mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આ આધુનિક યુગ છે, મહિલાઓ સાસુઓની ગુલામ નથી : હાઇકોર્ટ

Updated: Oct 21st, 2023

આ આધુનિક યુગ છે, મહિલાઓ સાસુઓની ગુલામ નથી : હાઇકોર્ટ 1 - image


- મહિલાને સાસુ અને માતાનું કહ્યું કરવા ફેમેલી કોર્ટે આપેલા આદેશથી હાઇકોર્ટ નારાજ

- એક પુરૂષને શોભે એવુ યોગ્ય વર્તન કરો, તમે તમારુ કહ્યું કરે તેવી મંશાથી પત્નીને બાંધીને રાખી એટલે જ જતી રહી : પતિને હાઇકોર્ટની ટકોર 

તિરૂવનંતપુરમ : કેરળ હાઇકોર્ટે છૂટાછેડાના એક મામલામાં મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે મહિલાઓ સાસુ કે માતાની ગુલામ નથી, આ વર્ષ ૨૦૨૩ ચાલી રહ્યું છે. આ સાથે જ હાઇકોર્ટે ફેમેલી કોર્ટ દ્વારા કરાયેલી પિતૃસત્તાત્મક ટિપ્પણીઓની પણ મૌખિક રીતે ટિકા કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે આ કેસમાં ફેમેલી કોર્ટ દ્વારા જે આદેશ અપાયો છે તે પરેશાન કરનારો અને પિતૃસત્તાત્મક છે. આ ૨૦૨૩નું વર્ષ ચાલી રહ્યું છે, જમાનો બદલાઇ ગયો છે, હવે પહેલા જેવુ નથી રહ્યું. મહિલાઓ પોતાની સાસુ કે માતાની ગુલામ નથી. ફેમેલી કોર્ટે એક મામલામાં મહિલાને પોતાની સાસુ અને માના આદેશોનું પાલન કરવા માટે કહ્યું હતું. જેને કારણે હાઇકોર્ટ ભડકી હતી અને ફેમેલી કોર્ટના આ પ્રકારના આદેશને પિતૃસત્તાત્મક અને વાંધાજનક ગણાવ્યો હતો.

કેરળ હાઇકોર્ટમાં જ્યારે છૂટાછેડાના એક કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે પતિના વકીલે હાઇકોર્ટને કહ્યું હતું કે ત્રિશૂર વિસ્તારની ફેમેલી કોર્ટે અરજદાર પતિના પત્નીને આદેશ આપ્યો છે કે તે પોતાની માતા અને સાસુના આદેશોનું પાલન કરે. ફેમેલી કોર્ટના આ આદેશની ગંભીરતાથી નોંધ લઇને હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે કોઇ પણ મહિલા પોતાની સાસુના આદેશોનું પાલન કરવા માટે બંધાયેલી નથી, આ ૨૦૨૩નુ વર્ષ ચાલી રહ્યું છે. મહિલાઓ સાસુઓની ગુલામ નથી. મહિલાને તેની સાસુ કે માતાથી નીચી ગણવામાં ન આવે. 

હાઇકોર્ટના ન્યાયાધીશ દેવન રામચંદ્રને કહ્યું હતું કે આવા પારીવારીક વિવાદોનો નિકાલ કોર્ટની બહાર પણ લાવી શકાય, જોકે તેમાં મહિલાની સહમતી હોવી પણ જરૂરી છે, મહિલાની પાસે પણ પોતાનુ દિમાગ હોય છે, શું તમે તેને બળજબરીથી કઇ પણ પાલન કરવા માટે મજબૂર કરશો? તેને બાંધીને રાખશો? સમજુતી કરવા માટે તેના પર દબાણ ના કરી શકાય. તેની પોતાની ઇચ્છા પણ જરૂરી છે. પતિને ટકોર કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે તમે મહિલાને દબાણ પૂર્વક તમારુ કહ્યું કરવા માટે મજબૂર કરવા માગો છો અને એટલે જે તમારી પત્ની તમારાથી છૂટા  થવા માગે છે.  કેરળની ત્રિશૂર ફેમેલી કોર્ટમાં પત્ની દ્વારા છૂટાછેડાની એક અરજી કરવામાં આવી હતી. જોકે તેને નકારવામાં આવી હતી. 

બાદમાં મહિલાએ કોટ્ટારાકારામાં અરજી કરી હતી, જેને હાલ મહિલા પોતાના પિતા સાથે થાલાસ્સેરી રહેતી હોવાથી ત્યાં ટ્રાન્સફર કરી આપવા હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જોકે પતિ દ્વારા આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પતિ અને પત્ની બન્ને વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા છે અને હવે પારિવારીક વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે.  ફેમેલી કોર્ટે છૂટાછેડાની અરજી રદ કરી હતી ત્યારે પત્નીને કહ્યું હતું કે તે પોતાની સાસુ અને માતાનું કહ્યું કરે, મામલાની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશે પતિને ટકોર કરતા કહ્યું હતું કે તમે તમારી પત્નીને બાંધછોડ કરવા માટે દબાણ કરી રહ્યા છે. અને એટલે જે તે તમને છોડવા માગે છે. એક પુરૂષને શોભે એવુ યોગ્ય વર્તન કરો. તેવી ટકોર પણ હાઇકોર્ટે પતિને કરી હતી. આ સાથે જ કેસ ટ્રાન્સફર કરવાની પત્નીની અરજીને હાઇકોર્ટે માન્ય રાખી હતી.  

Gujarat