આ દેશ જેટલો આપણો તેટલો જ મુસ્લિમોનો : ભાગવત

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
આ દેશ જેટલો આપણો તેટલો જ મુસ્લિમોનો : ભાગવત 1 - image


- આરએસએસના વડાનો અચાનક મુસ્લિમો માટે ઉભરાતો પ્રેમ

- મુસ્લિમો આ દેશમાં જ રહેશે, દરેક ભેદભાવને દૂર કરીને સમાજને જોડવાના પ્રયાસો કરવા સંઘનાવડાની સલાહ

- જાતિવાદ જેવી સમસ્યાઓ દૂર કરવા અને દરેક ધર્મના લોકોને સંઘમાં જોડવા માટેના પ્રયાસો કરવા કાર્યકર્તાઓને અપીલ

- ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલા લવજેહાદ અને ધર્માંતરણ ચિંતાનો મોટો વિષય, સતર્ક રહેવાની પણ જરૂર

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે મુસ્લિમોને લઇને મોટું નિવેદન આપ્યું હતું, ભાગવતે કહ્યું હતું કે  મુસ્લિમો પણ આપણા જ છે, આ દેશ એમનો પણ છે અને તેઓ અહીંયા જ રહેશે. મુસ્લિમો આપણાથી અલગ નથી. સંઘ માટે કોઇ જ પારકુ નથી. જુદાજુદા ધર્મના લોકો વચ્ચે ફરક માત્ર પૂજાપાઠ કરવાની જુદીજુદી રીતનો જ છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ ધર્મની જે લોકો ટિકા કરે છે તેઓ હિન્દુ ધર્મને ઓળખતા જ નથી. સનાતન કોઇ ધર્મ નહીં પણ સંસ્કૃતિ છે. 

ઉત્તર પ્રદેશના અવધ પ્રાંતની ચાર દિવસની મુલાકાત દરમિયાન લખનઉમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે મુસ્લિમો અંગે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે લવજેહાદ, ધર્માંતરણ પર પણ વાત કરી હતી. ભાગવતે મુસ્લિમો પર ભાર મુકતા કહ્યું કે મુસ્લિમો આપણાથી અલગ નથી તેઓ પણ આપણા જ છે, બસ તેમની પૂજાપાઠની પદ્ધતિ અલગ છે, આ દેશ જેટલો આપણો છે તેટલો જ મુસ્લિમોનો પણ છે. તેઓ આ દેશમાં જ રહેશે, સંઘ માટે કોઇ જ પારકુ નથી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જે લોકો અમારો વિરોધ કરે છે તેઓ પણ અમારા જ છે પણ હાલ આપણે એટલુ ધ્યાન જરૂર રાખવું જોઇએ કે આવા વિરોધી લોકોથી કોઇ હાની ના પહોંચે. 

મોહન ભાગવતે આ સાથે જ લવજેહાદ અને ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સંઘના કાર્યકર્તાઓ, સમર્થકો સાથે વાત કરતા કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં લવજેહાદ અને ધર્માંતરણ ચિંતાનું કારણ બની ગયા છે. ભાગવતે આ સાથે જ જાતિવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જાતિપ્રથા, ભેદભાવ વગેરેને દૂર કરવા માટે સમાજને એક કરવો પડશે. એકબીજાની વચ્ચે સંવાદ સ્થાપિત કરવાથી જ એકતા આવશે. રાષ્ટ્રની ઉન્નતિ અને ભારતનું સન્માન જાળવી રાખવા માટે પ્રત્યેક લોકોએ સહયોગ કરવાની જરૂર છે. ભાષા પર વાત કરતા ભાગવતે કહ્યું હતું કે શિક્ષણમાં ત્રણ ભાષાઓ માતૃભાષા, ભારતીય ભાષા અને ત્રીજી કોઇ અન્ય ભાષા લાગુ થવી જોઇએ. આ પહેલા મોહન ભાગવતે અવધ પ્રાંતમાં જ સંઘના એક કાર્યક્રમમાં સંઘનો વિસ્તાર વધારવાની વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે બિનહિન્દુઓને પણ સંઘમાં જોડવાના પ્રયાસો થવા જોઇએ, દરેક જિલ્લામાં સંઘના કાર્યકર્તાઓએ બિનહિન્દુઓ જેમ કે મુસ્લિમ, ખ્રિસ્તી, ઇસાઇ દરેકને સંઘમાં જોડવા માટે સક્રિય થવું જોઇએ. સાથે જ દલિત સમાજની વસતી વધુ હોય ત્યાં જઇને કાર્યકર્તાઓએ સામાજિક સમરસતા માટે પ્રયાસો કરવા જોઇએ તેવી સલાહ પણ આપી હતી.  


Google NewsGoogle News