ગરીબોની ઝૂંપડીમાં ફોટો સેશન કરાવીને મનોરંજન કરનારાઓને ગરીબોની વાત બોરિંગ લાગશે: PM મોદી
Image: Facebook
Narendra Modi: લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'મારી 10 વર્ષની સરકારના કાર્યકાળમાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. જ્યારે ગરીબો માટે જીવન સમર્પિત કરીએ છીએ ત્યારે 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવે છે. અમારી સરકારે નારા આપ્યા નથી, ગરીબોની સાચી સેવા કરી છે.'
પીએમ એ કહ્યું કે 'પાંચ-પાંચ દાયકા સુધી ખોટા નારા આપવામાં આવ્યા. મિડલ ક્લાસના સ્વપ્નો એમ જ સમજી શકાતાં નથી. તેને સમજવા માટે જુસ્સો જોઈએ. અમુક લોકો પાસે જુસ્સો જ નથી. જે લોકો ગરીબની ઝૂંપડીમાં ફોટો સેશન કરાવીને મનોરંજન કરે છે તેમને ગરીબોની વાત બોરિંગ જ લાગશે.'
વડાપ્રધાને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે 'આપણા દેશમાં એક વડાપ્રધાન હતા તેમને મિસ્ટર ક્લીન કહેવાની ફેશન હતી. ત્યારે તેમણે એક સમસ્યાને ઓળખી હતી અને કહ્યું હતું કે દિલ્હીથી એક રૂપિયો નીકળે છે તો ગામમાં પહોંચતા-પહોંચતા તે 15 પૈસા થઈ જતો હતો. તે સમય સુધી તો પાર્લામેન્ટ સુધી એક જ પાર્ટીનું રાજ હતું પરંતુ તેમણે ગજબની હાથની સફાઈ શીખી હતી. જ્યારે દેશે અમને તક આપી, અમે સમાધાન શોધવાનો પ્રયત્ન કર્યો. આજે અમારું મોડલ છે, બચત પણ છે અને વિકાસ પણ છે.'