જમ્મુ-કાશ્મીરમાં બેકાબૂ કાર ખીણમાં ખાબકી, બાળક સહિત એક જ પરિવારના 3ને કાળ ભરખી ગયો
Representative image |
Car Accident In Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં કાર ખાડામાં પડી જતાં 10 મહિનાના બાળક સહિત 3 લોકોના મોત થયા છે. શનિવાર (બીજી નવેમ્બર)ની વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં એક કાર પહાડી માર્ગ પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 10 મહિનાના બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
અહેવાલો અનુસાર, કાર ચસાણાથી રિયાસી તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરે કાબુ ગુમાવવાને કારણે કાર પહાડી રોડ પરથી સરકીને ઊંડી ખીણમાં ખાબકી હતી. સ્થાનિક સ્વયંસેવકો ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં 10 મહિનાનું બાળક અને તેના પરિવારના અન્ય બે સભ્યોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: નવા વર્ષે જ છવાયો માતમઃ મોડી રાત્રે સુરત અને વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6નાં મોત
આ ઘટના બાદ સ્થાનિક લોકોએ રસ્તાની હાલત સુધારવા માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.