એક સાંધો ત્યાં તેર તૂટે ઇન્ડિયા ગઠબંધનમાં તડા : મમતા-માન ખસી ગયા

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
એક સાંધો ત્યાં તેર તૂટે ઇન્ડિયા ગઠબંધનમાં તડા : મમતા-માન ખસી ગયા 1 - image


- બંગાળમાં ટીએમસી, પંજાબમાં આપ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે

- કોંગ્રેસ 300 બેઠકો પર ચૂંટણી લડે, બાકીની સ્થાનિક પક્ષોને આપે પણ બંગાળમાં અમે કોઇ સાથે ગઠબંધન નહીં કરીએ : મમતા

- પંજાબમાં લોકસભાની તમામ 13 બેઠકો આપ જીતશે, અમે કોંગ્રેસ સાથે ગઠબંધ નહીં કરીએ : મુખ્યમંત્રી માન

- બંગાળમાં લોકસભાની 42 બેઠકોમાંથી ટીએમસીને 22, ભાજપને 18 અને કોંગ્રેસને માત્ર બે જ મળી હતી

- રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બંગાળમાં પ્રવેશે તે પૂર્વે જ મમતાએ કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો

કોલકાતા/ચંડીગઢ : લોકસભાની ચૂંટણી ત્રણ મહિનાની અંદર યોજાઇ શકે છે. આ ચૂંટણી પહેલા જ વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનમાં ફાટા પડવા લાગ્યા છે. વિપક્ષને મજબૂત કરવાની વાતો કરનારા અને ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હવે જાહેરાત કરી છે કે બંગાળમાં તેમનો પક્ષ ટીએમસી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. અને એકલા જ લોકસભાની ચૂંટણી લડશે. જ્યારે બીજી તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભગવંત માને પણ કહ્યું છે કે પંજાબમાં આપ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે અને એકલા જ ચૂંટણી લડશે.

જ્યારે ઇન્ડિયા નામનું વિપક્ષનું ગઠબંધન થયું ત્યારે અરવિંદ કેજરીવાલનો પક્ષ આમ આદમી પાર્ટી અને મમતા બેનરજીનો પક્ષ ટીએમસી તેમાં સામેલ થયા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે, આ યાત્રા હવે પશ્ચિમ બંગાળમાં પહોંચવાની છે. જેના એક દિવસ અગાઉ જ મમતાએ મોટી જાહેરાત કરીને કોંગ્રેસને ઝટકો આપ્યો છે. હાવડામાં દાર્જિલિંગ હેલીપેડ પાસે પત્રકારોની સાથે વાતચીત કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે કોંગ્રેસને અમે બેઠકો શેર કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો, જેનો સ્વીકાર કરવાની કોંગ્રેસે ના પાડી દીધી છે. જેને પગલે અમે હવે લોકસભાની ચૂંટણી એકલા જ લડવાનો નિર્ણય લીધો છે.

એવા અહેવાલો છે કે મમતા બેનરજીએ કોંગ્રેસને બંગાળમાં લોકસભાની માત્ર બે જ બેઠકો આપવાની ઓફર કરી હતી, જેને કોંગ્રેસે નકારી દીધી છે. મમતા બેનરજીએ સાથે એવી સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય સ્તરે અમે ગઠબંધનમાં સામેલ છીએ, કોંગ્રેસ ઇચ્છે તો દેશભરમાં પોતાના ૩૦૦ ઉમેદવારો ઉભા રાખે અને બાકીની બેઠકો સ્થાનિક પક્ષોને આપે, જોકે પશ્ચિમ બંગાળમાં અમે કોઇ સમજૂતી કરવા માટે તૈયાર નથી. અહીંયા માત્ર ટીએમસી જ લોકસભાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. આ જ પ્રકારની જાહેરાત પંજાબની આપ સરકારના મુખ્યમંત્રી ભગવંત માને કરી છે. ચંડીગઢમાં મુખ્યમંત્રી માને કહ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે અને આમ આદમી પાર્ટી પંજાબમાં લોકસભાની તમામ ૧૩ બેઠકો જીતશે. જોકે દિલ્હીમાં પણ આપની સરકાર છે, દિલ્હીની આપ પાર્ટી દ્વારા આવી કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. નોંધનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ટીએમસીને ૨૨ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર બે જ બેઠક મળી હતી, ભાજપ ૧૮ બેઠકો લઇ ગયું હતું. પંજાબમાં લોકસભાની ૧૩ જ્યારે બંગાળમાં ૪૨ બેઠકો છે. મમતાએ કહ્યું હતું કે કોંગ્રેસ તેની રીતે લડે અમે અમારી રીતે એકલા ચૂંટણી લડીશું, પરીણામો આવશે તે બાદ આગળની ચર્ચા કરીશું. બંગાળમાં ડાબેરી પક્ષો અને ટીએમસી બન્ને સામસામે છે, કોંગ્રેસ ડાબેરી પક્ષો તરફ વધુ ઝુકાવ ધરાવે છે. એવામાં હવે મમતા બેનરજીએ અલગ જ રસ્તો અપનાવી લીધો છે.

મમતા વગર ઇન્ડિયા ગઠબંધનની કલ્પના કરવી મુશ્કેલ : કોંગ્રેસ

મમતા બેનરજી અને ભગવંત માનની આ જાહેરાત બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે મમતા બેનરજીના પક્ષ ટીએમસી વગર ગઠબંધનની કલ્પના પણ ના કરી શકાય. રસ્તામાં સ્પીડ પ્રેકર આવતા હોય છે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ પક્ષો સાથે વાતચીત કરી છે, ટીએમસી વગર ઇન્ડિયા ગઠબંધનની કલ્પના ના થઇ શકે. 

રાહુલ ગાંધીએ કહ્યું છે કે મમતા બેનરજી અને ટીએમસી ઇન્ડિયા ગઠબંધનનો મજબુત સ્તંભ છે. ઇન્ડિયા બંગાળમાં એક ગઠબંધનની જેમ જ ચૂંટણી લડશે. જ્યારે બિહારના આરજેડીના સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે મહેરબાની કરીને થોડો સમય રાહ જુવો, જો કોઇ વિવાદ હશે તો ઇન્ડિયા ગઠબંધન તેનો ઉકેલ લાવશે. જ્યારે શરદ પવારના એનસીપીના નેતા ક્લાઇડ ક્રેસ્ટોએ કહ્યું હતું કે આ નિવેદન કોઇ રાજનીતિનો હિસ્સો હોઇ શકે છે. ટીએમસી ગઠબંધનની સાથે છે. આપના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે ટીએમસી સામે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ચૂંટણી લડતા આવ્યા છે તેથી બેઠકો શેર કરવી મુશ્કેલ છે, તેમ છતા વાતચીતથી ઉપાય શોધવામાં આવશે.


Google NewsGoogle News