રાહુલ ગાંધીએ EXIT POLL ને જુઠ્ઠાં તો અખિલેશે બોગસ ગણાવ્યાં, વિપક્ષે ચલાવ્યો ટીકાઓનો મારો
Lok Sabha Elections 2024 | કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી અંગે જાહેર થયેલા એક્ઝિટ પોલને મોદી મીડિયા પોલ ગણાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે ભાજપની આગેવાનીમાં કેન્દ્રમાં એનડીએની સરકાર બનવા જઇ રહી છે તેવા દાવા કરતા એક્ઝિટ પોલ જુઠા છે. આને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે પણ ખરેખર તે મોદી મીડિયા પોલ છે. ઇન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં ૨૯૫ બેઠકો મેળવવા જઇ રહ્યું છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના સાંસદો સાથે વીડિયો કોન્ફરંસ દ્વારા વાતચીત કરી હતી, જે બાદ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે આ મોદીજીના એક્ઝિટ પોલ છે, શું તમે સિધુ મૂસે વાલાનું સોંગ ૨૯૫ સાંભળ્યું છે? ઇન્ડિયા ગઠબંધન એટલી જ બેઠકો મેળવવા જઇ રહ્યું છે. જ્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું હતું કે મોદી આગામી સરકારના ૧૦૦ દિવસના કામકાજનું આયોજન કરવા લાગ્યા છે, સરકારી અધિકારીઓ પર માનસિક દબાણ માટેની માઇન્ડ ગેમ છે. એક્ઝિટ પોલ સંપૂર્ણ રીતે બોગસ છે. સાથે તેમણે દાવો કર્યો હતો કે ગૃહ મંત્રી અમિત શાહે ૧૫૦ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને ફોન કર્યા હતા.
અગાઉ અરવિંદ કેજરીવાલે પણ એક્ઝિટ પોલને ફગાવ્યા હતા. અને દાવો કર્યો હતો કે કેન્દ્રમાં ફરી ભાજપની સત્તા નહીં આવે. ઝારખંડ મુક્તી મોરચાના નેતા અને ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઇ સોરેન, બીજેડી નેતા વી કે પાંડીયન, સપાના વડા અખિલેશ યાદવ, શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ એક્ઝિટ પોલ પર સવાલો ઉઠાવ્યા હતા અને તેને જુઠા ગણાવ્યા હતા. અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું હતું કે એક્ઝિટ પોલનો આધાર ઇવીએમ નહીં પણ ડીએમ છે. પ્રશાસન યાદ રાખે કે જનશક્તિથી મોટી તાકાત બીજી કોઇ નથી. એક્ઝિટ પોલની ક્રોનોલોજી સમજો, વિપક્ષે અગાઉ જ જાહેર કરી દીધુ હતું કે ભાજપીય મીડિયા ભાજપને ૩૦૦ પાર દેખાડશે. જેનાથી બાદમાં છેડછાડ કરવાની શક્યતા બની શકે. આજનો આ ભાજપાઇ એક્ઝિટ પોલ મહિનાઓ પહેલા તૈયાર કરાયો છે. બસ ચેનલોએ ચલાવ્યો હતો આજે.