ચોરોએ રામનગરીને પણ ના છોડી, અયોધ્યામાં રામ-ભક્તિ પથની હજારો લાઇટ ગાયબ

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
ચોરોએ રામનગરીને પણ ના છોડી, અયોધ્યામાં રામ-ભક્તિ પથની હજારો લાઇટ ગાયબ 1 - image


- 3600 બમ્બૂ લાઇટ્સ, 36 પ્રોજેક્ટ લાઇટ ચોરાયાની ફરિયાદ 

- આટલી મોટી સંખ્યામાં લાઇટોની ચોરીની વાત ગળે ઉતરે તેમ નથી, કદાચ લગાવાઇ જ નહીં હોય : પોલીસને શંકા

અયોધ્યા : અયોધ્યામાં ભગવાન રામના મંદિરના મંદિર સુધી જવાના રસ્તા રામ પથ અને ભક્તિ પથના વૃક્ષો પર લગાવાયેલી ૩૬૦૦ બમ્બૂ લાઈટ્સ (વાંસ પરની ડેકોરેટિવ લાઈટ્સ) અને ૩૬ પ્રોજેક્ટ લાઈટ ચોરાઈ જતાં ખળભળાટ મચ્યો છે. લગભગ ૫૦ લાખ રૂપિયાની કિંમતની બમ્બૂ લાઈટ્સ અને પ્રોજેક્ટ લાઈટ ચોરાઈ ગઈ હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે પણ કમિશનરે કોન્ટ્રાક્ટરે આટલી લાઈટ લગાવી જ નહીં હોવાનો દાવો કરતાં ભાજપના નેતાઓ દ્વારા લાઈટ લગાવવામાં પણ ભ્રષ્ટાચાર થયાનું ચર્ચાઇ રહ્યું છે. આ કેસમાં હજુ સુધી ચોર પકડાયા નથી.

રસપ્રદ વાત એ છે કે, લાઈટ્સ લગાવનારી ખાનગી કંપનીઓ યશ એન્ટરપ્રાઈઝ અને ક્રિષ્ણા ઓટોમોબાઈલ્સ બંને ગુજરાતની કંપનીઓ હોવાનું કહેવાય છે. કથીત રીતે ભાજપના નેતાઓ સાથે સંકળાયેલી આ બંને કંપનીઓની વર્તણૂક પણ શંકાસ્પદ છે. આ કંપનીઓએ પોલીસ ફરિયાદમાં કરેલા દાવા પ્રમાણે, મે મહિનામાં આ લાઈટ્સ ગુમ થઈ ગઈ હોવાની ખબર પડી હતી પણ તેમણે ૯ ઓગસ્ટના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના સુધી તેમણે કમિશનર કે પોલીસને આ અંગે જાણ ના કરી તેના પરથી સ્પષ્ટ છે કે, દાળમાં કંઈક કાળું છે.

અયોધ્યામાં લાઈટ્સની ચોરી ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારનું નવું પ્રકરણ હોવાનું મનાય છે કેમ કે રામપથ અને ભક્તિપથ બંને હાઈ સીક્યુરિટી એરીયા છે. અયોધ્યાના કમિશનર ગૌરવ દયાલે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આટલા મોટા પ્રમાણમાં લાઈટની ચોરી શક્ય જ નથી. દયાલે તો ભક્તિપથ અને રામપથ પર આટલી બધી લાઈટ્સ લગાવાઈ હોવાનો પણ ઈન્કાર કરીને કહ્યું છે કે, પહેલી નજરે જ કોન્ટ્રાક્ટરે આટલા મોટા પ્રમાણમાં લાઈટ્સ લગાવી હોય એવું લાગતું નથી. 

કમિશનરના નિવેદનના પગલે  ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરે ઓછી લાઈટ્સ લગાવીને મોટું બિલ પાસ કરાવી લીધા પછી પોતાનું પાપ છાવરવા માટે  લાઈટો ચોરાઈ ગઈ હોવાનું નાટક ઉભું કર્યું હોવાની શક્યતા છે. કમિશનર દયાલે સત્તાવાર રીતે કહ્યું છે કે, અયોધ્યામાં ૨૪ કલાક પોલીસનું પેટ્રોલિંગ છે. રામપથ અને ભક્તિ પથ બંને સીસીટીવી કેમેરાની નજર હેઠળ ૨૪ કલાક હોય છે. આ સંજોગોમાં આ રસ્તાઓ પરથી લાઈટ ચોરવી શક્ય જ નથી. પોલીસ ફરિયાદમાં ખાનગી કંપનીના પ્રતિનિધી શેખર શર્માએ દાવો કર્યો છે કે, ભક્તિ પથ પર કુલ મળીને ૬૪૦૦ બમ્બૂ લાઈટ અને ૯૬ પ્રોજેક્ટર લાઈટ લગાવાઈ હતી. ૧૯ માર્ચ સુધી તમામ લાઈટ સલામત હતી પણ ૯ મેના રોજ ઈન્સ્પેક્શન કરાયું ત્યારે કેટલીક લાઈટ ગાયબ હતી. તપાસ કરાતાં અત્યાર સુધીમાં લગભગ ૩૮૦૦ બમ્બૂ લાઈટ અને ૩૬ પ્રોજેક્ટર લાઈટ કેટલાક અજાણ્યો ચોરો ચોરી ગયા હોવાનું જણાયું છે.


Google NewsGoogle News