સંભલમાં મંદિરના પ્રાચીન કૂવાનું ખોદકામ, માતા પાર્વતી અને ગણેશ-કાર્તિકેયની મૂર્તિઓ મળી
Sambhal Three idols recovered from well: ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરમાં જ 46 વર્ષથી બંધ જૂના શિવ મંદિરને વહીવટી તંત્રએ ખોલાવ્યું હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે એક હનુમાનજીની મૂર્તિ અને કૂવો પણ મળી આવ્યો હતો. હવે વહીવટી તંત્રને કૂવાનું ખોદકામ કરતાં 3 મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની છે. આ મંદિર 1978થી બંધ પડ્યું હતું. વહીવટીતંત્રએ આ મંદિરની સાફસફાઈ કરાવી અને 15 ડિસેમ્બરે આ મંદિરમાં ધાર્મિક વિધિઓ અને મંત્ર-જાપ સાથે પૂજા-આરતી કરવામાં આવી હતી.
ડેપ્યુટી એસપી અનુજ ચૌધરીએ જણાવ્યું કે, મંદિરમાંથી ત્રણ મૂર્તિઓ મળી આવી છે. હાલમાં કૂવાનું ખોદવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. કૂવો ઢાંકી દેવામાં આવ્યો છે. ખોદકામ દરમિયાન માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયજીની મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓની કાર્બન ડેટિંગ કરાવવામાં આવશે. એક મૂર્તિ આરસની છે જે કાર્તિકેયજીની લાગી રહી છે. 2 મૂર્તિઓ ખંડિત છે.
400 વર્ષ જૂનું મંદિર
આ પ્રાચીન મંદિર 400 વર્ષ જૂનું છે, જે કાર્તિક શંકર મંદિર છે. 82 વર્ષના વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, મારા પરિવારના લગભગ 40થી 42 લોકો અહીં ખગ્ગુ સરાઈમાં રહેતા હતા. આ આખી શેરીમાં મારો પરિવાર રહેતો હતો. પરિવારના તમામ ધાર્મિક કાર્યક્રમો આ મંદિરમાંથી કરવામાં આવતા હતા અને કૂવામાંથી પાણી લઈને મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવતી હતી.
1978માં રમખાણો બાદ લોકો પલાયન કરી ગયા
વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, 1978 પહેલા મારો આખો પરિવાર સંભલમાં રહેતો હતો. 1978માં જ્યારે રમખાણો થયા ત્યારે તે શેરીમાં એક મોટા ગોદામમાં આગ ચાંપી દેવામાં આવી હતી. ત્યારબાદ 40થી 42 રસ્તોગી પરિવારો આ સ્થાન છોડીને ચાલ્યા ગયા. મંદિર પણ જેમ હતું તેમ છોડી દીધું. ત્યારબાદ ત્યાં મુસ્લિમ વસ્તી આવીને સ્થાયી થઈ ગઈ. તેમના ઘરોને પણ મુસ્લિમ સમુદાયના લોકોએ ખરીદી લીધા હતા. ત્યાર બાદ કોઈ રસ્તોગી પરિવાર તે મંદિરમાં પૂજા-પાઠ કરવા ન ગયો.
આ પણ વાંચો: ખેડૂત આંદોલનમાં સમર્થનમાં ઉતર્યો ગુરુ રંધાવા, કહ્યું- સરકારે ફરિયાદ સાંભળવી જોઈએ
મંદિરના કૂવા પર દબાણ કરી લેવામાં આવ્યું હતું
વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, ઘણી વખત મંદિરમાં પૂજારી રાખવાની વાત થઈ પરંતુ પૂજારીએ પણ સાંપ્રદાયિક તણાવને જોતાં તે શેરીમાં જવાનો ઇન્કાર કરી દીધો. મંદિરની પાછળ જ 4 ફૂટનો પરિક્રમા માર્ગ હતો, ત્યાં એક ઘર બનાવી દેવામાં આવ્યું છે. મંદિર પર પણ માટી નાખીને પૂરી દેવાયું છે અને તેની ઉપર પાર્કિંગની જગ્યા બનાવી દેવામાં આવી છે.