આ કોઈ નવો વાઇરસ નથી, સ્થિતિ પર અમારી નજર છે...’ HMPV મુદ્દે આરોગ્ય મંત્રી નડ્ડા
HMPV Virus Update : હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) નામના વાઇરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે. એ પછી આ વાઇરસના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. જે બાદ આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ HMPV વાઇરસ અંગે નિવેદન આપતાં કહ્યું કે, 'આ વાઇરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને આ કોઈ નવો વાઇરસ નથી, તેની ઓળખ સૌથી પહેલા 2001માં થઈ હતી. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં અમે તૈયાર છીએ.' ચીનમાં જોવા મળતાં આ વાઇરસની ભારતમાં પણ ઓળખ કરવામાં આવી છે, જ્યાં કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.
સરકારે આ અંગે ગંભીરતાપૂર્વક પગલાં લેવાની જરૂર છે
અત્રે નોંધનીય છે કે, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કુણાલ સરકારે આ વાઇરસને લઈને ચેતવણી આપી છે કે, 'સરકારે આ અંગે ગંભીરતાપૂર્વક પગલાં લેવાની જરૂર છે. સરકારે સાવચેતી રાખવી જોઈએ અને તેના નાગરિકોને આ વાઇરસથી બચાવવા જોઈએ.
કોવિડ-19 જેટલો ગંભીર નથી: ડૉ. સરકાર
ડૉ. સરકારે કહ્યું, "HMPV વાઇરસ એક આરએનએ-અસરગ્રસ્ત વાઇરસ છે, જે ચેપી હોવા ઉપરાંત કોવિડ-19 જેટલો ગંભીર નથી. તેના સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ અને શરદીનો સમાવેશ થાય છે, જેને RT-PCR ટેસ્ટ દ્વારા ઓળખી શકાય છે."