3 રાજકીય પક્ષોએ કહ્યું - અમે આ કારણે લોકસભા ચૂંટણીમાં હાર્યા, સમીક્ષા બાદ રિપોર્ટ જાહેર કર્યો

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
RJD CPIM BJD ON LOKSABHA ELECTION RESULT

Three Major Party Publish Review Report On Lose In Lok Sabha Election: લોકસભાની ચૂંટણી બાદ હવે દરેક રાજનીતિક પક્ષો પોતાની હારની સમીક્ષા કરી રહ્યા છે. તે માટે અનેક પક્ષોએ આંતરિક સમિતિઓની રચના કરી હતી. આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ), બીજેડી (બીજૂ જનતા દળ) અને સીપીએમ (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્કસવાદી) જેવા પક્ષોએ તેમની સમીક્ષા પૂરી કરી લીધી છે. આરજેડીની સમીક્ષામાં આંતરિક વિશ્વાસઘાતને સૌથી મોટું કારણ માન્યું છે. જયારે સીપીએમએ પોતાની સમીક્ષા રિપોર્ટમાં કેરળમાં હારનું કારણ મુસ્લિમ સંગઠનોને માન્યું છે. જયારે બીજેડીએ હાર માટે એન્ટી ઇન્કમ્બન્સીને જવાબદાર માની છે. આરજેડી બિહારમાં, બીજેડી ઓડિશામાં, સીપીએમ કેરળમાં મજબૂતીથી ચૂંટણી લડી હતી. બિહારમાં 40, કેરળમાં 20 અને ઓડિશામાં 21 સીટો લોકસભાની છે. બિહારમાં આરજેડીને 4 તો કેરળમાં સીપીએમને 1 સીટ પર જીત મળી હતી. જયારે બીજેડી ઓડિશામાં ખાતું પણ ખોલાવી શકી ન હતી. 

બિહારમાં આરજેડી કેમ પાછળ રહી?

આરજેડીએ ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને બિહારમાં લોકસભા ચૂંટણી લડી હતી. આરજેડીએ 23 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાંથી 3 બેઠક પર જ જીત મળી હતી. હાર બાદ પાર્ટીએ સમીક્ષા રિપોર્ટ તૈયાર  કરી હતી. આ રિપોર્ટને લઈને 20 અને 21 જૂને પટના ખાતે લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે હારની સમીક્ષા કરી હતી. બેઠકમાં તેજસ્વી યાદવે હારનું કારણ જણાવતા કહ્યું, પક્ષમાં આંતરિક બળવાના કારણે ચૂંટણી હારી ગયા. જે લોકોને ટિકિટ ના મળી તેમણે પક્ષ છોડી દીધો. જો સંગઠનનું માળખું મજબૂત હોત તો આપણે ચૂંટણી હાર્યા ન હોત. 2019માં 15.79 ટકા મતોની સરખામણીએ આ વખતની ચુંટણીમાં વધીને 22.14 ટકા મતો આપણને મળ્યા છે. પરંતુ મતો ને બેઠકોમાં પરિવર્તિત ન કરી શક્યા. 

ચૂંટણી પહેલા નવાદા, મધુબની, ઝાંઝરપુર, સિવાન અને પૂર્ણિયા બેઠક પર પાર્ટીને જીતની આશા હતી, પરંતુ ટિકિટની વહેંચણી બાદ અહીં ઉગ્ર જૂથવાદ ફાટી નીકળ્યો હતો. પૂર્ણિયામાં પણ પપ્પુ યાદવે ટિકિટ ન મળતા બળવો કર્યો અને અહીં પણ આરજેડી ત્રીજા નંબરે રહી હતી. જેને પક્ષને નુકસાન પહોંચાડ્યું.

સીપીએમને કેમ કેરળમાં હાર મળી?

કેરળમાં સીપીએમને લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પક્ષે 15 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા હતા જેમાંથી 1 બેઠક પર જ જીત મળી હતી. અને આ ચૂંટણીમાં પક્ષને મળેલા મતની ટકાવારી 3 ટકા ઘટી હતી. હારની સમીક્ષા માટે કેરળમાં પક્ષના મહાસચિવ સીતારામ યેચુરીની અધ્યક્ષતામાં 4 દિવસ સુધી સમીક્ષા બેઠક ચાલી હતી. પક્ષના વરિષ્ઠ નેતા એમ. કે. ગોવિંદને હારના ત્રણ કારણ જણાવ્યા હતા. જેમાં પહેલું કેન્દ્રમાં કોંગ્રેસનું મજબુત થવું છે. બીજું કારણ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ જનતા સુધી પહોચવામાંમાં વિલંબ છે. અને ત્રીજું કારણ SDPI, PFI જેવા મુસ્લિમ સંગઠનોને પણ જવાબદાર ગણાવ્યા છે. તેમને કહ્યું, અ બધા ધાર્મિક સંગઠનોએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. જેથી ઘણી બેઠક પર અમે ચૂંટણી હારી ગયા હતા. સમીક્ષા બેઠકમાં ઘણા નેતાઓએ મુખ્યમંત્રી પી. વિજયનની કાર્યશૈલીની પણ ટીકા કરી હતી.

બીજેડી દ્વારા હારની સમીક્ષા

બીજેડીને 24 વર્ષમાં પહેલીવાર વિધાન સભા અને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભાની એક પણ બેઠક પક્ષ જીતી શક્યું ન હતું. પક્ષના અધ્યક્ષ નવીન પટનાયકે પક્ષના એક-એક નેતા સાથે હારની સમીક્ષા કરી હતી. પટનાયકે જણાવ્યું હતું, હારનું કોઈ એક કારણ નથી. 24 વર્ષના શાસન બાદ જનતાએ બદલાવ કરવાનો નિર્ણય કર્યો. અમને વિપક્ષની જવાબદારી આપવામાં આવી છે. હવે આ જવાબદારીને નિભાવીશું.


Google NewsGoogle News