવશે.

આ રાજ્યોએ કરી જાહેરાત

હાલમાં જ રાજસ્થાન અને છત્તીસગઢની સરકારે રાજ્યની કોલેજોમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી ભાષામાં પણ મેડિકલ શિક્ષણ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત 14 સપ્ટેમ્બરના રોજ ‘હિન્દી દિવસ’ની ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી. 

તબક્કાવાર થશે ભાષાની રજૂઆત

રાજસ્થાન સરકાર હિન્દીમાં MBBS ની રજૂઆત તબક્કાવાર કરવા જઈ રહી છે. સૌપ્રથમ રાજ્યની બે મેડિકલ કોલેજો 2024-2025ના શૈક્ષણિક સત્રથી આ ફેરફાર અપનાવશે. આ કોલેજ છે જોધપુરની ‘સંપૂર્ણાનંદ મેડિકલ કોલેજ’ અને મારવાડ મેડિકલ યુનિવર્સિટી હેઠળ સંલગ્ન ‘બાડમેર મેડિકલ કોલેજ’.

વૈકલ્પિક રહેશે આ વ્યવસ્થા

રાજસ્થાન મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ગાયત્રી રાઠોડે જણાવ્યું હતું કે, ‘હિન્દીમાં MBBS કરવું વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક રહેશે.’ તબીબી શિક્ષણ હિન્દીમાં આપવાની રજૂઆત રાજ્યના બજેટનો હિસ્સો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર જીએસટી મુદ્દે નવેમ્બરમાં લેવાશે નિર્ણય, GoMની કરાઈ રચના

છત્તીસગઢમાં પણ કરાઈ જાહેરાત

‘હિન્દી દિવસ’ નિમિત્તે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ પણ શનિવારે જાહેરાત કરી હતી કે, ‘ચાલુ શૈક્ષણિક સત્રથી છત્તીસગઢમાં MBBS નો અભ્યાસક્રમ હિન્દીમાં આપવામાં આવશે. 2022 માં ઉત્તર પ્રદેશમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવેલ વિઝનને અમલમાં મૂકવા માટે અમે ખુશ છીએ.’   

હિન્દીમાં તબીબી શિક્ષણ આપનાર અન્ય રાજ્ય

આ દિશામાં પહેલ કરનારું પહેલું રાજ્ય મધ્યપ્રદેશ હતું. ઑક્ટોબર 2022 માં મધ્યપ્રદેશની મેડિકલ કોલેજોમાં પ્રથમ વર્ષ MBBS નો અભ્યાસક્રમ હિન્દીમાં શરૂ કરવામાં આવ્યો હતો. એ પછી બિહાર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ પણ હિન્દીમાં MBBS નો કોર્સ ઑફર કરવાની જાહેરાત કરી હતી. રાજસ્થાન અને છત્તીસગઢની જાહેરાત સાથે હવે દેશના કુલ છ રાજ્યમાં વિદ્યાર્થીઓને આવી સવલત મળશે. આ તમામ રાજ્યો ભાજપા શાસિત છે.

આ રાજ્યમાં સ્થાનિક ભાષામાં ડૉક્ટર બની શકાશે

હિન્દી ભાષી રાજ્યો હિન્દીમાં તબીબ બનવાની તક આપે તો અન્ય રાજ્યો કેમ પાછળ રહે? તમિલનાડુએ પણ ટૂંક સમયમાં તમિલ ભાષામાં MBBS નો અભ્યાસક્રમ ભણાવવાની જાહેરાત કરી છે. દક્ષિણના અન્ય રાજ્યો પણ તમિલનાડુને અનુસરે એવી શક્યતા ખરી.

હિન્દીમાં તબીબી શિક્ષણના દેખીતા ફાયદા શું?

દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ હિન્દી માધ્યમમાં ભણનાર બાળકોની સંખ્યા ઘણી મોટી છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી અંગ્રેજીમાં શાળાકીય શિક્ષણની સગવડ નથી પહોંચી. ત્યારે હિન્દી માધ્યમમાં ભણેલ આવા વિદ્યાર્થીઓ હિન્દીમાં જ ડૉક્ટરી કરવાની મળેલ તકનો લાભ લઈ શકશે. બીજો એક લાભ એ થશે કે હિન્દી ભાષાની વૈશ્વિક સ્તરે વિશેષ પ્રકારે નોંધ લેવાશે.   

વૈશ્વિક સ્તરે થયેલ આવી પહેલના ફાયદા ખરાં?

વૈશ્વિક સ્તરે જોઈએ તો રશિયા, ચીન, જાપાન અને જર્મની જેવા ઘણાં દેશ તેમની સ્થાનિક ભાષાઓમાં તબીબી શિક્ષણ આપે છે. સ્થાનિક ભાષામાં તબીબી શિક્ષણ આપતાં અમુક દેશોમાં થયેલ સર્વેના પરિણામ કહે છે કે, સ્થાનિક ભાષામાં ભણેલા ડૉક્ટરો દર્દીઓ સાથે વધુ સારી રીતે સંવાદ સાધી શકતા હોય છે. ભારતમાં પણ એવું થાય તો આ પહેલ આવકારદાયક ગણાશે.

હવે MBBS ભણી શકાશે હિન્દીમાં, આ રાજ્યોમાં મળશે હિન્દીમાં ડૉક્ટર બનવાની સવલત 2 - image


Google NewsGoogle News