ગૂગલ સર્ચ એન્જિનમાં મોટા ફેરફારો થશે : ડોક્યુમેન્ટ સર્ચનો ઓપ્શન મળશે
- ચેટબોટ બાર્ડની મદદથી ગૂગલ ચેટજીપીટીને ટક્કર આપશે
- જી-મેઈલમાં હેલ્પ મી રાઈટ બટન ઉમેરાયું, વિષય પ્રમાણે ઈ-મેઈલ લખી આપશે : માઈક્રોસોફ્ટ-ગૂગલ વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સ્પર્ધા
નવી દિલ્હી : ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ સર્ચ એન્જિન ગૂગલ અને જી-મેઈલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ફેરફારો થયા હોવાની જાહેરાત કરી હતી. ગૂગલ સર્ચ એન્જિનમાં હવે ડોક્યુમેન્ટ સર્ચનો વિકલ્પ મળશે. તે ઉપરાંત સર્ચનો અનુભવ સદંતર બદલાઈ જશે. જી-મેઈલમાં પણ મેઈલનો ડ્રાફ્ટ જાતે લખાઈ જાય એવું બટન ઉમેરાયું છે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોટ બાર્ડને વર્લ્ડવાઈડ લોંચ કરીને કહ્યું હતું કે બાર્ડ યુઝર્સનો સર્ચ એન્જિનનો અનુભવ બદલી નાખશે. સર્ચ એન્જિનમાં ડોક્યુમેન્ટ સર્ચનો ઓપ્શન ઉમેરાશે. તે સિવાય જી-મેઈલનો પણ નવો અવતાર જોવા મળશે. અત્યારે જી-મેઈલમાં ડ્રાફ્ટ લખતી વખતે સ્પેલિંગ અને વાક્યમાં ભૂલ હોય તો એને સુધારવાનો અને ચેક કરવાનો વિકલ્પ મળે છે, પરંતુ હવે તેનાથી આગળ ગૂગલે નવું બટન ઉમેર્યું છે. હેલ્પ મી રાઈટ નામનું આ બટન યુઝર્સને વિષય પ્રમાણે મેઈલ લખી આપશે અને જો ટાઈમ સેટ કરાશે તો સેન્ટ પણ કરી આપશે. ટાઈપિંગના ઓપ્શન્સ સાથે જ વિષય પ્રમાણે ટેમ્પ્લેટ બતાવશે. જે વિષયનો મેઈલ લખવાનો હશે એમાં માત્ર ખપ પૂરતું જ એડિટિંગ કરવાનું રહેશે. ગૂગલે ઈવેન્ટમાં કંપનીના પહેલા ફોલ્ડેબલ ફોનને પણ લોંચ કર્યો હતો. ગૂગલ પિક્સેલ ફોલ્ડ અપગ્રેટેડ વર્જન છે.
ગૂગલની કોન્ફરન્સમાં સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે અત્યારે વિશ્વ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નવા વળાંકે ઊભું છે ત્યારે ગૂગલ આ નવા ટૂલ્સથી યુઝર્સને નવો જ અનુભવ આપશે.
ગૂગલે સર્ચ એન્જિનનો એક્સપિરિયન્સ બદલાયો તેનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. એ પ્રમાણે સાધારણ સર્ચની જેમ જ સર્ચ કરાયું ત્યારે ગૂગલના રિઝલ્ટમાં કલર બદલી ગયો હતો અને ઉપર જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈઝ એક્સપિરિમેન્ટલ લખેલું આવ્યું હતું. ગૂગલે જેટલા પ્રયોગો દર્શાવ્યા તેના પરથી જણાયું કે સર્ચ એન્જિનનો આખો એક્સપિરિયન્સ બદલાઈ રહ્યો છે. ગૂગલ સર્ચ એન્જિન ઉપરાંત જી-મેઈલની નવી સુવિધાઓ બધા યુઝર્સ માટે લોંચ કરી દેવામાં આવી છે, પરંતુ ધીમે ધીમે યુઝર્સને એ સવલત મળતી થશે.
ગૂગલે ચેટબોટ બાર્ડને માર્ચ મહિનામાં લોંચ કર્યું હતું. ચેટજીપીટીને સ્પર્ધા આપવા માટે મર્યાદિત યુઝર્સ માટે લોંચ થયેલા આ ચેટબોટને ૧૮૦ દેશોના યુઝર્સ માટે લોંચ કરાયું હતું. ગૂગલે આ ફેરફાર કરીને માઈક્રોસોફ્ટને સ્પર્ધા આપવા માટે તૈયારી કરી છે. માઈક્રોસોફ્ટનું બિંગ સર્ચ એન્જિન અપડેટ થયું છે અને એમાં ચેટજીપીટીને કનેક્ટ કરાયું છે. એ પછી ગૂગલ સામે આર્ટિફિશિયલ ઈન્ટિલિજન્સ સજ્જ ટૂલ્સનો પડકાર સર્જાયો હતો. બાર્ડ અને ચેટજીપીટીના કારણે એઆઈ ટેકનોલોજીની હરીફાઈનો યુગ શરૂ થયો છે.