'જીડીપીના તાજેતરના આંકડા મારી સમજથી બહાર..' કેમ આવું બોલ્યાં પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર

પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમને દેશના આર્થિક વિકાસ દર (જીડીપી)ના આંકડા પર સવાલ ઉઠાવતા તેને રહસ્યમય અને અસ્પષ્ટ ગણાવ્યા

ભારત વિદેશી રોકાણકારો માટે આકર્ષક સ્થળ છતાં કોર્પોરેટ રોકાણ વર્ષ 2016ના સ્તર કરતાં નીચું : પૂર્વ આર્થિક સલાહકાર

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
'જીડીપીના તાજેતરના આંકડા મારી સમજથી બહાર..' કેમ આવું બોલ્યાં પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર 1 - image


India GDP news | કેન્દ્ર સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમને દેશના આર્થિક વિકાસ દર (જીડીપી)ના આંકડા પર સવાલ ઉઠાવતા તેને રહસ્યમય અને અસ્પષ્ટ ગણાવ્યા છે. તેમણે કહ્યું, મારા માટે જીડીપીના તાજા આંકડા સમજથી પરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા ત્રિમાસિકમાં ભારતનું અર્થતંત્ર ૮.૪ ટકાના દરથી વૃદ્ધિ પામ્યું છે, જે છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ છે.

પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે મારા માટે જીડીપીના તાજા આંકડા સમજી શકાય તેવા નથી. 

સરકારે ઈમ્લાઈડ ઈન્ફ્લેશનના આંકડા ૧-૧.૫ ટકા ગણાવ્યા છે જ્યારે વાસ્તવિક ઈન્ફ્લેશન ૩-૫ ટકા છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જ્યાં અર્થતંત્ર ૭.૫ ટકાના દરથી વધી રહ્યું છે ત્યાં ખાનગી વપરાશ ૩ ટકાના દરથી ઘટી રહ્યો છે. ભારતના જીડીપીના આંકડા સમજી શકાય તેમ નથી અને તે એકદમ રહસ્યમય છે.

કેન્દ્ર સરકારે જીડીપીના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ૮.૪ ટકાના દરથી વધ્યું, જે છ ત્રિમાસિકના ટોચના સ્તરે છે. આ સિવાય ચાલુ નાણાકીય વર્ષના પહેલા અને બીજા ત્રીમાસિકમાં જીડીપીના આંકડા ૭.૮ ટકા અને ૭.૬ ટકાથી વધીને ૮.૨ ટકા અને ૮.૧ ટકા રિવાઈઝ કરવામાં આવ્યા છે. એટલે કે સરકારના જણાવ્યા મુજબ અંદાજ કરતાં વધુ તિવ્ર ગતિએ દેશનું અર્થતંત્ર વધી રહ્યું છે.

અરવિંદ સુબ્રમણ્યમે ઘટતા એફડીઆઈ તરફ સંકેત કરતા કહ્યું કે, છેલ્લા બે અથવા ત્રણ ત્રિમાસિકમાં એફડીઆઈમાં તિવ્ર ગતિએ ઘટાડો થયો છે. એવું નથી કે માત્ર ભારતનું એફડીઆઈ ઘટી રહ્યું છે, પરંતુ સમગ્ર દુનિયાના ઊભરતા બજારોમાં જતા વૈશ્વિક એફડીઆઈમાં ભારતની ભાગીદારીમાં પણ ઘટાડો થયો છે. તેથી સવાલ એ છે કે ભારત રોકાણ માટે એટલું આકર્ષક સ્થળ બની ગયું છે તો વધુ એફડીઆઈ કેમ નથી આવી રહી? આજે દેશમાં કોર્પોરેટ રોકાણ પણ વર્ષ ૨૦૧૬ના સ્તરથી ઘણું નીચે છે. 

જોકે, કેન્દ્ર સરકારમાં ચાર વર્ષ સુધી મુખ્ય આર્થિક સલાહકારપદે રહેનારા સુબ્રમણ્યને દક્ષિણ ભારતના રાજ્યોમાં ફરીથી વધતી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાની પ્રશંસા કરી. સાથે જ સરકારની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ અને આત્મનિર્ભર ભારત નીતિની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ફેક્ટરીઓ મોટા પાયે ખુલી રહી છે, જેમાં ૫,૦૦૦થી ૫૦,૦૦૦ સુધીના કામદારોને રોજગારી મળી રહી છે.


Google NewsGoogle News