Get The App

રામમંદિરમાં હવે એકસાથે સીતા-રામની સ્તુતિ નહીં થાય, આ છે તેનું મોટું કારણ

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
રામમંદિરમાં હવે એકસાથે સીતા-રામની સ્તુતિ નહીં થાય, આ છે તેનું મોટું કારણ 1 - image


Image Source: Twitter

લખનૌ, તા. 12 જાન્યુઆરી 2024 શુક્રવાર

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની સ્થાપનાની સાથે તેમની પૂજા અને સ્તુતિમાં પણ પરિવર્તનની તૈયારી કરવામાં આવી રહી છે. રામલલાના પ્રમુખ અર્ચક આચાર્ય સત્યેન્દ્રદાસ અનુસાર અત્યાર સુધી રામાનંદીય પરંપરા અનુસાર શ્રીરામની સાથે સીતાની પણ પૂજા-સ્તુતિ થતી હતી પરંતુ રામલલાને ધ્યાનમાં રાખીને હવે એકસાથે સીતા-રામની સ્તુતિ નહીં થાય. આ નિર્ણય રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આદેશ અનુસાર છે.

ટ્રસ્ટે ઉપાસનામાં નિષ્ણાત સંતો સાથે પરામર્શ કર્યા બાદ નક્કી કર્યું છે કે મુખ્ય ગર્ભગૃહમાં રામલલાની સાથે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના બાળ સ્વરૂપ સહિત હનુમાનજી, સરયૂ માતા તથા અયોધ્યાનાથનું આહ્વાન કરવામાં આવશે. આ સાથે જ સ્તુતિમાં પણ આ પ્રકારની સજાગતા રાખવામાં આવશે. ત્યાં માતા સીતાની પૂજાને ભૂલ તરીકે દર્શાવવામાં આવી છે.

આ કારણે નહીં થાય સીતા-રામની સ્તુતિ

મૂળ ગર્ભગૃહમાં શ્રીરામની મૂર્તિ પાંચ વર્ષીય બાળકના રૂપમાં સ્થાપિત કરવામાં આવશે અને દરમિયાન તેમની સાથે માતા સીતાની હાજરી અને અર્ચના ગેરવાજબી ગણાશે. ભોંયતળિયે સ્થિત મૂળ ગર્ભગૃહમાં માતા સીતાની ઉપાસના ન થવાથી તે પ્રથમ માળના ગર્ભગૃહમાં થવાની શક્યતા છે. આ ગર્ભગૃહમાં શ્રીરામ અને સીતા સહિત સંપૂર્ણ રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. જેમાં ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન સહિત હનુમાનજીની પણ મૂર્તિ હશે.

ગુપ્તારઘાટ, નયાઘાટની તમામ નાવ GPSથી લેસ હશે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સરયૂ નદીથી પણ નજર રાખવામાં આવી રહી છે. ગુપ્તારઘાટ અને નયાઘાટથી ચાલનારી તમામ સ્થાનિક નાવનું ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવશે. તમામ નાવને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) થી લેસ કરવામાં આવશે જેથી નદીમાં નાવની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી શકે. સ્થાનિક ખલાસીઓ અને ડાઇવર્સ પાસેથી પણ દેખરેખમાં મદદ લેવામાં આવી રહી છે.

અધિકારીઓએ ડાઇવર્સ સાથે કરી બેઠક 

ગુરુવારે ગુપ્તારઘાટ પર આઈજી રેન્જ અને એસએસપીએ ખલાસીઓ અને ડાઈવર્સની સાથે બેઠક કરી. આઈજીએ કહ્યુ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સુરક્ષિત રીતે સફળ બનાવવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. ખલાસીઓ અને ડાઈવર્સ પણ મહોત્સવને સફળ બનાવે. નદીમાં કોઈ બહારની નાવ દેખાય તો તેમની માહિતી ચોક્કસપણે આપવામાં આવે. કોઈ બહારની વ્યક્તિ અહીં રોકાય તો પોલીસને માહિતી આપો.


Google NewsGoogle News