કેન્દ્રની ત્રણ યોજના : 4.1 કરોડ યુવાનો લક્ષ્ય, રૂ. 2 લાખ કરોડનો ખર્ચ કરાશે
- નાણામંત્રીની બજેટમાં યુવાનો માટે મોટી જાહેરાત
- રોજગાર ક્ષેત્રે ફર્સ્ટ ટાઈમર્સ, ઉત્પાદનમાં રોજગારી સર્જન, એમ્પ્લોયર્સને સપોર્ટ જેવી ત્રણ યોજના રજૂ કરવામાં આવી
નવી દિલ્હી : દેશમાં સતત વધતી બેરોજગારીના કારણે મોદી સરકારને આ વર્ષે લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડયો હોવાનો વિપક્ષ તેમજ નિષ્ણાતો દાવો કરી રહ્યા હતા ત્યારે રોજગારી માટે યુવાનોની ફરિયાદ દૂર કરવા નાણામંત્રી નિર્મલા સીતારામને મોદી ૩.૦ સરકારના પહેલા બજેટમાં મંગળવારે યુવાનો માટેની કેટલીક યોજનાઓ પાછળ રૂ. ૨ લાખ કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. આ યોજનાઓનો ૪.૧ કરોડ યુવાનોને લાભ મળવાની કેન્દ્રિય નાણામંત્રીએ આશા વ્યક્ત કરી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને યુવાનો માટે ખજાનો ખોલી દીધો છે. તેમણે મંગળવારે સંસદમાં બજેટ સ્પીચ આપતા કહ્યુ ંકે, આગામી પાંચ વર્ષમાં ૪.૧ કરોડ યુવાનો પર સરકારનું ધ્યાન કેન્દ્રીત રહેશે, તેના માટે પાંચ યોજનાઓ શરૂ કરાશે. મોદી સરકાર આ પાંચ યોજનાઓ પર રૂ. ૨ લાખ કરોડનો ખર્ચ કરશે. આ બજેટમાં રોજગાર, કૌશલ્ય વિકાસ, એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર વિશેષ ફોકસ રહેશે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે શિક્ષણ, રોજગારી અને કૌશલ્ય માટે રૂ. ૧.૪૮ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર વડાપ્રધાનના પેકેજના ભાગરૂપે એમ્પ્લોયમેન્ટ લિન્કડ ઈન્સેન્ટિવ માટે ત્રણ યોજના અમલી બનાવશે. આ યોજનાઓ ઈપીએફઓમાં નોંધણી પર આધારિત હશે અને તે પહેલી વખતના કર્મચારીઓની ઓળખ પર કેન્દ્રીત હશે અને કર્મચારીઓ તથા એમ્પ્લોયર્સને મદદરૂપ થશે.
તેમણે જણાવ્યું હતું કે, 'ફર્સ્ટ ટાઈમર્સ' માટેની નવી યોજના કોઈપણ ક્ષેત્રમાં પહેલી નોકરી મળતા એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ ભથ્થું ઈપીએફઓમાં નોંધાયેલા યુવાનોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફત ત્રણ હપ્તામાં અપાશે, જે રૂ. ૧૫,૦૦૦ સુધીનું હશે. તેના માટેની પાત્રતા માસિક રૂ. ૧ લાખ સુધીના પગારની હશે. આ યોજનાનો ૨૧૦ લાખ યુવાનોને લાભ મળવાની શક્યતા છે.
'ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારી સર્જન' યોજના હેઠળ સરકાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારાની રોજગારીને પ્રોત્સાહન આપશે, જેમાં પહેલી વખત નોકરી મેળવતા કર્મચારીઓને પણ સાંકળી લેવાશે. રોજગારના પ્રથમ ચાર વર્ષમાં તેમના ઈપીએફઓ યોગદાનના સંદર્ભમાં કર્મચારીઅને તેના એમ્પ્લોયર બંનેને ચોક્કસ પ્રમાણમાં સીધો લાભ અપાશે. આ યોજનાનો ૩૦ લાખ યુવાનોને લાભ મળળાની અપેક્ષા છે.
'સપોર્ટ ટુ એમ્પ્લોયર્સ'ની ત્રીજી યોજના એમ્પ્લોયર કેન્દ્રીત છે, જેના હેઠળ બધા જ ક્ષેત્રોમાં વધારાની રોજગારીને આવરી લેવાશે. માસિક રૂ. ૧ લાખના પગારની વધારાની રોજગારીની તેમાં ગણતરી કરાશે. સરકાર પ્રત્યેક વધારાના કર્મચારી માટે તેમના ઈપીએફઓ યોગદાનમાં બે વર્ષ માટે માસિક રૂ. ૩,૦૦૦ સુધીનું યોગદાન એમ્પ્લોયર્સને આપશે.