ભારત-ચીન સરહદે બંને દેશોના સૈનિકો વચ્ચે સંઘર્ષનો ખતરો : અમેરિકાની ચેતવણી

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ભારત-ચીન સરહદે બંને દેશોના સૈનિકો વચ્ચે સંઘર્ષનો ખતરો : અમેરિકાની ચેતવણી 1 - image


- ચીન શ્રીલંકામાં લશ્કરી બેઝ બનાવવાની ફિરાકમાં

નવી દિલ્હી : અમેરિકાની ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં કહેવાયું હતું કે ચીનના વિસ્તારવાદી વલણના કારણે ભારત-ચીનના સૈનિકો વચ્ચે એલએસી સરહદે હિંસક ઝપાઝપીનું જોખમ મંડરાઈ રહ્યું છે. સરહદે બંને દેશોના સૈન્યની અવિરત ગતિવિધિના કારણે તંગદિલી ઘટી નથી. ભારતને ચીનથી સાવધાન રહેવાની સલાહ એ અહેવાલમાં આપવામાં આવી હતી. અમેરિકન રિપોર્ટમાં કહેવાયું કે ચીનની અવળચંડાઈ સતત વધતી જાય છે. ચીનની લશ્કરી મહત્વકાંક્ષા આખાય વિસ્તારને અરાજકતામાં ધકેલે તેવી દહેશત છે. કારણ કે ચીન શ્રીલંકામાં મોટું લશ્કરી મથક બનાવવાની વેતરણમાં છે. એટલું જ નહીં, પાકિસ્તાન સહિત ઘણાં દેશોમાં લશ્કરી મથકો સ્થાપવાની તજવીજ શરૂ થઈ છે. ચીન તેની શક્તિ દેખાડવા લશ્કરી શક્તિમાં વધારો કરે છે. હથિયારો વધારે છે, સૈન્યને અપગ્રેડ કરવા મોટું ફંડ આપે છે તે ભારત-અમેરિકા-જાપાન સહિતના કેટલાય દેશો માટે ખતરારૂપ છે.

રિપોર્ટમાં તો એવો ય દાવો થયો હતો કે ૨૦૨૪માં અમેરિકામાં યોજાનારી ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ચીન કાવતરા કરી રહ્યું છે. ચીને હેકર્સ સાઈબર ક્રાઈમ કરીને સેંકડો લોકોને નિશાન બનાવી રહ્યાં છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કરીને અહેવાલમાં કહેવાયું હતું કે ચીન આ હિંસક સંઘર્ષ પર નજર રાખીને લશ્કરી તાકત વધારવા સતત પ્રયાસો કરે છે તેના કારણે ક્ષેત્રીય શાંતિને જોખમ આવી પડયું છે અને દક્ષિણ ચીની સમુદ્ર ઉપરાંત હિંદ મહાસાગરમાં ચીનની ઘૂસણખોરી ચિંતાનો વિષય છે.

ભારતને પાકિસ્તાનની બાબતે પણ અહેવાલમાં ચેતવણી અપાઈ હતી. પાકિસ્તાનનું નાપાક લશ્કર અને પાક.ની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈનો આતંકવાદીઓને સમર્થન કરવાનો લાંબો ઈતિહાસ છે. પાકિસ્તાનમાં નવી સરકાર રચાઈ ગઈ હોવાથી હવે ફરીથી આતંકવાદી પ્રવૃત્તિ વધવાની દહેશત છે. પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈ ભારતને ઉશ્કેરણી કરશે તેથી બંને દેશો વચ્ચે આગામી સમયમાં યુદ્ધનું જોખમ વધશે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં અરૂણાચલ પ્રદેશમાં ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ બનેલી સેલા ટનલનું ઉદ્ધાટન કર્યું હતું. આ ટનલથી તવાંગ સાથે બધી ઋતુમાં કનેક્ટ કરી શકાશે. અત્યાર સુધી ભારે હિમવર્ષાના કારણે કનેક્ટિવિટીનો પ્રશ્ન થતો હતો. આ ટનલના નિર્માણથી ચીનના પેટમાં તેલ રેડાયું છે.


Google NewsGoogle News