ભારતીય વાયુસેના ચાલુ વર્ષે શત્રુઓના પરસેવા છોડાવશે, કરશે 3 મોટા સૈન્ય અભ્યાસ દ્વારા શક્તિ પ્રદર્શન
આ ત્રણ સૈન્ય અભ્યાસમાંથી પ્રથમ અભ્યાસ વાયુશક્તિ-2024નું આયોજન જેસલમેરમાં કરાશે
image : Twitter |
Air Force Will Demonstrate Power: : ભારતીય વાયુસેના ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એટલા માટે જ વાયુસેના આ વર્ષે ત્રણ મોટાં સૈભ્ય અભ્યાસનું આયોજન કરવા જઈ રહી છે.
સંરક્ષણ અધિકારીઓએ આપી માહિતી
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ત્રણ સૈન્ય અભ્યાસમાંથી પ્રથમ અભ્યાસ વાયુશક્તિ-2024નું આયોજન જેસલમેરમાં કરાશે. દરમિયાન રાફેલ, સુખોઈ-30 એમકેઆઈ, તેજસ, મિરાજ 2000 અને મિગ-29 સહિત તમામ ઘાતક ફાઈટર એરક્રાફ્ટ તેમની તાકાત બતાવશે.
17મી ફેબ્રુઆરીએ કવાયત
ઉલ્લેખનીય છે કે આ અભ્યાસ 17 ફેબ્રુઆરીએ આયોજિત થશે. ત્યારબાદ વાયુસેના દ્વારા ચાલુ વર્ષે એપ્રિલમાં ગગનશક્તિ અભ્યાસનું આયોજન કરાશે. જે દરમિયાન લદ્દાખથી હિંદ મહાસાગર અને ભુજથી અરુણાચલ પ્રદેશ સુધી શક્તિ પ્રદર્શન કરાશે. આ અભ્યાસ વખતે લાંબા અંતરની હવાઈ સુરક્ષા પ્રણાલી S-400 અથવા સુદર્શનને પશ્ચિમ અને ઉત્તર એમ બંને મોરચે તહેનાત કરવામાં આવે તેવી અપેક્ષા છે.
ભારતની પ્રથમ મલ્ટીનેશનલ કવાયત તરંગ શક્તિનું આયોજન ક્યારે?
ચાલુ વર્ષે જ ઓગસ્ટની આસપાસ જોધપુરમાં પ્રથમ મલ્ટીનેશનલ સૈન્ય અભ્યાસ તરંગ શક્તિ-2024નું આયોજન કરવામાં આવશે. જેમાં જર્મની, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા અને અન્ય મોટા મિત્ર દેશોની સેનાઓ ભાગ લઈ શકે છે. આ કવાયત આ વર્ષની વાયુસેનાની ત્રીજી મોટી કવાયત હશે.