Get The App

કાશ્મીરમાં 3 દિવસમાં ત્રીજો હુમલો : જવાન શહીદ, બે આતંકી ઠાર

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
કાશ્મીરમાં 3 દિવસમાં ત્રીજો હુમલો : જવાન શહીદ, બે આતંકી ઠાર 1 - image


- સુરક્ષા અને શાંતિના દાવાનો પોલ ખુલી, છ જવાનો ઘાયલ

- આતંકીઓ હથિયારો સાથે ગામમાં પાણી માટે ઘૂસ્યા સ્થાનિકોએ હોબાળો કરતા ગોળીબાર કર્યો, એક નાગિરક ઘાયલ

- આતંકીઓ પાસેથી પાક.ની ચોકલેટો-દવાઓ અને અમેરિકી રાઇફલ તેમજ અન્ય હથિયારો મળી આવ્યા 

- કઠુઆના ડીઆઇજી અને એસપીના વાહન પર આતંકીનો બેફામ ગોળીબાર જોકે કોઇ જાનહાની નહીં

કઠુઆ : જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૭૨ કલાકમાં ત્રણ આતંકી હુમલા થયા છે. આ હુમલાઓમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો જ્યારે છ જવાનો ઘાયલ થયા હતા. જ્યારે કઠુઆમાં સૈન્ય ઓપરેશનમાં બે આતંકીઓ પણ ઠાર મરાયા હતા. હજુ બે દિવસ પહેલા જ વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓની બસ પર હુમલામાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો, એવામાં ૭૨ કલાકમાં ત્રણ મોટા આતંકી હુમલાથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષાના દાવાની પોલ ખુલી હતી. સાથે જ સુરક્ષા એજન્સીઓ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. 

કઠુઆના હીરાનગરમાં સૈદા સુખલ ગામમાં મંગળવારે સવારે આઠ વાગ્યે આતંકી હુમલો થયો હતો. આ ગામમાં આતંકીઓ લોકોના ઘરોમાં હથિયારો સાથે પહોંચ્યા હતા, જેને કારણે ગામના લોકોએ વિરોધ કરતા આતંકીઓએ તેમના પર ગોળીબાર કરી દીધો હતો જેમાં એક નાગરિક ઘાયલ થયો છે. જે બાદ સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જોકે આ ઓપરેશન દરમિયાન સીઆરપીએફનો એક જવાન કબીર દાસ શહીદ થઇ ગયો હતો. આતંકીઓ પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઇ છે. આતંકીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, રોટલી, દવાઓ, ઇંજેક્શન, ૧ સિરિંજ, એક એંટિના, હેન્ડ ગ્રેનેડ વગેરે જપ્ત કરાયા હતા. મોડી રાત સુધી બે સૈન્ય ઓપરેશન ચાલ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ એક સૈન્ય પોસ્ટ પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો અને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર એસપીઓ પણ ઘાયલ થયા હતા. રિયાસીમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર હુમલામાં ૧૦ લોકોના મોતની ઘટનાના બે દિવસ બાદ આ હુમલા સામે આવ્યા છે. જમ્મુ ઝોનના એડિશનલ ડીજીપી આનંદ જૈને કહ્યું હતું કે દોડા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ જોઇન્ટ પાર્ટી અને સૈન્યના રાષ્ટ્રીય રાઇફલના કાફલા પર મોડી રાત્રે હુમલો થયો હતો. 

કઠુઆ હુમલામાં સામેલ બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, એક આતંકી સ્થળ પર જ માર્યો ગયો હતો જ્યારે બીજો આતંકી જંગલમાં ભાગી ગયો હતો જેનો સવારે સફાયો કરાયો હતો. આતંકી પાસેથી અમેરિકી બનાવટની એમ૪ અસોલ્ટ રાઇફલ મળી આવી છે. ગામના લોકો પાસે આતંકીઓ પાણી માગી રહ્યા હતા જે દરમિયાન જ ગામના લોકોએ પોલીસને એલર્ટ કરી દીધી હતી. જેને કારણે આ બન્ને આતંકીઓને મારવામાં સફળતા મળી હતી. જોકે આ ઓપરેશન દરમિયાન એક જવાન શહીદ થયો છે અને અન્ય છ ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે. ઓપરેશન દરમિયાન એક આતંકીએ સાંબા રેંજના અધિકારીઓ ડીઆઇજી સુનિલ ગુપ્તા, કઠુઆના એસપી અનાયત અલી ચૌધરીના વાહન પર ગોળીબાર કર્યો હતો. આતંકીએ અનેક ગોળીઓ મારી હતી, જોકે અધિકારીઓ માંડ બચ્યા હતા. જે બાદ આ આતંકીને શોધીને તેને ઠાર મારવામાં આવ્યો હતો.  

હુમલા માટે પીઓકેમાં તોઇબા-જૈશએ કાવતરુ ઘડયું હોવાના રિપોર્ટ

શ્રીનગર : ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. 

આ સ્થિતિ વચ્ચે જ આતંકી હુમલા શરૂ થઇ ગયા છે. મીડિયા અહેવાલોએ દાવો કર્યો છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોઇ શકે છે અને હુમલા માટેનું કાવતરુ પીઓકેમાં ઘડાયું છે. ત્રણ મહિના પહેલા પીઓકેમાં લશ્કર-એ-તોઇબા અને જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનોએ પીઓકેમાં આ કાવતરુ ઘડયું હતું. વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી બસ પર હુમલા પાછળ પણ તોઇબાનો હાથ હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા. એનઆઇએ આ હુમલાની તપાસ કરી રહી છે. જેમાં કેટલાક લોકલ ઓવર ગ્રાઉંડર વર્કર પણ સામેલ હોવાની શક્યતાઓ છે. ૨૦૨૧થી અત્યાર સુધી રાજૌરી અને પૂંચ જિલ્લામાં આતંકી હુમલાઓમાં ૩૮ જવાનો શહીદ થયા છે, જ્યારે ૧૧ નાગરિકો પણ માર્યા ગયા છે. 


Google NewsGoogle News