'જાતિની ખબર નથી તેઓ ગણતરીની વાત કરે છે':અનુરાગના ટોણાથી રાહુલ-અખિલેશ વિફર્યા

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
'જાતિની ખબર નથી તેઓ ગણતરીની વાત કરે છે':અનુરાગના ટોણાથી રાહુલ-અખિલેશ વિફર્યા 1 - image


- લોકસભામાં બજેટની ચર્ચામાં જાતિ આધારિત વસતી ગણતરી, અગ્નિવીર મુદ્દે ઘમાસાણ

- મારું ગમે તેટલું અપમાન કરો, હું જાતિ આધારિત વસતી ગણતરી કરાવીને જ રહીશ, દલિતોની વાત કરનારાએ ગાળો જ ખાવી પડે છે : રાહુલ ગાંધી

- અગ્નિવીર સારી હોય તો કેન્દ્રએ રાજ્યોને 10 ટકા અનામતનું શા માટે કહેવું પડે  : અખિલેશ

નવી દિલ્હી : લોકસભામાં બજેટ સત્રમાં મંગળવારે બજેટ પરની ચર્ચામાં જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો ઉછળતા અનુરાગ ઠાકુર, રાહુલ ગાંધી અને અખિલેશ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. આ મુદ્દે ભાજપ નેતા અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર અંગત ટીપ્પણી કરતાં લોકસભામાં વિપક્ષના નેતા અને અખિલેશ યાદ વિફર્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે, જેમની જાતિ ખબર નથી તેઓ જાતિ આધારિત ગણતરીની વાતો કરે છે. તેમના આ કટાક્ષ પર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે અનુરાગ ઠાકુરની ઝાટકણી કાઢી હતી. રાહુલે કહ્યું કે, અનુરાગે મારું અપમાન કર્યું છે, પરંતુ મારે તેમની માફી નથી જોઈતી. મારું જેટલું અપમાન કરવું હોય તેટલું કરો. પરંતુ હું જાતિ આધારિત વસતી ગણતરી કરાવીને જ રહીશ.

લોકસભામાં મંગળવારે બજેટ પર ચર્ચા થઈ રહી હતી. ચર્ચા દરમિયાન જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો પણ ઉછળ્યો હતો. હમીરપુરથી ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસના સમયના કૌભાંડનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હું પૂછવા માગું છું કે હલવા કોણે ખાધો.  કેટલાક લોકો ઓબીસીની વાતો કરે છે, પરંતુ તેમને ઓબીસીનો અર્થ પણ ખબર નથી. કેટલાક લોકો પર જાતિ આધારિત વસતી ગણતરીનું ભૂત સવાર છે.

અનુરાગ ઠાકુરે કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે, જેમની જાતિની ખબર નથી તેઓ જાતિ આધારિત વસતી ગણતરીની વાત કરે છે. ઠાકુરના આ કટાક્ષથી રાહુલ ગાંધી ગુસ્સે ભરાયા હતા. તેમણે કહ્યું કે, અનુરાગ ઠાકુરે મારું અપમાન કર્યું છે, પરંતુ મારે તેમની માફી નથી જોઈતી. તમારે મારું જેટલું અપમાન કરવું હોય તેટલું કરો, હું સહન કરી લઈશ. પરંતુ હું જાતિ આધારિત વસતી ગણતરી કરાવીને જ રહીશ.

જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે તેમાં તમારે તમારી જાતિ પણ લખવી પડશે. મેં કહ્યું હતું કે જેમને જાતિ અંગે કશી ખબર નથી તેઓ વસતી ગણતરીની વાત કરે છે. મેં કોઈનું નામ લીધું નહોતું. પરંતુ જવાબ આપવા કોણ ઊભું થઈ ગયું?

અનુરાગ ઠાકુરને જવાબ આપતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મહાભારતમાં જેમ અર્જુનને માત્ર માછલીની આંખ દેખાતી હતી, તેમ મને પણ માત્ર જાતિ આધારિત વસતી ગણતરી જ દેખાય છે, જે અમે કરાવીને જ રહીશું. હું તો લડાઈ લડી રહ્યો છું. આજે જે પણ દલિતોની વાત ઉઠાવે છે તેમણે ગાળો ખાવી પડે છે. હું આ બધી ગાળો ખુશીથી ખાઈ લઈશ. અપમાન સહન કરી લઈશ.

રાહુલ ગાંધીના અપમાન મુદ્દે અખિલેશ યાદવ પણ આ ચર્ચામાં કૂદી પડયા હતા. તેમણે કહ્યું કે, ગૃહમાં તમે કોઈની જાતિ પૂછી શકો નહીં. બજેટની ચર્ચામાં અખિલેશ યાદવે અગ્નિવીરનો મુદ્દો ઉઠાવતા સરકારને સવાલ કર્યો કે અગ્નિવીર યોજના એટલી જ સારી હોય તો તમે રાજ્યોને ૧૦ ટકા ક્વોટા આપવા શા માટે કહો છો? જવાબમાં ઠાકુરે કહ્યું કે, અગ્નિવીરમાં ૧૦૦ ટકા રોજગારની ગેરેન્ટી છે અને રહેશે.

અખિલેશ યાદવે કહ્યું કે, સૈન્યમાં ભરતી થવા માગતો કોઈપણ યુવાન અગ્નિવીર યોજના સ્વીકારી શકે નહીં. પહેલી વખત આ સ્કીમ આવી ત્યારે સરકારે મોટા-મોટા ઉદ્યોગપતિઓ પાસે ટ્વીટ કરાવી હતી કે આ યોજના સારી છે. હવે સરકાર રાજ્યોને કહે છે કે અગ્નિવીરને ક્વોટા આપો, નોકરી આપો. તેમણે અનુરાગને કહ્યું કે, તમે પરમવીર ચક્રની વાતો કરો છો, પરંતુ મેં મિલિટ્રી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે  અમે પણ પરમવીર ચક્ર વિજેતાઓના નામ ગણાવી શકીએ છીએ. અમે સત્તા પર આવ્યા પછી અગ્નિવીર યોજના બંધ કરાવીશું

જવાબમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે, તમે તો માત્ર મિલિટ્રી સ્કૂલ ગયા છો. હું આજે પણ સૈન્યમાં કેપ્ટન રેન્કની સેવાઓ આપી રહ્યો છું. અખિલેશજી માત્ર જ્ઞાાન ના આપશો. રાહુલ ગાંધી સાથે બેસીને તમને પણ ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે.


Google NewsGoogle News