ATM મશીન સમજીને પાસબુક પ્રિન્ટર ચોરી ગયા ચોર, ઘટના બાદ પોલીસ પણ ચોંકી ગઈ
- ઘટનાના થોડા સમય બાદ જ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી
સીકર, તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર
રાજસ્થાનના સીકર જિલ્લામાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. આપણે મોટાભાગે સોશિયલ મીડિયા પર ATM મશીન ચોરીના મીમ્સ અથવા તો જોક્સ વાંચીએ છીએ. પરંતુ આ ઘટના રાજસ્થાનના સીકર જિલ્લામાં સાચી સાબિત થઈ. અહીં એક ચોર ATM મશીનના બદલે પાસબુક પ્રિન્ટર મશીન ચોરી ગયો. ચોરોને એ ખબર જ ન પડી કે, આ પાસબુક મશીન છે કે ATM મશીન.
SBIનું હતું પાસબુક પ્રિન્ટર મશીન
સીકરના ઉદ્યોગ નગર વિસ્તારમાં સ્ટેટ ઓફ ઈન્ડિયા (SBI)નું ATM ચોરી કરવા આવેલા ચોરોએ ATMના બદલે પાસબુક પ્રિન્ટર ચોરી કરી ગયા. જોકે, ઘટનાના થોડા સમય બાદ જ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર નેકીરામે જણાવ્યું કે, બારાં જિલ્લાના રામકલ્યાણ ગામના નિવાસી પિન્ટુ મીણા ATM ચોરી કરવા માટે આવ્યો હતો. ATMની બાજુમાં જ પાસબુક એન્ટ્રી મશીન પણ હતું જેને જોઈને આરોપી પિન્ટુ મીણા એ સમજી ન શક્યો કે, ATM મશીન કયું છે. તેણે થોડા સમય માટે ATM મશીન સાથે છેડછાડ કરી અને તેના બટનો તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે આરોપી પિન્ટુ મીણાને ATM મશીનમાં કંઈ સફળતા ન મળી તો તેણે પાસબુક ચેક કરવાના મશીન સાથે પણ છેડછાડ કરી હતી.
પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે ચોરને પકડી પાડ્યો
આ દરમિયાન પિન્ટુ મીણાને લાગ્યું કે તેમાં પૈસા હોઈ શકે છે તેથી તેણે પાસબુક મશીન ઉઠાવીને પોતાની સાથે લઈ ગયો. આ દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે નવલગઢ પુલ પાસે પાસબુક મશીન લઈ જતા ચોરને જોયો તો તેને પકડી પાડ્યો અને આરોપી પીન્ટુ મીણાની શાંતિ ભંગના ગુનામાં ધરપકડ કરી લીધી.
ATM હતા 12 લાખ રૂપિયા
પોલીસે જણાવ્યું કે આરોપી જે SBIના ATM બૂથ પર ચોરી કરવા ગયો હતો તે ATMમાં લગભગ 12 લાખ રૂપિયા હતા. પોલીસે જણાવ્યું કે, આરોપી સામે પહેલાથી બારાં અને હરનાવદા શાહજીમાં આર્મ્સ એક્ટના બે કેસ અને એક્સાઈઝ એક્ટનો એક કેસ નોંધાયેલ છે.