140 કરોડના બોન્ડ ખરીદતાં જ કંપનીને મહિનામાં 14400 કરોડનો પ્રોજેક્ટ! હાઈકોર્ટ પહોંચ્યો હતો મામલો
ગડકરીએ પણ કર્યા હતા આ કંપનીના વખાણ અને કહ્યું હતું કે આ કંપનીના કારણે સરકારે પ્રોજેક્ટમાં કરોડોની બચત કરી
image : Facebook |
Electoral Bond Data news| સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ (ECI) એ શુક્રવારે તેની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ માહિતી અપલોડ કરી દીધી. સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદનારી કંપનીઓમાં મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બીજા સ્થાને રહી છે. નંબર વન પર ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ હતી જેની સામે EDએ પણ તપાસ કરી હતી. મેઘાએન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) એ 1 કરોડ રૂપિયાના 821 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉલ્લેખનીય છે કે આ કંપનીએ એપ્રિલ 2023માં લગભગ 140 કરોડ રૂપિયાના બોન્ડ્સ ખરીદ્યા હતા અને તેના એક મહિના પછી તેને મહારાષ્ટ્રમાં 14,400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળી ગયો હતો.
મહારાષ્ટ્રમાં ટ્વિન ટનલ પ્રોજેક્ટ મળ્યો...
અહેવાલ મુજબ ચૂંટણી બોન્ડ ખરીદવાના એક મહિનાની અંદર આ કંપનીને થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ માટે ટેન્ડર મળ્યું. MEILનું હેડક્વાર્ટર હૈદરાબાદમાં છે. કંપનીની સ્થાપના 1989માં પીપી રેડ્ડીએ કરી હતી, જે આજે દેશના સૌથી મોટા ધનિકોની યાદીમાં સામેલ છે.
ફક્ત આ કંપનીની બિડને જ જવાબ મળ્યો
મહારાષ્ટ્ર સરકારની મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (MMDRA) એ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ સંજય ગાંધી નેશનલ પાર્ટ હેઠળ બે રોડ ટનલ બનાવવાની હતી. માત્ર MEIL કંપનીની બિડનો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારપછી મુંબઈની એન્જિનિયરિંગ કંપની લાર્સન એન્ડ ટર્બોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે અસ્પષ્ટ કારણોસર MMRDAએ તેની બિડ ફગાવી દીધી હતી.
એલ એન્ડ ટીએ કરી હતી આ મામલે ફરિયાદ
એલ એન્ડ ટી કંપનીએ હાઈકોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પહેલી અરજીમાં પેકેજ 1 પ્રોજેક્ટ એટલે કે બોરીવલી તરફ નિર્માણ પામી રહેલી 5.75 કિમી ટનલને લઈને પક્ષપાતની વાત થઈ હતી. જ્યારે બીજી અરજીમાં પેકેજ 2 એટલે કે થાણે તરફ તૈયાર કરવામાં આવી રહેલી 6.09 કિમી ટનલ અંગે, એવું કહેવામાં આવ્યું હતું કે સફળ બિડર હોવા છતાં તેમની બિડ નકારી કાઢવામાં આવી હતી. આ પછી એમએમઆરડીએએ કોર્ટને કહ્યું હતું કે નાણાકીય બિડ ખોલ્યા પછી, એલએન્ડટી કંપનીએ ખામીઓને સુધારવા માટે અરજી કરી હતી. નિયમો અનુસાર આને મંજૂરી આપી શકાય નહીં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ સંસદમાં મેઘા એન્જિનિયરિંગ કંપનીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ ટેન્ડરમાં જે કંપની મેઘા એન્જિનિયરિંગ જીતી હતી તેણે આ પ્રોજેક્ટ પૂરો કર્યો અને સરકારે એક પ્રોજેક્ટમાં 5 કરોડ રૂપિયાની બચત કરી.