ઓરિસ્સાનું આ ગામ જયાં ગાંધીજી રોકાયા હતા 7 દિવસ, 75 હજાર લોકો આવ્યા હતા મળવા
વાહનોવાળા ભાડાની ખોટ ખાઇને પણ લોકોને જોવા લાવતા
ગાંધીજી કાતણ,કુવા-તળાવનું રિપરિંગ જેવા કામોમાં વ્યસત રહેતા
કટક,30 જાન્યુઆરી,2023,સોમવાર
મહાત્મા ગાંધીજી 12 માર્ચ 1930 પછી સાબરમતી આશ્રમમાં આજીવન પાછા ફરી શકયા ન હતા પરંતુ 1938માં ઓરિસ્સાના પુરી જિલ્લાના બેરબોઇ ગામમાં 7 દિવસ સુધી રોકાયા હતા.પુરી જિલ્લાના બેરબોઇ ગામમાં ખાદી અને ગ્રામીણ ઉધોગને લગતું એક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં હાજરી આપવાના નિમિત્તે ગાંધીજી ૨૫ માર્ચના રોજ સવારે 7 વાગે પુરી એકસપ્રેસમાં બેસીને આ ગામમાં આવ્યા હતા. આ ગામમાં ગાંધીજીની સાથે પત્ની કસ્તુરબા, પુત્ર મણીલાલ, સુશિલાબેન હતા.
બેરબોઇમાં ગાંધીજીના આગમનની તૈયારીઓના ભાગરુપે ગામ લોકોએ નજીકના ટાંગી પોલીસ સ્ટેશનને ડ્રમ વગાડવા અંગે માહિતગાર કર્યા હતા. તારની આપ લે થઇ શકે તે માટે નજીક પોસ્ટ ઓફિસ મોડે સુધી ખુલી રાખવામાં આવી હતી. ઘણા વાહનવાળા આવતા જતા ના એક ભાડાની ખોટ ખાઇને પણ ગાંધીજીને જોવા માટે લોકોને લઇ જતા હતા.જેમાં કટક અને દેલાંગના જ એક હજાર લોકો આ ગામમાં આવ્યા હતા.
આ રીતે સાત દિવસમાં 75000 લોકોએ ગામની મુલાકાત લીધી હતી. ગાંધીજી 25 માર્ચ થી 31 માર્ચ સુધી એમ સળંગ સાત દિવસ બેરબોઇમાં રોકાયા તે દરમિયાન ગામમાં કુવા-તળાવ રિપરિંગ ,સેનિટેશન, પ્લે ગ્રાઉન્ડ અને ગાર્ડનિંગ જેવી પ્રવૃતિમાં વધુ વ્યસત રહેતા હતા. ડાંગરના ખેતરમાં નાળીયેરના પાનમાંથી તૈયાર થયેલી ઝુંપડીઓમાં ગાંધીજી અને તેમના સેંકડો અનુયાયીઓએે રોકાણ કર્યુ હતું.
ગાંધીજીના અનુયાયીઓની એક ટીમ ગ્રામીણ પાઠશાળામાં બાળકોને સ્વચ્છતા અંગે શિખવતા જતી હતી. ગાંધીજીના આ ગામના સાત દિવસના રોકાણ દરમિયાન કાંતણ અને પ્રાર્થના દરરોજ થતા જેમાં મજુરો પણ હાજર રહેતા હતા. ગાંધીજીએ બેરબોઇ ગામના રોકાણ દરમિયાન ગરીબી, સ્વચ્છતા, સ્વાવલંબન, અસ્પૃષ્યતા અને ગ્રામોધોગ જેવા અનેક ઠરાવો પસાર કર્યા હતા. આ ગામમાં સરદાર પટેલ, રાજેન્દ્ પ્રસાદ, કૃપાલાની, મૌલાના આઝાદ, જીબી પંત સહિત અનેક મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.