Get The App

આ મજબૂરીની સરકાર નહીં હોય : નરેન્દ્ર મોદી

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
આ મજબૂરીની સરકાર નહીં હોય : નરેન્દ્ર મોદી 1 - image


- નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાનપદના કાલે સાંજે શપથ ગ્રહણ કરશે

- કોંગ્રેસને 10 વર્ષમાં જેટલી બેઠકો નથી મળી એટલી અમે મેળવી છતાં બે દિવસથી અમે હાર્યા એમ કહેવાતું 

- મોદીની આગેવાનીમાં ભારત પાંચ વર્ષમાં વિશ્વની સૌથી મોટી ઇકોનોમી બનશે, દેશને એક સાચા નેતા મળ્યા : નાયડુ

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં એનડીએની જીત બાદ શુક્રવારે એનડીએની સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જે બાદ એનડીએના સાથી પક્ષોના નેતાઓને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ચૂંટણી પરિણામો જણાવે છે કે આ એનડીએનો મહાવિજય છે. બે દિવસ એવુ ચાલ્યુ જાણે અમે તો હારી જ ગયા છીએ, ચારેય તરફ એ જ ચર્ચા હતી. આવુ કરીને તેઓ આપણા કાર્યકર્તાઓનું મનોબળ તોડવા માગતા હતા. ઇતિહાસના આંકડા પર નજર કરશો તો જણાશે કે આ સૌથી મજબુત ગઠબંધનની સરકાર છે. એનડીએનો અર્થ થાય ન્યૂ ઇન્ડિયા, ડેવલપ ઇન્ડિયા, એસ્પિરેશન ઇન્ડિયા. ગઠબંધન મજબુરી નહીં પણ પ્રતિબદ્ધતા છે. મોદી, નિતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્યાણ સહિતના એનડીએના નેતાઓએ સંસદના હોલમાં બેઠક યોજી હતી. જે દરમિયાન મોદીને વડાપ્રધાન બનાવવા માટે સર્વસંમતિથી એનડીએના નેતા ચૂંટવામાં આવ્યા હતા. 

આ દરમિયાન નિતિશ કુમાર, પવન કલ્યાણ સહિતના એનડીએના નેતાઓએ પણ ભાષણ આપ્યું હતું. મોદી આ બેઠક બાદ ભાજપના ટોચના દિગ્ગજ નેતાઓ એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોશીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. 

સૌથી પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એનડીએના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને અમિત શાહ, નિતિન ગડકરી સહિતના ભાજપ અને એનડીએના નેતાઓએ આવકાર્યો હતો. દરમિયાન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પાસે વિઝન છે, આજે ભારતને એક સાચા નેતા મળ્યા છે અને તે છે નરેન્દ્ર મોદી. તેમની આગેવાનીમાં ભારત આગામી પાંચ વર્ષમાં પ્રથમ કે બીજા ક્રમે વિશ્વનુ સૌથી મોટુ અર્થતંત્ર બનશે. જદ(યુ)ના નેતા નિતિશ કુમારે પણ મોદીના નામનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોઇ પણ સંજોગોમાં જદ(યુ) મોદીની સાથે છે. ઇન્ડિયા ગઠબંધને દેશ માટે કઇ  જ નથી કર્યું. બિહારના જે પણ પડતર કામ છે તે પુરા કરવામાં આવશે. તમામ લોકો સાથે મળીને કામ કરવા માટે આગળ આવ્યા તે ઘણુ જ સારુ થયું છે. નિતિશ કુમાર મોદીના પગે પણ પડયા હતા.તેમણે કહ્યું હતું કે આસપાસ કેટલાક લોકો જીત્યા છે મોદી તેમને પણ હરાવી દેશે. એલજેપીના નેતા ચિરાગ પાસવાને પણ મોદીના વખાણ કર્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોદીની પીઠ થપથપાવી હતી અને અભિવાદન કર્યું હતું.  

આ દરમિયાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર ઇવીએમને લઇને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પહેલા ઇવીએમ અને ચૂંટણી પંચ પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા, ચૂંટણી પરિણામોએ આ તમામ આરોપોને નકારી દીધા છે. ઇન્ડિયા ગઠબંધને લોકોને મુર્ખ બનાવવાનું કામ કર્યું છે. વિપક્ષ ઇવીએમની અંતિમયાત્રા કાઢવાનો હતો જોકે પરિણામો આવ્યા પછી મોન થઇ  ગયો. કોંગ્રેસને ૨૦૧૪થી અત્યાર સુધી લોકસભામાં જેટલી બેઠકો મળી તેના કરતા વધુ બેઠકો ભાજપને મળી છે તો પછી આને હાર કેવી રીતે ગણાય? બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું, જે બાદ મોદી રાષ્ટ્રપતિને મળ્યા હતા. હવે નવ તારીખે શપથ ગ્રહણ કરવામાં આવશે. જેમાં નરેન્દ્ર મોદીની સાથે મંત્રીમંડળમાં સામેલ થનારા સાંસદો પણ શપથ લેશે. એનડીએના સાથી પક્ષો જદ(યુ) અને ટીડીપીને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. લોકસભાના સ્પીકરનું પદ પણ કોઇ એક પક્ષના ફાળે જાય તેવી શક્યતાઓ છે. બિહાર અને ઝારખંડને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ પણ મુકવામાં આવી હોવાના અહેવાલો છે.


Google NewsGoogle News