ત્રણ નવા ક્રિમિનલ કાયદાનો અમલ 1 જુલાઈથી

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
ત્રણ નવા ક્રિમિનલ કાયદાનો અમલ 1 જુલાઈથી 1 - image


- કેન્દ્રે જાહેરનામું : નવા કાયદામાં સજાના બદલે ન્યાય પર ભાર, રાજદ્રોહનું સ્થાન દેશદ્રોહ લેશે

- 'તારીખ-પે-તારીખ' યુગનો અંત આવશે : આતંકવાદની સ્પષ્ટ વ્યાખ્યા કરાઈ અને તેને દંડનીય ગૂનો બનાવાયો

- વાહન ચાલક દ્વારા હીટ એન્ડ રન કેસની જોગવાઈઓનો હાલ અમલ કરવામાં નહીં આવે

- નવા કાયદાઓનો આશય કાયદાકીય વ્યવસ્થાને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો

- મહિલાઓ-બાળકો પર અત્યાચારના ગૂનાની સજા વધુ આકરી કરાઈ, બળાત્કારના દોષિતોને આજીવન કેદ અથવા મૃત્યુદંડની પણ જોગવાઈ

નવી દિલ્હી : દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા - ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદો-નો અમલ ૧ જુલાઈથી શરૂ થઈ જશે. આ કાયદા ભારતીય ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન લાવશે. આ ત્રણેય કાયદા બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆપીસી) ૧૯૭૩ અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, ૧૮૭૨નું સ્થાન લેશે. નવા કાયદામાં રાજદ્રોહનું સ્થાન દેશદ્રોહ લેશે. આતંકવાદની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. મોબ લિન્ચિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાંખનારા ગૂનાઓ, મહિલાઓ-બાળકો પર જાતીય ગૂનાઓની સજાને વધુ આકરી  બનાવાઈ છે. આ કાયદાઓનો આશય કાયદાકીય વ્યવસ્થાને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે.

કેન્દ્ર સરકારે શનિવારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ દેશની ક્રિમિનલ ન્યાય વ્યવસ્થામાં જરૂરી ફેરફારને ધ્યાનમાં રાખતા ૧ જુલાઈથી ત્રણ નવા કાયદા લાગુ થશે. આ ત્રણ કાયદામાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) અને ભારતીય સાક્ષ્ય કાયા (બીએસએ)નો સમાવેશ થાય છે. આ ત્રણેય કાયદા ગયા વર્ષે ૨૧ ડિસેમ્બરે સંસદમાં પસાર થઈ ગયા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ૨૫ ડિસેમ્બરે આ કાયદાઓ પર હસ્તાક્ષર કરીને તેમની મંજૂરી આપી દીધી હતી. 

આ ત્રણેય ક્રિમિનલ કાયદાનો આશય વિવિધ ગૂનાઓને વ્યાખ્યાઈત કરીને તેના માટે સજા નિશ્ચિત કરી દેશમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી નાંખવાનો છે. તેમાં આતંકવાદની સ્પષ્ટ વ્યાખ્યા કરાઈ છે અને તેને દંડનીય ગૂનો બનાવાયો છે, તેના હેઠળ કેન્દ્ર સરકાર, કોઈપણ રાજ્ય, વિદેશી સરકાર અથવા આંતરરાષ્ટ્રીય સરકારી સંગઠનની સુરક્ષા માટે જોખમનો સમાવેશ કરાયો છે. નવા કાયદામાં વિશેષ બાબત એ છે કે કોઈ આરોપી ભારત બહાર છૂપાયો હોય તો પણ તેના વિરુદ્ધ કેસ ચલાવી શકાશે.

રાજદ્રોહના ગૂનાને ખતમ કરી દેવાયો છે અને દેશ વિરુદ્ધ ગૂના મથાળા હેઠળ એક નવો ખંડ ઉમેરવામાં આવ્યો છે. રાજદ્રોહની જગ્યાએ અમલમાં આવનાર દેશદ્રોહ કાયદો રાષ્ટ્રની અખંડતા, સંપ્રભુતા અને એકતા વિરુદ્ધ ગૂનો હોય ત્યારે લાગુ પડશે. આ કાયદા હેઠળ સરકારની ટીકા કરવાની મંજૂરી હશે, પરંતુ દેશના ધ્વજ, સુરક્ષા અથવા સંપત્તિને નુકસાન કરવા બદલ જેલ થઈ શકે છે. ભારતીય ન્યાય સંહિતામાં અલગતાવાદના કૃત્યો, સશસ્ત્ર વિદ્રોહ, વિધ્વંસક પ્રવૃત્તિઓ, અલગતાવાદી પ્રવૃત્તિઓ અથવા સંપ્રભૂતા અથવા એકતાને જોખમમાં નાંખવા જેવા ગૂનાઓને દેશદ્રોહ કાયદામાં નવા અવતારમાં સૂચિબદ્ધ કરાયા છે. આવા કૃત્ય માટે આજીવન કેદની સજા થઈ શકે છે અથવા ૭ વર્ષ સુધીની સજા થઈ શકે છે. સાથે જ તેને દંડ પણ કરી શકાય છે. દેશદ્રોહ સંબંધિત આઈપીસીની કલમ ૧૨૪-એ મુજબ ગૂનામાં સામેલ  વ્યક્તિને આજીવન કેદની સજા અથવા ૩ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

