દેશના ત્રણ નાણામંત્રી જેઓ સંસદમાં ન રજૂ કરી શક્યા બજેટ ભાષણ, રસપ્રદ છે તેની પાછળની કહાની
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કુલ 38 નાણામંત્રી રહ્યા છે
જેમાંથી એવા ત્રણ નાણામંત્રી છે જેમને તેમના કાર્યકાળમાં બજેટ રજૂ કરવાનો મોકો નથી મળ્યો
Budget 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું છે. આ તેમના કાર્યકાળનું છઠ્ઠું બજેટ છે. પરંતુ દેશના ત્રણ નાણામંત્રી એવા રહ્યા છે જેઓ તેમના કાર્યકાળમાં બજેટ રજૂ કરી શક્યા નથી. તેમજ ત્રણેયના બજેટ રજૂ ન થવા પાછળ અલગ-અલગ અને રસપ્રદ કારણો હતા.
કેસી નિયોગી - 35 દિવસ માટે રહ્યા નાણા મંત્રી
દેશના પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગી નાણામંત્રી પદ પર રહ્યા, પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા નહીં. તેઓ વર્ષ 1948માં માત્ર 35 દિવસ માટે નાણામંત્રી રહ્યા હતા. તેમણે આર.કે. સન્મુખમ ચેટ્ટીના સ્થાને આ જવાબદારી સંભાળી હતી, પરંતુ તેમણે પદ સંભાળ્યાના 35 દિવસ પછી જ રાજીનામું આપી દીધું હતું. આ સમયગાળા દરમિયાન તેમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. તેઓ સ્વતંત્ર ભારતના બીજા નાણામંત્રી તરીકે ઓળખાય છે.
હેમવતી નંદન બહુગુણા
હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા), જેમણે નાણામંત્રીનું પદ સંભાળ્યું હતું પરંતુ તેમને પણ બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કે.સી. નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો હતો. હેમવતી નંદન બહુગુણા વર્ષ 1979માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારમાં નાણામંત્રી બન્યા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પણ બજેટ રજૂ થઈ શક્યું ન હતું.
નારાયણ દત્ત તિવારી
એનડી તિવારીએ રાજીવ ગાંધી સરકારમાં વિદેશ મંત્રી અને પછી નાણામંત્રીની જવાબદારી પણ સંભાળી હતી. 1987 માં એનડી તિવારી રાજીવ ગાંધીની સરકારમાં નાણામંત્રી બન્યા. નાણામંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ 25 જુલાઈ 1987 થી 25 જૂન 1988 સુધી લગભગ એક વર્ષનો હતો. તેમ છતાં તે વર્ષે પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ તે વર્ષે બજેટ રજૂ કર્યું હોવાથી તેઓને આ મોકો મળ્યો ન હતો. તેમના નામે બે રાજ્યોના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે. તેઓ ત્રણ વખત ઉત્તર પ્રદેશના અને એક વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા છે. 1952માં પહેલીવાર ધારાસભ્ય બનેલા એનડી તિવારીની રાજકીય કારકિર્દી લાંબી હતી. એનડી તિવારી પ્રધાનમંત્રી સિવાય લગભગ દરેક મોટા પદ પર હતા. તેઓ ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ પણ હતા.