Get The App

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સૈન્યની મોટી કાર્યવાહી, 5-5 લાખના ઈનામી ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
Kishtwar Encounter


Kishtwar Encounter: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી. 9 એપ્રિલથી શરૂ થયેલા આ સંયુક્ત ઓપરેશનમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં શુક્રવારે મોડી રાત્રે 2 આતંકવાદીઓને અને આજે સવારે 1 આતંકવાદીને મારી નાખવામાં આવ્યો હતો. 

ત્રણેય આતંકવાદીઓ પર 5 લાખ રૂપિયાનું ઈનામ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશનો એક ટોચનો કમાન્ડર પણ સામેલ છે. આ ત્રણેય પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ જંગલ વિસ્તારમાં આ કાર્યવાહી ચાલી રહી છે. સેના અને અન્ય સુરક્ષા દળોએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી. 

હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા 

આ ઓપરેશનમાં સેનાના 2,5 અને 9 પેરા કમાન્ડો, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સામેલ હતી. ગાઢ જંગલોનો લાભ લઈને, આતંકવાદીઓ ઘણીવાર ઘૂસણખોરી અને હુમલો કરવાનો પ્રયાસ કરે છે. તેથી આ ઝુંબેશ ફક્ત ગાઢ જંગલોમાં જ હાથ ધરવામાં આવી હતી. આતંકવાદીઓને શોધવા માટે સેનાએ હેલિકોપ્ટર અને ડ્રોન પણ તૈનાત કર્યા હતા. એન્કાઉન્ટર સ્થળોએથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. 

19 દિવસમાં 5 એન્કાઉન્ટર

પોલીસ અને સુરક્ષા દળો છેલ્લા 19 દિવસથી આ પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. આ દિવસોમાં 5 એન્કાઉન્ટર થયા છે, જેમાંથી 3 કઠુઆમાં, 1 ઉધમપુરમાં અને 1 કિશ્તવાડ જિલ્લામાં થયા છે. 27 માર્ચે થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે 4 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં નાયબ પોલીસ અધિક્ષક સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરક્ષા કડક કરવામાં આવી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 'બંદૂકની અણીએ ભારત વ્યાપાર નથી કરતું...' અમેરિકા સાથેની ટ્રેડ ટૉક અંગે પિયુષ ગોયલનું નિવેદન

કમાન્ડરે સુરક્ષા દળોની પ્રશંસા કરી

ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારે દેશને આતંકથી મુક્ત રાખવા માટે સેનાની પ્રતિબદ્ધતાની પ્રસંશા કરી છે. ઉત્તરી સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે જનરલ એમવી સુચિન્દ્ર કુમારે કિશ્તવાડમાં આતંકવાદીને મારવા બદલ વ્હાઇટ નાઈટ કોર્પ્સની કાર્યવાહીની પ્રશંસા કરી છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે ભારતીય સેના જમ્મુ અને કાશ્મીરને આતંકવાદ મુક્ત રાખવા માટે પ્રતિબદ્ધ છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સૈન્યની મોટી કાર્યવાહી, 5-5 લાખના ઈનામી ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર 2 - image

Tags :