મ.પ્ર.નાં દરોડાનો ત્રીજો દિવસ, જપ્ત સોનાચાંદીનો આંકડો 300 કિલોને પાર
- 55 કિલો સોનું અને 240 કિલો ચાંદી મળી
- સૌરભની ઓફિસની ટાઇલ્સમાંથી પણ ચાંદીની વસ્તુઓ મળી રહી છે : 15 લાખનું લેડીઝ પર્સ મળ્યું
- બધી જ સંપત્તિ સૌરભની કે બીજા મોટા નામ પણ સામેલ છે તે લાઇન પર પણ પોલીસ તપાસ જારી
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકાયુક્ત પોલીસને કલ્પના પણ નહીં હોય કે ટ્રાન્સપોર્ટ વિભાગના ભૂતપૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માને ત્યાં દરોડો પાડતા તેમના હાથમાં સોનાની ખાણ આવી જશે. આજે દરોડાનો ત્રીજો દિવસ છે, સૌરભ શર્માને ત્યાંથી સોનાચાંદી કિલો નહીં ક્વિન્ટલના હિસાબે મળી રહ્યા છે. અત્યાર સુધી જપ્ત કરાયેલા સોનાચાંદીનો આંકડો ૩૦૦ કિલોને વટાવી ગયો છે.
ત્રણ દિવસથી ચાલતા દરોડા હજી પણ ચાલુ છે. પોલીસની ટીમ જ્યાં હાથ નાખે છે ત્યાંથી સોનું કે ચાંદી મળે છે, નહીં તો રોકડા મળે છે. સૌરભ શર્માની ઓફિસમાં ટાઇલ્સની નીચેથી પણ ચાંદીનો ભંડાર મળ્યો છે. આ પહેલા તેના ઘરેથી પોણા ચાર કરોડ રુપિયાની રોકડ મળી ચૂકી છે. આ સિવાય ભોપાલમાં જંગલમાં મળેલી કારમાંથી બાવન કિલો સોનું અને ૧૧ કરોડ રોકડા મળી આવ્યા હતા. આ ઇનોવા કાર ચંદન ગોરના નામે રજિસ્ટર છે. ચંદનને સૌરભ શર્માનો ખાસ દોસ્ત જણાવાઈ રહ્યો છે.
સૌરભ શર્માને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં સીક્રેટ લોકર મળી આવ્યું હતું. તેની ઓફિસમાં ટાઇલ્સની નીચે ચાંદીની વસ્તુઓ છૂપાવાઈ હતી. આ ઉપરાંત હીરાની વીંટીઓ અને મોંઘી ઘડિયાળો પણ મળી છે. તેની સાથે લેડીઝ પર્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ ૧૫ લાખ રુપિયા હોવાનું કહેવાય છે. હવે સવાલ એ છે કે વર્ષ પહેલા સુધી ૪૦ હજાર રુપિયાની મહિનાના પગારે કામ કરનારા સૌરભને ત્યાંથી મળેલા ખજાનાને જોઈને તપાસ ટુકડીમાં સામેલ અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા છે.
સોરભ અને ચંદન હજી પણ ફરાર છે. પોલીસ તેમને પકડવામાં લાગેલી છે. તેઓ વિદેશ ભાગી ગયા હોય તેવી પણ સંભાવના છે. સૌરભે પરિવહન વિભાગમાં લગભગ ૧૨ વર્ષ નોકરી કરી હતી, પછી વીઆરએસ લઈ લીધું હતું. હવે તે શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે દરોડામાં મળેલી બધી સંપત્તિ સૌરભ શર્માની છે કે તેમા કોઈ બીજા મોટા નામ સામેલ છે. તેણે ક્યાંથી આટલી સંપત્તિ ભેગી કરી તેનો જવાબ મળવાનો બાકી છે. દરોડા પૂરા થયા પછી જ પોલીસ વિગતો આપી શકે છે.