રાજ્યસભામાં આ ફોજદારી બિલો રજૂ કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આ કાયદાઓ લાગુ થયા પછી 'તારીખ-પે-તારીખ' યુગનો અંત સુનિશ્ચિત થશે અને ત્રણ વર્ષમાં ન્યાય અપાશે. અમિત શાહે આ બિલોને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે, આ કાયદાથી નાગરિકોના અધિકારોને સર્વોપરિ રખાશે તથા મહિલાઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિક્તા અપાઈ છે. નવા કાયદામાં ૧૮ વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે સંકળાયેલા જાતીય શોષણના કેસોમાં આકરી સજાની જોગવાઈ છે. સગીરાઓ પર બળાત્કારના કેસોને પોક્સો સાથે જોડાયા છે. આવા કેસમાં આજીવન કેદ અથવા મૃત્યુદંડની પણ જોગવાઈ કરાઈ છે. સામુહિક બળાત્કારના કેસોમાં ૨૦ વર્ષની જેલ અથવા આજીવન કેદની સજાની જોગવાઈ છે. નવા સૂચિત કાયદાઓમાં અગાઉના કાયદાઓની જેમ દંડ આપવા પર નહીં, પરંતુ ન્યાય કરવા પર ભાર મૂકાયો છે. 

આ બિલ સૌથી પહેલાં ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરાયા હતા. ગૃહ બાબતો પરની સ્થાયી સમિતિ તરફથી અનેક ભલામણો કરવામાં આવતા સરકારે આ બિલોને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, ત્રણેય બિલોને વ્યાપક ચર્ચા-વિચારણા પછી તૈયાર કરાયા છે. તેને ગૃહમાં રજૂ કરતા પહેલા મુસદ્દા બિલના પ્રત્યેક અલ્પવિરામ અને પૂર્ણવિરામ પર ધ્યાન અપાયું છે.

કયા કાયદામાં શું બદલાયું ?

કેન્દ્ર સરકારના નવા કાયદાઓમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરાયા છે. જેમ કે, આઈપીસીમાં કયું કૃત્ય ગૂનો છે અને તેના માટે કઈ સજા થશે? તે આઈપીસી મારફત નિશ્ચિત થાય છે. હવે તેને ભારતીય ન્યાય સંહિતા કહેવાશે. આઈપીસીમાં ૫૧૧ કલમો હતી જ્યારે બીએનએસમાં ૩૫૮ કલમો છે. ૨૧ નવા ગૂના ઉમેરવામાં આવ્યા છે. ૪૧ ગૂનામાં જેલની સજાની મુદત વધારાઈ છે. ૮૨ ગૂનામાં દંડ વધારાયો છે. ૨૫ ગૂનામાં જરૂરી લઘુત્તમ સજા શરુ કરાઈ છે. ૬ ગૂનામાં સામુદાયિક સેવા દંડ થશે. ૧૯ કલમોને ખતમ કરી દેવાઈ છે.

સીઆરપીસી હેઠળ ધરપકડ, તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયા લખવામાં આવી છે. સીઆરપીસીમાં ૪૮૪ કલમો હતી. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં ૫૩૧ કલમો હશે. ૧૭૭ કલમોને બદલી દેવાઈ છે. ૯ નવી કલમો ઉમેરવામાં આવી છે અને ૧૪ કલમોને ખતમ કરવામાં આવી છે.

ઈન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ કેસની હકીકતોને કેવી રીતે પુરવાર કરવામાં આવશે, નિવેદનો કેવી રીતે નોંધાશે તેનો સમાવેશ થાય છે. તેમાં પહેલા ૧૬૭ કલમો હતી. ભારતીય સાક્ષ્ય સંહિતામાં ૧૭૦ કલમો હશે. ૨૪ કલમોમાં ફેરફાર કરાયા છે. બે નવી કલમો ઉમેરવામાં આવી છે. ૬ કલમો ખતમ કરવામાં આવી છે.


Google NewsGoogle News