'આ હિન્દુસ્તાન છે, કઠમુલ્લા નહીં, બહુમતીઓની ઇચ્છાથી ચાલશે'
- અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખરકુમાર યાદવનું વિવાદાસ્પદ નિવેદન
- યુનિફોર્મ સિવિલ કોડ ન્યાયતંત્રમાંથી ધાર્મિક, સામાજિક અસમાનતા દૂર કરી સંવાદીતા અને બિનસાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપશે : યાદવ
- નિવેદન જજ તરીકે લીધેલા શપથનો ભંગ, બંધારણ પર ઘા સમાન, સુપ્રીમની કોલેજિયમે શું જોઇ તેમને પસંદ કર્યા : વરીષ્ઠ વકીલ રિબિકા
નવી દિલ્હી : અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવના એક નિવેદનને કારણે ભારે વિવાદ ઉભો થયો છે. જજ યાદવે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં વક્તવ્ય આપતા કહ્યું હતું કે દેશ હિન્દુસ્તાનમાં રહેનારા બહુસંખ્યક લોકો (બહુમત)ની ઇચ્છા મુજબ ચાલશે. આ કાયદો છે, કાયદો બહુસંખ્યકો મુજબ કામ કરે છે. આને પરિવાર કે સમાજના સંદર્ભની રીતે જોવામાં આવે, માત્ર તે જ સ્વીકર કરવામાં આવશે જે બહુસંખ્યકોના કલ્યાણ અને ખુશી માટે ફાયદાકારક હોય. હાઇકોર્ટના જજ શેખર યાદવે પ્રયાગરાજમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, તેમણે સમાન નાગરિકતા સંહિતા (યુસીસી) પર બોલતી વખતે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય જજ દિનેશ પાઠક પણ હાજર રહ્યા હતા. મુસ્લિમ સમુદાયનું નામ લીધા વગર જજ શેખર યાદવે કહ્યું હતું કે અનેક પત્નીઓ રાખવી, ટ્રિપલ તલાક, હલાલા જેવી પ્રથાઓ અસ્વીકાર્ય છે. જો તમે એવી દલીલ કરતા હોય કે પર્સનલ લો આ પ્રથાની અનુમતિ આપે છે તો તેને સ્વીકારી ના શકાય. જજ શેખર યાદવના આ નિવેદનની વરીષ્ઠ વકીલો અને નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ રિબિકા જોને કહ્યું હતું કે અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવ ન માત્ર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં હાજર રહ્યા સાથે જ તેમણે નફરતની નજીકનું ભાષણ પણ આપ્યું જે તેમણે જજ તરીકે લીધેલા શપથનો ભંગ છે. સવાલ એ થાય છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે તેમનું નામ જજ તરીકે પસંદ જ કેમ કર્યું અને હવે તેમની સાથે શું કાર્યવાહી કરશે? તેમનું આ ભાષણ બંધારણ પર પ્રહાર છે. જજ શેખર યાદવે જે નિવેદન આપ્યું તે વિશ્વ હિન્દુ પરિષદની લીગલ સેલના કાર્યક્રમમાં અપાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આવુ ભાષણ આપવા બદલ જજની ટિકા કરવામાં આવી રહી છે.