ભાજપને જોરદાર ઝટકો, મહારાષ્ટ્રમાં કદાવર નેતાના ખાસ ગણાતા 3 ટેકેદારો કોંગ્રેસમાં જોડાયા
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા બેઠક પરની પેટાચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના બનેવી અને પૂર્વ સાંસદ ભાસ્કરરાવ પાટીલ ખટગાંવકર અને તેમની બહેન ડૉ. મિનલ પાટીલ ખટગાંવકર તથા પૂર્વ ધારાસભ્ય ઓમ પ્રકાશ પોકર્ણા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
નાના પટોલેએ આપી જાણકારી
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, 'ભાસ્કરરાવ કોઈપણ પદના લોભ વગર કોંગ્રેસમાં જોડાયા છે. આવા કાર્યકરને આવકારતાં મને ખુશી થાય છે.' ઉલ્લેખનીય છે કે નાંદેડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ રહેલા વસંત ચવ્હાણના નિધન બાદ પેટાચૂંટણી યોજાવાની છે.
આ પણ વાંચો: મુંબઈના ધારાવીમાં તંગદિલી, મસ્જિદ સામે તંત્રની કાર્યવાહી પર લોકો ભડક્યાં, તોડફોડ મચાવી
અશોક ચવ્હાણ પહેલાં કોંગ્રેસી જ હતા
નાના પટોલેએ કહ્યું કે, 'નાંદેડમાં સંગઠન સતત મજબૂત થઈ રહ્યું છે. અશોક ચવ્હાણ પહેલાં કોંગ્રેસી જ હતા અને પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે તેમ છતાં કોંગ્રેસે તેમની સામે કોઈ શાબ્દિક કે તીખા પ્રહાર નહોતા કર્યા.' સૂત્રોના જણવ્યાનુસાર, કોંગ્રેસે અશોક ચવ્હાણને જવાબ આપવા માટે આ પદ્ધતિ શોધી કાઢી છે. બીજી બાજુ એવી ચર્ચા છે કે મિનલ પાટીલ ખટગાંવકરે લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ પાસેથી ટિકિટ માંગી હતી. જો કે ભાજપે પૂર્વ સાંસદ પ્રતાપ પાટીલ ચિખલીકરને જ ટિકિટ આપી હતી. આવી સ્થિતિમાં તેમણે ભાજપથી નારાજગીને કારણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો.