'તમે સમજી જાવ તો સારું રહેશે', કોર્ટમાં પ્રદર્શનને લઈને AAP સમર્થક વકીલોને હાઈકોર્ટની ચેતવણી
- AAPના લીગલ સેલે જિલ્લા અને હાઈકોર્ટ પરિસરમાં કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું હતું
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 27 માર્ચ 2024, બુધવાર
'કોર્ટનો દરવાજો ખખડાવવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે અને જો કોઈ લોકોને આમ કરવાથી રોકશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે'. દિલ્હી હાઈકોર્ટે આજે આ ટિપ્પણી કરી છે. કોર્ટે આવું એટલા માટે કહ્યું કારણ કે આમ આદમી પાર્ટી (AAP)ના લીગલ સેલે જિલ્લા અને હાઈકોર્ટ પરિસરમાં કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું હતું. તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એક વકીલની અરજી પર હાઈકોર્ટે સુનાવણી કરી હતી.
ગંભીર પરિણામ ભોગવવા પડશે
વકીલ વૈભવે કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન અંગે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, 'પોતાના રાજકીય હેતુઓ માટે કોર્ટને યુદ્ધનું મેદાન બનાવવું યોગ્ય નથી.' એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહનની ખંડપીઠે કહ્યું કે, 'તમે સમજી જાવ તો સારું રહેશે. ઘણા લોકો ઘણી બધી વાતો કહેતા રહે છે. જો કોર્ટ પરિસરમાં પ્રદર્શન કરવામાં આવે તો તે તેના જોખમ ઉઠાવવા માટે તૈયાર રહે. તેના ગંભીર પરિણામો આવશે. કોર્ટમાં આવવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. કોઈને તેનાથી રોકી ન શકાય. જો કોઈ સામાન્ય લોકોને રોકશે તો તેના ખૂબ જ ગંભીર પરિણામો ભોગવવા પડશે. સુપ્રીમ કોર્ટ દ્વારા ઘડવામાં આવેલ કાયદા લાગુ કરવામાં આવશે. અદાલતોને રોકી ન શકાય.' ખંડપીઠમાં જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરા પણ સામેલ હતા.
કોઈ પણ કોર્ટ પરિસરમાં વિરોધ ન કરી શકે: વકીલ વૈભવ સિંહ
વકીલ વૈભવ સિંહે પોતાની અરજીમાં કોર્ટ પરિસરમાં AAPના રાજકીય કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનના ગેરકાયદેસર આહવાન પર તાત્કાલિક રોક લગાવવાની માગ કરી હતી. સિંહે કહ્યું કે, 'કોઈ પણ કોર્ટ પરિસરમાં વિરોધ ન કરી શકે.' તેમની અરજીમાં સિંહે કહ્યું હતું કે 'આજકાલ રાજકીય પક્ષો માટે હડતાલ અને વિરોધના આહવાન માટે લીગલ સેલના સભ્યોને સામેલ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. AAPના લીગલ સેલે સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ વિરુદ્ધ 27 માર્ચે દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યું છે.'