સંસદમાં રાહુલના ભાષણ પર ફરી કાતર ચાલી, લોકસભાની કાર્યવાહીમાંથી હટાવાયા આ શબ્દો
Rahul Gandhi: સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ પર ફરી કાતર ચાલી છે. લોકસભામાં વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીનું સંસદમાં આપવામાં આવેલું બીજું ભાષણ પણ વિવાદમાં આવી ગયું છે. બડેટ પર ચર્ચા દરમિયાન સોમવારે લોકસભામાં રાહુલ ગાંધીએ જે ભાષણ આપ્યું હતું તેના કેટલાક શબ્દોને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
સંસદમાં રાહુલના ભાષણ પર ફરી કાતર ચાલી
રાહુલ ગાંધીના બીજા ભાષણમાંથી જે શબ્દો હટાવી દેવામાં આવ્યા છે તેમાં મોહન ભાગવત, અજીત ડોભાલ, અંબાણી અને અદાણી છે. રાહુલ ગાંધીએ પોતાના 45 મિનિટના ભાષણમાં આ ચાર લોકોના નામ લીધા હતા, જેના પર સ્પીકર ઓમ બિરલાએ વાંધો પણ વ્યક્ત કર્યો હતો.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત આક્રામક ભાષણ આપીને કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મહાભારતના ચક્રવ્યૂહને યાદ કરીને છ લોકોના નામ લઇને આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ભારત એક નવા જ પ્રકારના ચક્રવ્યૂહમાં ફસાયેલુ છે, જેનુ સંચાલન છ લોકો કરી રહ્યા છે. સંસદમાં કેન્દ્રિય બજેટ પર ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં અભિમન્યુને છ લોકોએ ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યા હતા, ચક્રવ્યૂહનું બીજુ નામ પદ્મવ્યૂહ છે, જે કમળના ફૂલના આકારનું હોય છે, જેની અંદર ડર અને હિંસા હોય છે. I.N.D.I.A ગઠબંધન આ ચક્રવ્યૂહને તોડશે.
આજે પણ ચક્રવ્યૂહ રચનારા છ લોકો છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજિત ડોભાલ, મોહન ભાગવત, અડાણી અને અંબાણી. રાહુલ ગાંધીએ આ લોકોના નામ લેતા જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. અધ્યક્ષે રાહુલને અટકાવતા કહ્યું હતું કે તમે વિપક્ષના નેતા છો, તમારા પક્ષના નેતા ગૌરવ ગોગોઇએ લેખિતમાં આપ્યું છે કે જે સંસદનો સભ્ય ના હોય તેનું નામ લેવામાં નહીં આવે. જે બાદ રાહુલ ગાંધીએ અદાણી માટે એ-1 અને અંબાણી માટે એ-2 શબ્દનો ઉપયોગ કરીને પણ પોતાના પ્રહારો શરૂ રાખ્યા હતા.
પ્રથમ ભાષણમાંથી પણ એક હિસ્સો હટાવી દેવામાં આવ્યો હતો
રાહુલ ગાંધીએ 1 જુલાઈના રોજ વિપક્ષના નેતા તરીકે સંસદમાં પ્રથમ ભાષણ આપ્યું હતું. ત્યારે તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન તેમણે ભાષણ આપ્યું હતું. પહેલા ભાષણમાં રાહુલે બંધારણની કોપી અને ભગવાન શિવની તસવીર બતાવીને પોતાની વાત મૂકી હતી. તેમના પ્રથમ ભાષણનો મોટો હિસ્સો સંસદીય રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.
કયા નિયમ હેઠળ હટાવવામાં આવે છે શબ્દ?
લોકસભાની પ્રક્રિયા તથા કાર્ય સંચાલન નિયમોના નિયમ 380માં કહેવામાં આવ્યું છે કે, જો અધ્યક્ષનો અભિપ્રાય છે કે ચર્ચામાં એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે અપમાનજનક અથવા અભદ્ર અથવા અસંસદીય અથવા અભદ્ર છે તો અધ્યક્ષ પોતાના વિવેકનો ઉપયોગ કરીને આવા શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવાનો આદેશ આપી શકે છે.
એવું નથી કે વાણી સ્વાતંત્ર્ય સાથે સાંસદ કંઈપણ કહેવા માટે સ્વતંત્ર છે. સંસદની ગરિમાને ઠેસ પહોંચે એવો કોઈ શબ્દ કે ટર્મ ન હોવો જોઈએ. આ જ હવાલો આપતા ઘણી વખત ગૃહની કાર્યવાહી દરમિયાન સાંસદોના ભાષણમાંથી કેટલાક શબ્દો, વાક્યો અથવા મોટા હિસ્સાને હટાવી દેવામાં આવે છે. આ પ્રોસેસને એક્સપંક્શન કહેવામાં આવે છે. લોકસભાની પ્રક્રિયા અને કાર્ય સંચાલન નિયમ 380 હેઠળ આવું કરવામાં આવે છે.