આ કેન્દ્રશાસિત બેઠક પર એક જ પરિવારનું રાજ, અપક્ષ ઉમેદવાર તરીકે પણ તેમનું પ્રભુત્વ

આ બેઠક પર ભાજપે શિવસેનાની ટિકિટ પર પહેલા મહિલા સાંસદ બનેલા કલાબહેનને ટિકિટ આપી છે

આ બેઠક પર પુરુષ કરતા મહિલા મતદારો વધુ છે

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
આ કેન્દ્રશાસિત બેઠક પર એક જ પરિવારનું રાજ, અપક્ષ ઉમેદવાર તરીકે પણ તેમનું પ્રભુત્વ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીનું એલાન ચૂંટણી પંચે કરી દીધું છે અને 19મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગુજરાતની નજીક આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક માટે ભાજપે આ વખતે શિવસેનાના સીટિંગ સાંસદ કલાબહેન ડેલકરને ભાજપમાંથી ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી શિવસેનાની પડખે રહેલો ડેલકર પરિવાર હવે ભાજપમાં ભળી ગયો છે. હજુ સુધી આ બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત

ગુજરાતના વલસાડ જિલ્લાના પાડોશમાં આવેલા અને બહુધા આદિવાસી વિસ્તાર ધરાવતા દાદરા નગર હવેલી લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવાર માટે અનામત બેઠક છે. આ બેઠક પર ડેલકર પરિવારનું પ્રભુત્વ રહ્યું છે. મોહન ડેલકર આ બેઠક પરથી જુદા જુદા પક્ષમાંથી સાત વાર જીત્યા હતા. નોંધનીય છે કે વર્ષ 2021માં પતિ સાંસદ મોહન કેલકરના નિધન બાદ પેટા ચૂંટણીમાં શિવસેનાની ટિકિટ પર કલાબેન ડેલકરની જંગી મતોથી જીત થઈ હતી. ભાજપે આ વખતે તેમને ટિકિટ આપીને બેઠક પર જીત નિશ્ચિત કરવા રણનિતી અપનાવી છે.

કલાબહેન સાંસદ તરીકે ચૂંટાઈને ઇતિહાસ રચ્યો

ઉલ્લેખનીય છે કે લોકસભાની 1967થી ચૂંટણીનો પ્રારંભ થયો હતો. આ બેઠક પર પહેલીવાર વર્ષ 1991માં ભાજપના મહિલા ઉમેદવાર રીટાબેન પટેલે ઉમેદવારી કરી હતી. પરંતુ તેઓનો પરાજય થયો હતો. જો કે કલાબહેનનો પેટા ચૂંટણીમાં વિજય થતા તેમણે ઈતિહાસ રચી દીધો હતો. તેઓ આ બેઠક પરથી સૌ પ્રથમ મહિલા સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ બેઠક પર અત્યાર સુધીમાં 15 ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ છ વખત, ભાજપ ત્રણ વખત, અપક્ષ ચાર વખત, ભારતીય નવશક્તિ પાર્ટીનો એક વખત વિજય થયો હતો. જ્યારે વર્ષ 2021ની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારની જીત થઈ હતી. આ બેઠક પરથી સનજી ડેલકર સૌપ્રથમ સાંસદ બન્યા હતા.

આ બેઠક પરથી સનજી ડેલકર સૌપ્રથમ સાંસદ બન્યા હતા.

 વર્ષ 1967થી 1984 સુધીમાં આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું.

 વર્ષ 2021માં કલાબહેન આ બેઠક પરથી સૌ પ્રથમ મહિલા સાંસદ તરીકે ચૂંટાયા હતા.

 મોહન ડેલકર આ બેઠક પરથી જુદા જુદા પક્ષમાંથી સાત વાર જીત્યા હતા.

 આ બેઠક પર અપક્ષ ઉમેદવારની ચાર વખત જીત થઈ છે.

 અત્યાર સુધીની ચૂંટણીમાં ડેલકર પરિવારે 9 વખત જીત મેળવી.

 આ બેઠક પર પુરુષ કરતા મહિલા મતદારો વધુ.

અત્યાર સુધીની ચૂંટણીમાં ડેલકર પરિવારે 9 વખત જીત મેળવી

આ બેઠક પરથી ડેલકર પરિવારે 9 વખત વિજય મેળવી પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. મોહન ડેલકરે 1989, 1991, 1996, 1998, 1999, 2004 અને 2019માં વિજય મેળવ્યો હતો. એક જ પરિવારમાંથી ત્રણ સભ્યો સાંસદ બન્યાનો પણ રેકોર્ડ રહ્યો છે. 15માંથી 6 વખત જ અન્ય ઉમેદવાર સાંસદ બન્યા હતા.

