14 જાન્યુઆરીએ ઉતરાયણ કાયમી નથી,1 હજાર વર્ષ પહેલા ઉતરાયણ ૩૧ મી ડિસેમ્બરે ઉજવાતી.
ઉતરાયણના દિવસથી સૂર્યના કિરણોમાં અજવાળુ વધે છે
અંધારામાં અટવાતા કમુર્હતાનો પણ અંત આવે છે.
અમદાવાદ,14 જાન્યુઆરી,2024,રવીવાર
મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણે સૂર્ય દક્ષિણ ગોળાર્ઘ તરફ ગતિ કરીને મકર રાશીમાં પ્રવેશે છે. સદીઓથી સર્જાતી આ ઘટના પર્યાવરણ,સજીવસૃષ્ટિ અને માનનજીવન માટે મહત્વની છે. ઉતરાયણના દિવસથી સૂર્યના કિરણોમાં અજવાળુ વધે છે. આ સાથે જ અંધારામાં અટવાતા કમુર્હતાનો અંત આવે છે. સૂર્યનું ઉત્તર તરફનું આગમન એ હર્ષની ઘટના હોવાથી સમગ્ર ભારતમાં તેની ભવ્ય ઉજવણી થાય છે. ઠુઠંવાતા સજીવોમાં નવ ચેતનાનો સંચાર થાય છે. રાજયે રાજયે તહેવારનું નામ બદલાય છે પરંતુ ઉમંગ અને ઉલ્લાસ તો એનો એ જ રહે છે.
ભારતીય કેલેન્ડર મુજબ મહિના, તિથિઓ અને તહેવારો ચંદ્રની કળાના આઘારે ગોઠવાયેલા છે.આથી દેશમાં તમામ તહેવારો અને ઘાર્મિક ઉત્સવોનું આયોજન લૂનાર કેલેન્ડર મુજબ થાય છે.પરંતુ અપવાદરૃપ એક માત્ર ઉતરાયણનો તહેવાર ગ્રેગેરીયન કેલેન્ડર કે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે. કારણ કે અંગ્રેજી વર્ષ સૂર્યની ગતિને અનુસરે છે.આથી જાન્યુઆરી માસની ૧૪ મી તારીખે આપણે ત્યાં વણ લખાયેલી ઉતરાયણ બની છે પરંતુ આ સનાતન સત્ય નથી.
ઉતરાયણના પ્રાચિન ઇતિહાસ અને કેલેન્ડરનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે એક હજાર વર્ષ પહેલા ભારતમાં ૩૧ ડિસેમ્બરના રોજ ઉતરાયણ આવતી હતી. એ પછી ઉતરાયણ ખસતી ખસતી ૧૪ મી જાન્યુઆરીએ આવી છે. નવાઇની વાત એ છે કે આ તારીખ પણ કાયમી તારીખ રહેવાની નથી. જેમ કે આજથી ૫ હજાર વર્ષ પછી તે ફેબુ્આરી ના અંતમાં અને ૯ હજાર વર્ષ પછી તે છેક જૂન માસમાં આવતી હશે.