3 એક્ઝિટ પોલમાં NDA 400 પાર જવાની શક્યતા, મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવા સંકેત

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
3 એક્ઝિટ પોલમાં NDA 400 પાર જવાની શક્યતા, મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવા સંકેત 1 - image


- બધા જ એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી, બેઠકો 400ને પાર જવાનો વરતારો

- ગુજરાત, હિમાચલ, દિલ્હી, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તિસગઢમાં ભાજપની ક્લિનસ્વિપની શક્યતા : ઈન્ડિયાને ૨૦૦થી વધુ બેઠક નહીં

- લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 60 ટકા મતદાન 

- પશ્ચિમ બંગાળમાં સંદેશખલી સહિત વ્યાપક સ્તરે હિંસા

નવી દિલ્હી : દેશમાં શનિવારે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે જ એક્ઝિટ પોલના આગામી સરકાર અંગે આગાહી કરી દીધી છે, જે મુજબ જનતા સતત ત્રીજી વખત એનડીએ ગઠબંધનને સત્તાની ધૂરા સોંપશે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને ફરી વનવાસ આપશે તેવો વરતારો થઈ રહ્યો છે. આ સાથે શનિવારે આઠ રાજ્યોની ૫૭ લોકસભા બેઠકો પર કુલ ૬૦ ટકા જેટલું મતદાન થયું હતું. દરમિયાન પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર જાતીય અત્યાચાર અને ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે કુખ્યાત થયેલા સંદેશખલીમાં તૃણમૂલ અને ભાજપના કાર્યકરો વચ્ચે વ્યાપક સ્તરે હિંસા થઈ હતી. દેશમાં એકંદરે સાતેય તબક્કામાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી જ્યારે બંગાળમાં દરેક તબક્કામાં હિંસા જોવા મળી હતી.

દેશના આઠ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન પૂરું થવાની સાથે શનિવારે સાંજે એક્ઝિટ પોલમાં પીએમ મોદી સતત ત્રીજી વખત જંગી બહુમતી સાથે સત્તા પર આવી રહ્યા હોવાની આગાહી કરવામાં આવી છે. એબીપી-સી વોટરે એનડીએને ૩૫૩થી ૩૮૩ બેઠકો જ્યારે ઈન્ડિયા બ્લોકને ૧૫૨થી ૧૮૨ બેઠકો મળવાનો દાવો કર્યો છે. ટુડે-ચાણક્યએ એનડીએને ૨૦૧૯ કરતાં વધારે બેઠકો સાથે ૪૦૦થી વધુ જ્યારે વિપક્ષને ૧૧ બેઠકોના ઘટાડા સાથે ૧૦૭ બેઠકો મળવાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે 3 જેટલાં એક્ઝિટ પોલમાં મોદી સરકારને 400થી વધુ બેઠકો મળતી હોય તેવો અંદાજ વ્યક્ત કરાયો છે. 

3 એક્ઝિટ પોલમાં NDA 400 પાર જવાની શક્યતા, મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવા સંકેત 2 - image

ભાજપે ચૂંટણી પહેલાં લોકસભામાં '૪૦૦ પાર'નો નારો આપ્યો હતો, પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને ૩૫૦ની આસપાસ બેઠકો મળવાનો દાવો કરાયો હતો. આ એક્ઝિટ પોલ સાચા ઠરશે તો દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ બનવાના વિક્રમની બરાબરી કરશે.

વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે તે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢની ૫૭ બેઠકો પર શનિવારે મતદાન થયું હતું, જેમાં ઝારખંડની ત્રણ બેઠક પર સૌથી વધુ ૭૦.૦૧ ટકા, પશ્ચિમ બંગાળની નવ બેઠક પર ૬૯.૮૯ ટકા, હિમાચલ પ્રદેશની ચાર બેઠક પર ૬૮.૪૮ ટકા મતદાન થયું હતું. આ સિવાય ઉત્તર પ્રદેશની ૧૩ (૫૫.૬૦), બિહારની આઠ (૫૧.૫૩), ઓડિશાની છ (૬૬.૧૮)અને પંજાબની બધી જ ૧૩ (૫૬.૦૧) બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે ઓડિશાની ૪૨ વિધાનસભા બેઠકો તેમજ હિમાચલ પ્રદેશમાં છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પર મતદાન થયું હતું.

શનિવારના મતદાન સાથે ૧૯ એપ્રિલથી શરૂ થયેલી મેરેથોન મતદાન પ્રક્રિયા પૂરી થઈ છે. લોકસભા ચૂંટણીની સાથે અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. હવે બધાની નજર ચાર જૂને પરીણામો પર છે. જોકે, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો રવિવારે બે જૂને જાહેર થઈ જશે.

લોકસભાના અંતિમ તબક્કામાં ૬૦ ટકા મતદાન થયું છે જ્યારે પહેલા છ તબક્કામાં અનુક્રમે ૬૧.૧૪ ટકા, ૬૬.૭૧ ટકા, ૬૫.૬૮ ટકા, ૬૯.૧૬ ટકા, ૬૨.૨ ટકા અને ૬૩.૩૬ ટકા મતદાન થયું હતું. શનિવારે મતદાન પૂરું થયા પછી ચૂંટણી પંચે ભારતીય મતદારોનો આભાર માન્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે, ૧૮મી લોકસભાની રચના માટે મતાધિકારનો ઉપયોગ કરનારા ભારતીય મતદારો પ્રશંસાને પાત્ર છે. ભારતીય લોકતંત્ર અને ભારતીય ચૂંટણીએ ફરી ચમત્કાર કર્યો છે.

દરમિયાન લોકસભા ચૂંટણીના અગાઉના છ તબક્કાઓમાં છુટી છવાઈ હિંસા થઈ હતી તે પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કામાં વ્યાપકપણે હિંસા જોવા મળી હતી. ચૂંટણી પહેલાં જ તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ પર મહિલાઓ પર અત્યાચાર અને ખેડૂતોની જમીન પચાવી પાડવાના આરોપો મૂકાયા છે તે સંદેશખલીમાં તૃણમૂલ અને ભાજપ કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડયો હતો તથા ટીયરગેસના શેલ છોડયા હતા. સંદેશખલિમાં એક મતદાન મથકમાં કેટલાક તોફાની તત્વોને ઈવીએમ લઈને તળાવમાં ફેંકી દીધા હતા. હિંસાની અનેક ઘટનાઓ છતાં ચૂંટણી પેનલે રાજ્યમાં મતદાન પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રહી હોવાનો દાવો કર્યો હતો.


Google NewsGoogle News