લોકસભા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો

વર્ષ

ઉમેદવાર

પક્ષ

1967

સનજી આર. ડેલકર

કોંગ્રેસ

1971

રામજી આર. પટેલ

કોંગ્રેસ

1977

રામજી આર. પટેલ

કોંગ્રેસ

1980

રામજી પી. મહાલા

કોંગ્રેસ

1984

સીતારામ ગવળી

અપક્ષ

1989

મોહન એસ. ડેલકર

અપક્ષ

1991

મોહન એસ. ડેલકર

કોંગ્રેસ


કોંગ્રેસ છેલ્લી સાત ટર્મથી બેઠક જીતી શકી નથી

કોંગ્રેસે સન 1996માં જીત મેળવ્યા બાદ 2021 સુધી યોજાયેલી ચૂંટણીમાં જીત મેળવી શકી નથી. આ બેઠક પર કોંગ્રેસનો ભારે દબદબો રહ્યા બાદ શરમજનક દેખાવ રહ્યો છે. કોંગ્રેસે ધીરે ધીરે જન આધાર પણ ગુમાવી દીધો હતો. એટલું જ નહી પણ કોંગ્રેસ સંગઠન પણ સાવ તળિયે બેસી જતા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લી સાત ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબ કંગાળ રહ્યો છે.

ભાજપે શિવસેનામાંથી પેટા ચૂંટણીમાં જીતેલા સાંસદને ટિકિટ આપી 

 2021ની પેટા ચૂંટણીમાં શિવસેનાના કલાબેન ડેલકરને 1,18,035 મત મળ્યા હતા, જ્યારે ભાજપના મહેશ ગાવીતને 66,766 અને કોંગ્રેસના મહેશ ધોડીને 6,150. 

 2021માં શિવસેનાના ઉમેદવારને 59.23 ટકા અને ભાજપના ઉમેદવારને 33.68 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 3.10 ટકા જ મત મળ્યા હતા. 

2019માં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી

 2019ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરને 90,421 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર નટુ પટેલને 81,420 અને કોંગ્રેસના પ્રભુ ટોકિયાને 8,608 મત મળ્યા હતા.

 2019માં અપક્ષ ઉમેદવારને 45.44 ટકા અને ભાજપના ઉમેદવારને 40.92 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 4.33 ટકા જ મત મળ્યા હતા. 

 2019ની ચૂંટણીમાં શિવસેના, બીએમપી, એનબીપી, બીએસપી, બીટીપી અને નોટા મળીને 11,474 મત મળ્યા હતા.

 2019ની ચૂંટણીમાં મોહન ડેલકર સિવાય ત્રણ અન્ય અપક્ષ ઉમેદવારો પણ ઉભા રહ્યા હતા, જેઓને સરેરાશ 2300 જેટલા મત મળ્યા હતા.

2014 અને 2009 બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારી જીત

 2014 અને 2009માં ભાજપના નટુ પટેલની જીત થઈ હતી.

 બંને ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના મોહન ડેલકરને હરાવ્યા હતા.

 2014ની ચૂંટણીમાં ભાજપના નટુ પટેલને 80,790 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહન ડેલકરને 74,576 મત મળ્યા હતા.

 2009ની ચૂંટણીમાં ભાજપના નટુ પટેલને 51,242 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહન ડેલકરને 50,620 મત મળ્યા હતા.

પુરુષ કરતા મહિલા મતદારો વધુ

દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર કુલ 280254 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 133621 પુરુષ અને 146633 મહિલા મતદારનો સમાવેશ થાય છે. પુરુષ મતદાર સામે 13015 વઘુ મહિલા મતદાર નોંધાયા છે. કુલ 306 મતદાન મથકો પર મતદાન થશે.

અહીં પાંચ ભાષા બોલાય છે

દાદરા અને નગર હવેલી ભારતના પશ્ચિમ કાંઠે આવેલો પ્રદેશ છે અને તેમાં બે અલગ ભાગોનો સમાવેશ થાય છે. તેમાંથી દાદરા ગુજરાત રાજ્યથી ઘેરાયેલા છે, અને નગર હવેલી મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલું છે. આ પ્રદેશનો ડુંગરાળ વિસ્તાર ખાસ કરીને ઉત્તર પૂર્વ અને પૂર્વ તરફ છે જ્યાં તેની આસપાસ સહ્યાદ્રી પર્વતમાળાઓ (પશ્ચિમ હિલ્સ) છે. દમણ ગંગા નદી અને તેની ત્રણ ઉપનદીઓ આ ક્ષેત્રમાં કાપી. કોળી, કાઠોડી, નાઇકા અને ડુબલાના નાના જૂથો આ ક્ષેત્રમાં પથરાયેલાં છે તેમાં સૌથી પ્રખ્યાત આદિજાતિઓ ઘોડિયા, કોકના અને વારલી છે. 1961ની 11મી ઓગસ્ટે આ ભારતનો ભાગ બન્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો બનવાની ઘોષણા કરવામાં આવી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સરહદ હોવાથી, અહીં બોલાતી ભાષાઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, કોંકણી, ભિલોડી અને ભીલી છે. 

જ્ઞાતિ આધારિત મતદારો

આદિવાસી

182000

વારલી

100000

ઘોડિયા

42000

કોંકણી

40000

મુસ્લિમ

8000

ઉત્તર ભારતીય

30000

મહારાષ્ટ્રિયન

20000

અન્ય

138000

આ કેન્દ્રશાસિત બેઠક પર એક જ પરિવારનું રાજ, અપક્ષ ઉમેદવાર તરીકે પણ તેમનું પ્રભુત્વ 2 - image


Google NewsGoogle News