PM મોદીના શપથગ્રહણમાં 'નેબર ફર્સ્ટ'ની નીતિ, 7 રાષ્ટ્રના પ્રમુખને મોકલાયા આમંત્રણ, જુઓ યાદી

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
PM મોદીના શપથગ્રહણમાં 'નેબર ફર્સ્ટ'ની નીતિ, 7 રાષ્ટ્રના પ્રમુખને મોકલાયા આમંત્રણ, જુઓ યાદી 1 - image


Lok Sabha Elections Result 2024: નરેન્દ્ર મોદી નવી જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે, જેની સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે. આ માટે 7 પાડોશી દેશોના પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ સહિત સાત હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોના નેતાઓ નવમી જૂને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયના જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદીના શપથગ્રહણમાં પાડોશી ફર્સ્ટ નીતિના ભાગ રૂપે સાત રાષ્ટ્રના પ્રમુખને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.'

આ નેતાઓને મોકલાયા આમંત્રણ 

બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ઉપરાંત શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફિફ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પા કમલ દહલ અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેનો સમાવેશ થાય છે. શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઉપરાંત આ નેતાઓ રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે.

વડાપ્રધાન મોદી ભારતની મુલાકાતે આવેલા આ નેતાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠક કરશે કે નહીં તે સ્પષ્ટ નથી. નોંધનીય છે કે, બાંગ્લાદેશના વડાંપ્રધાન અને સેશેલ્સના રાષ્ટ્રપતિ શનિવારે (આઠમી જૂન) દિલ્હી પહોંચવાના છે. અન્ય તમામ નેતાઓ રવિવારે જ આવશે. નેપાળના વડાપ્રધાન શપથ ગ્રહણ સમારોહના લગભગ ચાર કલાક પહેલા દિલ્હી પહોંચશે.

માલદીવ્સ સાથે સંબંધોમાં તિરાડ

ઉલ્લેખનીય છે, મોહમ્મદ મુઈજ્જુ માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદથી ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધો નબળા પડ્યા છે. જેઓ બંને દેશો વચ્ચે સંબંધ સુધારવા મોદી સરકાર 3.0ની શપથવિધિમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લક્ષદ્વીપ ટાપુની મુલાકાત લીધા બાદ માલદીવ્સના સત્તાધીશોએ આક્ષેપો અને ટીકા કરતાં ભારત સાથેના સંબંધોમાં તિરાડ પડી હતી. 2023માં મુઈજ્જુ સત્તા પર આવ્યા બાદ ચીનનુ સમર્થન આપી રહ્યા છે, પોતાના ચૂંટણી મુદ્દામાં ભારતીય સૈન્યને દેશમાંથી બહાર કરવાનો પ્રચાર કર્યો હતો. સત્તા પર આવ્યા બાદ વચન પૂર્ણ કર્યું હતું. ભારતીય સૈન્ય હવે માલદીવમાં ઉપસ્થિત નથી.


Google NewsGoogle News